બે નામ સંબંધ
બે નામ સંબંધ
કોલાહલ મચી ગયો હતો, ચારેબાજુ. ગામડામાં ભય વ્યાપી ગયો હતો. લોકો બધા નદીની બાજુ દોડતા હતા. શું થયું ? શું થયું ? એમ બધા એકબીજાને પૂછતાં હતા. ધીમેધીમે ટોળું ભેગું થવા લાગ્યું. જે જોતા હતા તે પોતાની આંગળી દાંત વચ્ચે દબાવી દેતા, "હે ભગવાન." એમ બોલી ઊઠતાં. કવિતાને ઝંખના બંને પોતાનો હાથ એકબીજાને સોંપીને કાયમ માટે સુઈ ગયા હતા. જે જોતા તેના આંખમાંથી પ્રશ્નો સાથે આંસુ સરી જતા હતા. આમ કરવાનું કારણ શું હતું ?
મા બાપ એકબાજુ લાશ જોઈ થર થર ધ્રુજતા હતા. તેમને તે સમય યાદ આવી ગયો જયારે બંને ખાસ સહેલી હતી ને કોલેજ માટે શહેરમાં જવા જીદ કરતી હતી. બંનેના મા બાપે બન્નેની દોસ્તી ને ભણવાની લગન જોઈ બંનેને મઁજુરી આપી. કવિતાને ઝંખના બંનેની ખુશીનો પાર ના રહ્યો. તે બંને માટે કોલેજ જવું એક એમનું સપનું હતું. જતી વખતે બંને જણા એકદમ ખુશ હતા એમને એકબીજા સાથે સતત રહેવા મળશે ને ભણીને આગળ આવવાનું સપનું પણ પૂરું થશે. બંનેનું કોલેજમાં ને હોસ્ટેલમાં એડમિશન થઈ ગયું હતું. પણ તેવો ને ક્યાં ખબર હતી જીંદગી કેવો વળાંક લેશે ?
ખરી સફર તો હવે શરૂ થઈ હતી બંનેની, કેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. શહેરમાં એમના માટે એક ઉડવા પાંખ મળી ગઈ હતી એવું લાગતું હતું, પણ એ ક્યાં જાણ હતી કે અહીં કેટલાય કાપવાવાળા બેઠા છે.
કોલેજનો પહેલો દિવસ. કવિતાએ ક્લાસમાં પ્રવેશ કર્યો. એટલે બધા ક્લાસમાં એને જોઈને હસવા લાગ્યા. અંદર અંદર વાતો કરવા લાગ્યા. "કેવા કપડાં પહેર્યા છે ? બહેનજી ટાઈપ લાગે છે સાવ. ગમાર કહી કી.." બીજી બોલી, "તું એના વાળ તો જો એકદમ ચિપકુ તેલ નાખીને આવી છે." મયુર કરીને છોકરો બોલ્યો, જોરથી "અરે આ તો શિંગડા ઉભા કરીને આવી છે જો તો !" એટલે આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો. કવિતા દોડીને ક્લાસની બહાર રડતાં રડતાં નીકળીને હોસ્ટેલમાં પોતાના રૂમમાં ચાલી ગઈ. તે દિવસે ઝંખના કોલેજ ગઈ ન હતી રૂમ પર જ હતી.
કવિતાને રડતાં જોઈ એટલે તરતજ ઝંખના બોલી "આજે મારી જાનુ કેમ રડે છે ?"તે કયારેક પ્રેમથી કવિતાને જાનુ કહી દેતી. તો કવિતાના મોઢા પર તરત જ સ્માઈલ આવી જતું.પણ. પણ...આમ કેમ જરા પણ કવિતા હસી નહીં શું થયું હશે એને ?તે કવિતાને સવાલો પૂછવા લાગી, "શું થયું ?કોણે કર્યું ?કયો માઇ નો લાલ પેદા થયો મારી કવિતાને રડાવે ?તું મને કહે હું એને સરખો કરી નાખું.પછી જો કેવો ભીગી બિલ્લી બની જશે તારી આગળ." આ વાતથી કવિતાને હસવું આવી ગયું. તેને ખબર હતી તે વાત કરશે તો ઝંખના ગુસ્સે થઈ જશે અને બધાનું આવી બનશે.
બન્ને સહેલી બધું ભૂલી જઈને મસ્તી કરવા લાગી. તે જ દિવસે રાતે સિનિયર છોકરીઓનું ટોળું તેના રૂમની બહાર ઉભા રહ્યા હતા. અને બહાર જોરથી બુમો પાડી બહાર આવવાનું કીધું. અચાનક કવિતા ગભરાઈ ગઈ તે કબાટ પાછળ સંતાઈ ગઈ ને થરથર ધ્રુજવા લાગી. ઝંખનાએ હિંમત આપી, "તું શા માટે ગભરાઈ ગઈ ? હું છું ને તારી સાથે." તેણે હિંમતભેર બારણું ખોલ્યું. બધી છોકરીનું ટોળું રૂમમાં ધસી આવ્યું. ઝખનાં એકદમ ગુસ્સે થઈ ગઈ."આ શેની દાદાગીરી છે" આવી રીતે જબરજસ્તી આવવાનો શું મતલબ છે ?
ગ્રુપની લીડર માયા બોલી, "તમને બન્નેની ખબર નથી તમે બને નવા છો કોલેજમાં, તો અહીંના નિયમો મુજબ અમે જેમ કહીએ તેમ કરવું પડશે. મતલબ આજે તમારા બન્નેનું રેગિંગ થશે."
કવિતા માટે આ શબ્દ નવો હતો.પણ ઝંખના માટે પરિચિત હતો. તેણે તેના મિત્રો પાસેથી વાત સાંભળી હતી. તે જોરથી બુમો પાડવા માંડી ને બોલવા લાગી, "હું મેડમ ને વાત કરીશ. માયા એ આવીને તેના ગાલ પર બે થપ્પડ ઠોકી દીધી ને બોલી અમારી વિરુદ્ધ ગઈ તો બુરા હાલ કરીશ તારા. માયા એ બધાની મદદથી તેનું મોઢું રૂમાલથી બાંધી દીધું. સાથે તેના હાથ પગ બંને બાંધી દીધા..
કબાટ પાછળ સંતાઈ હતી તે કવિતાથી નહીં રહેવાયું ને દબાતા પગલે કબાટ પાછળથી બહાર આવીને બોલવા લાગી, "મારી ફ્રેન્ડને તમે છોડી દો. તેના અવાજમાં ધ્રુજારી હતી. તેની વાતથી બધા જોરજોરથી હસવા લાગ્યા. ને બોલ્યા "હવે આ બીકણ બચાવશે એની ફ્રેન્ડને." માયા પણ જોરજોરથી હસવા લાગી ને બોલી, "જો એને બચાવવી હોય તો અમે કહીશું તેમ કરશે. એમ કહીને કવિતા ને પૂછ્યું "બોલ બોલ તારી ફ્રેન્ડને બચાવવી છે તો અમે જેમ કહીએ તેમ તું કરશે ને ? ઝંખના એને સામું જોઈ ના પાડવા લાગી ને પોતાનું ડોકું ધુણાવ્યું. કવિતા બોલી શું કરવાનું ?
માયા તરત જ બોલી "યે હુઈ ને બાત, ચાલ, તો પહેલા આ લાવેલા તું અહીં પેન્ટ શર્ટ પહેરી લે અમારી સામે." કવિતા રડવા લાગી "ના.. ના.. માફ કરી દો આ મારાથી નહીં થાય..." બોલતાની સાથે જ માયાના હાથનો જોરદાર તમાચો પડી ગયો..
કવિતા એ ધ્રુજતા હાથે કપડાં લઈ લીધા તે બધા સામે કપડાં બદલવા લાગી ને બધાનું ક્રૂર અટહાસ્ય જાણે આભને પણ ગજવી ગયું. એકબાજુ ઝંખનાના આસું દડદડ વહેતા હતા. માયા બોલી હવે મુર્ગો બની જા ને પછી પોતે જમીન પર થૂંકી ને કીધું હવે આ તારે ચાટી જવાનું છે. કવિતા હાથ જોડવા લાગી ,"જવા દો મને પ્લીઝ મને જવા દો" જોર જોરથી પોંક મૂકી ને રડવા લાગી. બોલી હવે આ મારાથી નહીં થાય. આ બોલતાની સાથે જ માયાએ ઝંખનાના કપડાં ઉતારવાનું ચાલુ કર્યું. તરત જ કવિતા જોરથી બોલી પડી મારી ફ્રેન્ડને કશું નહીં કરતા હું તમે કહેશો એમ કરીશ. ને તે મુર્ગો બની ગઈ ને થૂંકેલું ચાટી ગઈ..બધા એને જોઈને હસવા લાગ્યા ને તાળી પાડવા લાગ્યા ને "હિપ હિપ હુરે હિપ હિપ હુરે" બોલતા બોલતા બધા નીકળી ગયા..
કવિતા એકદમ સહમી ગઈ હતી. તે ઝંખનાને જોરથી ભેટીને રડવા લાગી. બંને સહેલીઓ તૂટી ગઈ હતી અંદરથી પણ કવિતાની હાલત બહુ જ ખરાબ હતી. ઝંખનાએ લાવીને બેસાડી પણ કવિતા એનો હાથ છોડવા તૈયાર નહીં હતી.ને ફરી તે ભેટી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કવિતાને હૂંફની જરૂર હતી. લાગણીને પ્રેમની જરૂર હતી. તે બહુ ગભરાઈ ગઈ હતી. આખી રાત બંને એકબીજાના આલિંગનમાં બેસી રહ્યા. ને ઝંખનાએ પણ પોતાના વ્હાલથી એને ચૂમી લીધી ને કલાકો સુધી તેવો એકબીજામાં ખોવાઈ ગયા.
બંનેનું ભણવામાંથી મન ઉઠી ગયું. ને પોતાને ગામ પાછી ફરી. ઘરમાં કહી દીધું હવે ભણવું નથી. એટલે ઘરવાળાએ લગ્ન કરવાના નક્કી કર્યા કવિતાના. કવિતા હવે બેચેન રહેવા લાગી તેને હવે ઝંખના વગર ગમતું નહીં હતું. તે જ હાલત ઝંખનાની પણ હતી તેવો એકબીજા વગર રહી શકતા નહીં હતા. જાણે તેવો પૃથ્વી પર એકબીજા માટે જ જન્મ્યા હતા એવો અહેસાસ થવા લાગ્યો હતો. પ્રેમમાં એવો ઈશ્વરને પામી ગયા હોય એવું લાગતું હતું. પણ કોઈ સમજી શકશે ખરો એમનો પ્રેમ ? આ વાત બન્નેને પજવતી હતી. પછી અચાનક નિણર્ય લઈ લીધો કે કાયમ માટે એકમેકમાં ઓતપ્રોત થવાનો. એકબીજાને હાથ આપ્યો આલિગન આપ્યુંને નદીમાં પડતું મૂકી દીધું.
તેમની લાશ જોઈ લોકોના સવાલ અધુરા હતા. શું થયું ? કેમ કર્યું ? એ વાત કોઈ આજે નથી જાણતું. પણ એક પ્રશ્ન મૂકી ગયા કે શું બંને સ્ત્રી પ્રેમ ના કરી શકે ? આ પ્રશ્ન સાથે તેમણે વિદાય લીધી આ જગતમાંથી...
