STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

બે હજાર રૂપિયાનો ચેક ભારતની સેવામાં

બે હજાર રૂપિયાનો ચેક ભારતની સેવામાં

4 mins
135

નાથાલાલ અમથાલાલ શાહનો મોટો દીકરો અશોક નાનપણથી સખત મહેનતુ અને હોશિયાર. લગભગ બહુ જ નાની વયે તેમણે ઉત્તમ ગુણાંક સાથે એમ.બી.બી.એસ.નો અભ્યાસ અમદાવાદની વિખ્યાત બી.જે.મેડીકલ કૉલેજમાંથી ઝળહળતી તેજસ્વિતા સાથે પૂર્ણ કર્યો.

અશોકભાઈને એમ.એસ.ના ઉચ્ચ અભ્યાસ માટે સ્કૉલરશિપ તો મળી જ હતી. તેમને આ બાબતની ચિંતા હતી નહીં, પરંતુ જ્ઞાનપિપાસુ વિઘાર્થી હોવાને લીઘે તેમની એક તીવ્ર ઈચ્છા હતી કે જે પુસ્તકો દ્વારા અમેરિકા અને જર્મનીમાં એમ.એસ.નો અભ્યાસ કરતા વિઘાર્થીઓ જ્ઞાન મેળવે છે, તે પુસ્તકો જો તેમને ભારતમાં અને ખાસ કરીને અમદાવાદની મેડિકલ લાઇબ્રેરીમાં મળી જાય તો તેઓ વિદેશના વિઘાર્થી જેટલી જ સરળતાથી ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે.

ઘણા લાંબા સમયના પ્રયાસો બાદ, અમુક લાઈબ્રેરીમાંથી તેમને માહિતી મળી કે અમેરિકાનાં તેમજ જર્મન પુસ્તકોનાં વેપારીને ભારતની કોઈક બૅંક દ્વારા જો તે બે હજાર રૂપિયા મોક્લી આપે તો તે વેપારીઓ વિઘાર્થીના હિતને લક્ષમાં રાખીને, બજારભાવ કરતાં પણ ઓછા દરે તે પુસ્તકો ભારતમાં અમદાવાદની મેડિકલ લાઈબ્રેરીમાં મોક્લી આપે.

બે હજાર રૂપિયા લાવવા કયાંથી ? કોઈ સગાસંબંઘી કે મિત્રો પાસે હાથ લંબાવવો એ તો અશોકભાઈના લોહીમાં જ ન હતું. આમ ભારે સ્વાભિમાની. એટલે પુસ્તકો મેળવવા તેમણે અમદાવાદની ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી પુસ્તકો મેળવી આપવા નમ્ર વિનંતી કરી જોઈ. ઘણા મેડિકલ ડૉકટર પ્રાઘ્યાપકો સાથે પણ તેમણે ઘણી માથાફોડ કરી કિંતુ તેઓ કયાંય કોઈ પણ રીતે સફળ ન થયા. હિંમત ન હારતાં પુસ્તકો મેળવવા એક વઘારે પ્રયાસ કરવાનું તેમણે વિચારી લીઘું

અશોક શાહે મૅટ્રિકથી એમ.બી.બી.એસ. સુઘીની તમામ માર્કશીટ્સની નકલો કરી. તેની સાથે એક વિગતવાર પત્ર તે વેળાના કેન્દ્રીય નાણાપ્રઘાન શ્રી.મોરારજી દેસાઈને લખ્યો કે જો તમે મારા અભ્યાસ માટેનાં આ પુસ્તકો માટે બે હજાર રૂપિયાની સગવડ કરી આપો તો હું મારી સંપૂર્ણ મહેનત સાથે એ પુસ્તકોનો અભ્યાસ કરી જે જ્ઞાન અમેરિકા તેમ જ જર્મન મેડિકલ વિઘાર્થીઓને મળે છે તે જ્ઞાન મેળવવાની સફળતા હું ભારતીય મેડિકલ વિઘાર્થીઓને આપવા ઈચ્છું છું.

મોરારજીભાઈને અશોકભાઈનો આ સંદર્ભે કાગળ મળ્યા પછી અશોકભાઈને બે હજાર રૂપિયા આપવાની ઈચ્છા થઈ. પણ મોરારજીભાઈ સામે બહુ જ વિકટ પશ્ન હતો. રૂપિયા બે હજાર કઈ રીતે આ તેજસ્વી વિઘાર્થીને મદદરૂપે આપવા ? પોતે કેન્દ્રના નાણાંપ્રઘાન હોદ્દાની રુએ તેઓ કોઈનેય આમ સરકારી ભંડોળમાંથી કારણ વિના એક રાતી પાઈ પણ ન આપી શકે. તેમને જે કંઈ કરવાનું તે બઘું કાયદાની મર્યાદામાં રહીને જ કરવાનું હતું.

ભારતના નાણાંપ્રઘાન માટે બે હજારની રકમ બહુ મોટી વિસાત હતી નહી. મોરારજીભાઈ ધારત તો પોતાની સત્તાની રુએ બે હજાર શું બે લાખ રૂપિયા પણ અશોકભાઈને આપી શક્યા હોત પરંતુ એમને મન સિદ્ઘાંત અને નીતિનિયમ પોતાના પ્રાણથીય વિશેષ મહત્વના હતા. મોરારજીભાઈ દેસાઈ ઈચ્છત તો નીતિનિયમ અને સિદ્ઘાંતનું બહાનું કાઢીને અશોકભાઈને 'દિલગીર' છું કહીને છટકી શક્યા હોત, પરંતુ બે હજાર જેવડી નાનકડી રકમને લીઘે કોઈ તેજસ્વી વિઘાર્થીનો અભ્યાસ બગડશે તે વિચારને ઘ્યાનમાં રાખીને કશી માથાઝીંક કે ચિંતા કર્યા વગર, પોતાના અંગત બૅંક બૅલેન્સમાંથી બે હજાર રૂપિયાનો ચેક ડૉ.અશોક શાહને તેમણે તાત્કાલિક મોકલી આપ્યો. સાથે એમણે પત્રથી જણાવ્યું કે બે હજાર રૂપિયા તમને લોન તરીકે મારા અંગત ખાતામાંથી મોકલું છું. તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી તમારી સગવડે મને પરત કરશો. અને જીવનમાં તમને તમામ શિખરો પર સફળતા વરો એવી આશિષ છે.

૧૯૬૭માં અશોકભાઈ એમ.એસ.થયા. તે સમયે મોરારજીભાઈ દેસાઈ કોઈક કારણસર અમદાવાદ પઘારેલા. અશોક્ભાઈ તેમને મળવા ગયા બે હજાર રૂપિયાનો ચેક પરત કર્યો. મોરારજીભાઈ સખત કામમાં ગૂંથાયેલા હોવા છતાં તેમણે અશોક્ભાઈ સાથે બે ચાર મિનિટ વાતચીત કરી અને ભાવિ અભ્યાસ વિશે પૂછપરછ કરી. અશોક્ભાઈએ મોરારજીભાઈને જણાવ્યું કે હું ટૂંક સમયમાં વઘારે અભ્યાસ અર્થે અમેરિકા જવાની ઈચ્છા રાખું છું. તેમના આ જવાબથી મોરારજીભાઈ ખુશ થયા. તેમની પાસે પૂરતો સમય ન હોવાથી તેમણે અશોક્ભાઈને કહ્યું કે તમે તમારો વિદેશનો અભ્યાસ ખુશીથી પૂર્ણ કરો. તમને મારા આશીવાર્દ છે. તમને સંતોષ થાય કે મેં જીવનમાં જેટલી ઈચ્છા રાખી હતી તેટલો અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે મને મારી લોનના રૂપિયા પરત કરજો. હમણાં તમે આવી ખોટીં ચિંતા ન કરો ફકત તમારા અભ્યાસમાં ઘ્યાન રાખો. આ પ્રમાણે કહીને તેઓ પાછા પોતાના કામમાં ગૂંથાઈ ગયા.

૧૯૮૨ના અરસામાં અશોક શાહ મોરારજીભાઈને મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને મળવા ગયા. મોરારજીભાઈ રોજિંદા નિયમ મુજબ રેંટિયો કાંતી રહ્યા હતા. અશોક્ભાઈએ મોરારજીભાઈના હસ્તાક્ષરવાળો પત્ર અને ચેકની નકલ સાથે બે હજાર રૂપિયાનો ચેક સાભાર તેમના હાથમાં મૂકયો. મોરારજીભાઈ બહુ જ ખુશ થયા.

પરત કરેલા ચેકનો આભારસહ અસ્વીકાર કરીને, અશોક્ભાઈને આશીર્વાદ આપતાં તેમણે કહ્યું કે તમારા જેવા ઈમાનદાર, પ્રામાણિક અને જ્ઞાની ભારતીય પર હું ગૌરવ અનુભવું છું. લગભગ પંદરવીસ વરસ પછી પણ કોઈકે જીવનમાં કરેલી મદદનું ઋણ તમે ભૂલ્યા નથી તે મારા માટે આનંદની વાત છે. કોઈનેય મદદ કરું છું તે હંમેશ માટે ભૂલી જવામાં હું માનું છું. તમને ભૂતકાળમાં કયારેય કોઈ મદદ કરી હોય એ મને યાદ પણ નથી. પણ આ મારા હસ્તાક્ષરવાળો કાગળ અને ચેકની ઝેરોકસ નકલ જોઈને મને તમને એક વડીલ તરીકે બે શબ્દો કહેવાનું મન થાય છેઃ ' તમે જયારે પણ કોઈને કંઈ પણ મદદ કરો ત્યારે મદદ કર્યાની વાતને તમારે હંમેશ ભૂલી જવી. થાય એટલી લોકોને જીવનમાં મદદ કરવી પણ ફળની આશા કયારેય ન રાખવી."

વિદાય લેતા ડૉ.અશોક શાહને મોરારજીભાઈએ જરા રમૂજ સાથે કહ્યું, 'મેં તો મારી નાનકડી મૂડીને ભારતની સેવા માટે રોકી હતી. પણ તેનો લાભ અમેરિકા જેવા સગવડવાળા દેશને મળ્યો ! પરંતુ અમેરિકામાં તમે જયારે જીવનનો પૂરેપૂરો સંતોષ અનુભવી લ્યો ત્યારે થોડીક સેવા ભારતને પણ આપજો.હજી ભારતના લાખો ગામડાઓને સેવાભાવી ડોકટરોની જરૂર છે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational