અતૂટ બંધન
અતૂટ બંધન


વંદના અને અજીત એકબીજાને દિલોજાનથી ચાહતા હતા. વંદના ગ્રેજ્યુએટ હતી. જ્યારે અજીતે પણ ગ્રજ્યુએટ થઈ આર્મી જોઈન્ટ કર્યુ હતું. પહેલેથીજ તેનામાં દેશ દાઝ હતી. તેનું એકજ સ્વપ્ન હતું દેશ માટે કંઈક કરી જવાનું. આથીજ તેણે લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો. પણ વંદનાએ તેના જીવનમાં પ્રવેશ કર્યો. વંદના પણ દેશ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. બંનેના વિચારો ખૂબ મળતા હતા.
અજીત અને વંદના અવાર નવાર મળતાં અને દેશ-દુનિયાની વાતો પણ કરતાં. અજીત એને ઘણીવાર કહેતો તું બીજો કોઈ સારો છોકરો શોધી લગ્ન કરી લે. મારી સાથે લગ્ન કરી તને શું મળશે? અમારા જેવા સૈનિકૌની જીંદગીનો શો ભરોસો? એ તો ભારતમાને નામ કરી દીધી હોય છે. ત્યારે વંદના કહેતી શું તમે યુવાનોજ ત્યાગ કરી શકો છો? જો એવું માનતો હોય તો એ તારી ભૂલ છે. અમે સ્ર્ત્રીઓ પણ ગમે તેટલો મોટો ત્યાગ કરી શકીએ છીએ. મને ખબર છે તારી જીંદગી તે ભારતમાતાને ચરણે ધરી દીધી છે. છતાંય હું તારી પત્ની બનવા ઈચ્છું છું. ભલે કદાચ મને તારો સાથ ટૂંકા સમય માટેજ મળે મને મંજૂર છે.! તારી સાથેની એક-એક પળ મારા માટે અમૂલ્ય રહેશે.
અજીત પણ વંદનાને ખૂબ ચાહતો હતો. પણ ભવિષ્યથી ડરતો હતો. વંદનાની વાતોથી તેને ખૂબ સારું લાગ્યું. અને ઘરમાં વાત કરી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ઘરમાં બધા ખૂબ રાજી થઈ ગયાં. પણ વંદનાના ઘરમાં ધરતીકંપ સર્જાયો. જ્યારે વંદનાએ એક ફૌજી સાથે લગ્ન કરવાની વાત કહી. તેના મમ્મી-પપ્પાએ ચોખ્ખી ના કહી દીધી. અને કહ્યું હાથે કરીને અમે અમારી દીકરીને વિધવાના રૂપમાં જોવા નથી માંગતા. તું અમારા જીગરનો ટુકડો છે. એક સૈનિકની પત્ની બનીને વેદનાભરી જીંદગી જીવવાની અમે કદી મંજુરી નહિ આપીએ.!
વંદના પોતાના નિર્ણયમાં મક્કમ હતી. તેણે તેના મમ્મી-પપ્પાને કહ્યું, દેશનો દરેક સૈનિક પોતાના માતા-પિતાનો જીગરનો ટુકડો હોય છે. જો દરેક માતા-પિતા સ્વાર્થી બનશે તો કોણ દેશની રક્ષા કરશે? દુશ્મનોથી દેશને કોણ બચાવશે? અને હા મારા નસીબમાં વિધવા થવાનું લખ્યું હશે તો ગમે તેની સાથે લગ્ન કરીશ તો પણ કદાચ થઈશ. જીવન અને મરણ તો ઉપરવાળાના હાથમાં હોય છે. અને કદાચ હું અજીત સાથે લગ્ન કરીને વિધવા થઈશ તો મને એનું ગૌરવ હશે, હું એક શહીદની વિધવા કહેવાઈશ.
વંદનાની દલીલો અને હઠ આગળ તેના માતા-પિતાએ નમતું જોખ્યું અને અજીત સાથે લગ્નની હા પાડી દીધી. વંદના અને અજીતે સાદાઈથી લગ્ન કરી લીધાં. લગ્નમાં કુટુંબીજનો અને થોડાં આર્મી મિત્રોનીજ હાજરી હતી. બધાં ખૂબ ખુશ હતા. અજીત અને વંદનાએ સુહાગ રાતે ભાવિ જીવનની ખૂબ વાતો કરી. બંને બહાદુર હતાં. તેમનું બંધન અતૂટ હતું. જેને મોત પણ ન તોડી શકે તેવું અતૂટ બંધન.! બંને એ એકબીજાને કોલ દીધા. ગમે તેવી મુશ્કેલી આવે પણ હિંમત નહીં હારવાની. અને અજીતે પણ વંદનાને કહ્યું, જ્યાં સુધી આપણો સાથ લખાયો હશે ત્યાં સુધી તો ઝિંદાદીલીથી જીવીશું પણ જો મને કંઈ થાય તો મારા કુટુંબની જવાબદારી પણ તું નીડરતાથી નિભાવીશ એટલો મને વિશ્વાસ છે. વંદનાએ અજીતનો હાથ પકડી કહ્યું, તું ચિંતા ન કર હજુ તો આપણે બંનેએ સાથે રહીને ખૂબ જીવવાનું છે. અને હા હવે આ મારું કુટુંબ છે, અત્યારથી જ હું એની જવાબદારી નિભાવીશ. અજીતે પ્રેમથી એનો હાથ ચૂમી લીધો, અને બંને એક બની ગયાં.
અજીતને પંદર દિવસની રજા મળી હતી. આ પંદર દિવસો વંદના અને પરિવાર સાથે સડસડાટ પૂરા થઈ ગયાં. હવે છેલ્લી રાત હતી. સવારે અજીતને ફરી જવાનું હતું. કાશ્મીર સરહદ પર તેની ડ્યુટી હતી. એ આખી રાત વંદના અને અજીત જાગતા રહ્યાં. હવે કેટલા સમયનો વિરહ લખાયો હશે કોને ખબર.! બંનેએ છેલ્લી રાતે ભરપુર વાતો કરી અને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં. ક્યારે સવાર પડી ખબરજ ન રહી.! અજીતની નાની બહેન બંનેને બોલાવવા આવી. નાહીને બધાં મંદિરે ગયાં. અજીતના માતા-પિતા અને નાની બહેને અજીતના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. આજે બધાં ઉદાસ હતાં. પણ વંદનાએ ઉદાસીને છુપાવી લીધી હતી. તેણે અજીતને ભાવતી મીઠાઈ બનાવી. સૌ સાથે બેસીને જમ્યા. અને પછી અજીતને મૂકવા સ્ટેશન સુધી ગયાં. અજીતે તેની નાની બહેનને કહ્યું, તું ચિંતા ન કર હું રક્ષાબંધનની રજામાં ચોક્કસ આવીશ. બધાની આંખના ખૂણા ભીના હતાં છતાંય હસતાં ચહેરે અજીતને વિદાય આપી.
અજીત ખૂબ ખુશ હતો. વંદનાને એ રોજ યાદ કરતો. તેનો ફોટો હંમેશા પાકિટમાંજ રાખતો. સમય મળે ત્યારે બધાં સાથે વાત પણ કરી લેતો. એક દિવસ અચાનક તેની છાવણી પર ગોળીબાર ચાલુ થયો. ઓચિંતા હુમલાથી થોડીવાર તો બધાં અસમંજસમાં પડી ગયાં. પણ પછી તરતજ મોરચો સંભાળી લીધો. સામસામે ગોળીબાર થવા લાગ્યો. અજીતની છાવણીમાં ચાર સૈનિકોજ હતાં. જ્યારે દુશ્મનો પુરી તૈયારી સાથે મોટો કાફલો લઈને આવ્યા હતાં ઘણીવાર સુધી ગોળીબાર ચાલ્યો. અજીતના મિત્રને છાતીમાં ગોળી વાગી ગઈ. અજીત તેને બચાવવા ગયો તો તેને પણ કેટલી બધી ગોળી વાગી. એ પણ બેભાન થઈ નીચે પડી ગયો. એવામાં બીજા સૈનિકો આવી ગયાં. અજીતે દુશ્મનો સામે ટક્કર લઈ છાવણીને અને બીજા સૈનિકોને બચાવી લીધાં હતાં.
અજીતને અને તેના મિત્રને હોસ્પિટલમાં લઈ ગયાં. ત્યાં ઓપરેશન કરી તેના શરીરમાંથી ગોળીઓ કાઢવામાં આવી. બંને બચી ગયાં હતાં પણ અજીતના પગમાં વધારે ગોળીઓ લાગવાથી એક પગ કાપવો પડ્યો હતો, અને હવે ઘોડીના સહારે ચાલવાનું હતું, જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે તેણે એક પગ ગુમાવી દીધો છે.! પગ ગૂમાવવાના દુ:ખ કરતાંયે હવે તે દેશની સેવા નહિ કરી શકે તેનું દુ:ખ વધારે હતું.! ઘરમાં પણ બધાંને જાણ કરવામાં આવી. તેને ઘરે પહોંચાડવામાં આવ્યો. બધાંની આંખમાં આંસુ હતાં. હવે શું થશેની ચિંતા પણ હતી.
છાપામાં અને ટી.વી.માં વીજળી વેગે સમાચાર ફેલાઈ ગયાં હતાં. સૈનિક અજીત સોલંકીએ બહાદુરી બતાવી પોતાના મિત્ર અને ચોકીને બચાવી ત્રિરંગાનું ગૌરવ વધાર્યુ છે. પણ હા આ લડાઈમાં એમણે એક પગ ગુમાવવો પડ્યોછે. અજીતને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે.
અજીતને વંદના માટે ખૂબ દુ:ખ થતું હતું. એણે વંદનાને કહ્યું પણ ખરું વંદના હવે હું કઈ રીતે જીવન ગુજારીશ. તમારા બધાંના સ્વપ્ન પર મેં પાણી ફેરવ્યું છે. ત્યારે વંદના તેના મોઢા પર હાથ રાખી બોલી, ખબરદાર હવે એવું બોલ્યો છે તો મને તારા પર ગૌરવ છે. અરે મને શું આખા દેશને તારા પર ગૌરવ છે. અને શરમાઈને પેટ પર હાથ રાખીને કહ્યું આપણા બાળકને પણ તારા પર ગૌરવ હશે. અને હા જો દીકરો આવશે તો તેને પણ આપણે આર્મીમાંજ મોકલીશું.!
થોડાં મહિના પછી અજીતને પરમવીર ચક્ર આપી તેનું સન્માન કરવામાં આવ્યું. કેટલા બધાં ઓફિસરો અને નેતાઓની વચ્ચે તેનું બહુમાન થયું. અજીતે એક પગ ગુમાવી દીધો હતો પણ તેની પત્ની તેનો સહારો બનીને સ્ટેજ પર ગઈ હતી. લોકોએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. અજીતે કહ્યું, મારો એક પગ ગયો તો શું થયું? મારો સહારો મારી પત્ની છે. અને એજ મારી શક્તિ છે.