Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Children Inspirational Tragedy

0.6  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Children Inspirational Tragedy

"અતૂટ મિત્રતા"

"અતૂટ મિત્રતા"

3 mins
901


કલકત્તા શહેર. અનિલ અને વિજય નામના બે મિત્રો. બન્ને નાનપણના લંગોટીયા મિત્ર. બધી જગ્યાએ સાથે જ હોય. લોકો પણ બન્ને ને સાથે જ જોવા ટેવાયેલા. સાથે રમતા, સાથે જમતા, સાથે ભણતા અને સાથે ઝઘડતા પણ ખરા !

બંનેનાં શોખ પણ એક સરખા ! ક્રિકેટ, સિનેમા ,સાહિત્ય અને ફરવાનો પણ શોખ ખરો જ.

હા, એક ચીજમાં બંને અલગ હતા અને તે હતો તરવાનો શોખ ! અનિલ હતો પાકો તરવૈયો !! પ્રાઈઝ પણ તેને મળેલું ! જયારે વિજયને તરવાનો કે શીખવાનો જરાપણ શોખ નહોતો !

સૌ આ જાણતા હતા અને વિજયને એ બાબત ચિડવતા પણ ખરા !

અનિલે પણ તેને શીખવવાની ખુબ કોશિશ કરી. પણ ના. વિજય શીખ્યો જ નહી.તેને પાણીથી ખુબજ બીક લાગતી ! આખરે અનિલ આ વાત સમજી ગયો અને તેણે પણ આ વાત સ્વીકારી લીધી !

બન્ને સ્કૂલ બોર્ડની એક્ઝામ નું છેલ્લું પેપર આપીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે બન્ને ખુશખુશાલ હતા. સવારનું પેપર આપીને આવ્યા ત્યારે માત્ર હજુ સવારના 11 જ વાગ્યા હતા. બન્ને એ નક્કી કર્યું કે આજે વહેલું પેપર પૂરું થઈ ગયું છે, ગરમી પણ સખત છે.ગંગા નદીમાં નહાવા જઈએ તો ? અજય પણ માની ગયો.

ઘરે જઈને બન્ને ઘરથી થોડે દુર બાગબજાર ઘાટમાં નાહવા ગયા. અનિલ રોજ એકવાર અહિ નાહવા આવતો. કયારેક અજય પણ આવીને કિનારે કિનારે સ્નાન કરીને તેને સાથ આપતો.

બંને નાહવા ગયા ત્યારે ગંગા મૈયા શાંત હતા.પાણી પણ ઠંડુ હતું. એપ્રિલ નો મહિનો હોવાથી ગરમી અને કલકત્તાના વાતાવરણમાં પસીનો પણ ખૂબ થતો હોવાથી બન્ને પસીનાથી રેબઝેબ થઈ ગયા હતા. ઘાટમાં આવીને બંન્ને એ પાણીમાં ઝંપલાવ્યું. મઝા આવતી હતી. અનિલ અજયને કિનારે નહાવાનું કહીને આગળ નીકળી ગયો.

અચાનક શુ થયું કે વાવાઝોડું શરૂ થયું. અજયે જોયું તો અનિલ દેખાતો હતો પણ દૂર હતો. અજયે ઈશારો કર્યો તેને પાછો આવવા માટે.અનિલે પણ હાથ ઉંચો કરીને થોડી રાહ જોવાનું કહ્યું....

ત્યાં તો ગંગામાં ભરતી આવવી પણ શરૂ થઈ ! લોકો ભાગીને પગથિયા ઉપર ચડવા લાગ્યા.અજય પણ ગભરાઈ ગયો. જોયું તો અનિલ દેખાતો નહોતો. લોકો ચિસાચિસ કરવા લાગ્યા, પરિસ્થિતિ ગંભીર થવા લાગી,વાવાઝોડું અને ભરતીને કારણે લોકોને કંઈ જ દેખાતું નહોતું ! દુરથી અનિલ પણ પાણીમાં ફસાઈ ગયો હોય એવું દેખાતું હતું. કોઈ અનિલને આ ભરતીમાં કુદીને, બચાવવા જવા તૈયાર નહોતું....અનિલ ડૂબતો હતો !!

અજય ગભરાઈ ગયો. તેણે જોયું તો કિનારે એક રબરની ટ્યુબ પડેલી હતી.તેણે નિર્ણય કરી લીધો. આંખો બંધ કરીને અનિલે શિખવ્યું હતું તે યાદ કરી લીધું....

"પાણીમાં શ્વાસ બંધ રાખવાનો અને હાથ પગ હલાવવાના."

તરવાનો આ પહેલો નિયમ હતો.અજયે આ નિયમ યાદ કરી લીધો અને ટ્યુબ હાથમાં લઈને કુદી પડ્યો અનિલને બચાવવા ! લોકો રોકવાની કોશિશ કરે તે પહેલાં તો તે ક્યાંનો ક્યાં પહોંચી ગયો

અનિલ પાસે ! બન્નેના હાથમાં ટ્યુબ હતી. લોકોને આશા બંધાણી. ...!! ભરતી ચાલુ હતી પણ વાવાઝોડું ઓછું થયું હતું. ભરતીને કારણે બન્ને મઝધારમાં પહોંચી ગયા હતાં..... અને હવે અજયને તકલીફ પડતી હોય એવું દુરથી દેખાતું હતું. જો કે કોઈને ત્યારે ખબર પણ નહોતી કે અજયને તરતાં નહોતું આવડતું !

કિનારે ખુબજ ભીડ થઇ ગઇ હતી.લોકો ચિસાચીસ કરી રહ્યા હતાં....

અચાનક જોરથી એક મોટું બધું મોઝું આવ્યુ. હાથમાંથી ટ્યુબ છટકી ગઈ અને બન્ને એકસાથે દૂર ફેંકાઈ ગયા. આખરીવાર માટે.હમેશ માટે....લોકો જોતા જ રહી ગયા....

બન્નેની લાશ ચાર કલાક પછી કિનારે ખેંચાઈ આવી! બંનેના હાથ એકબીજા સાથે ભીડાયેલા હતા!!

લોકોની આંખોમાં આંસુ હતા. સૌએ બન્નેને સાથે રમતા,જમતા,ભણતા અને ઝઘડતા જોયા હતા. આજે સૌએ તેમને સાથે મરતા પણ જોઈ લીધા !

(આ સત્ય પ્રસંગ ઘણા વર્ષો પહેલાં, મારા કલકત્તાના વસવાટ દરમ્યાન મારા બંગાળી મિત્ર પાસેથી સાંભળ્યો હતો. આ બન્ને બંગાળી મિત્રોની વાત ત્યાં રહેતા જુના લોકોને યાદ હશે જ. સ્થાન અને પ્રસંગ સિવાય નામ વગેરે કાલ્પનિક છે.)


Rate this content
Log in

More gujarati story from HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Similar gujarati story from Children