અત્તર
અત્તર
મનોજ અને રોમા એક એવું કપલ કે બધા જ એમને જોયા કરતા. સુંદર, શિક્ષિત અને સંસ્કારી. સભ્યતા તો એમના જીવનને વરેલી હતી.
નવા નવા લગ્ન થયા હતા, નવો નવો પ્રેમ હતો, મનમાં હજારો અરમાનો હતા, નવા જીવનની શરૂઆત થઈ રહી હતી. મનોજને નવી નવી બ્રાન્ડના અત્તર લગાવવાનો ખૂબ જ શોખ હતો. એના અત્તરની મહેકમાં રોમા ખોવાઈ જતી અને પોતાના દિલનો કાબુ ગુમાવે બેસતી.
લગ્નનો એક મહિનાનો સમય એવી રીતે વીતી ગયો હતો કે, ખબર પણ ન પડી બંને એકબીજામાં ખોવાયેલા રહેતા પ્રેમમાં ગળાડૂબ રહેતા. જોનારને એમ જ લાગતું ઈશ્વરે આ જોડી એવી સરસ બનાવી છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે !
એ સાંજ હતી કેવી ભયાનક ડરામણી અને રોમાના જીવનને તહસ નહસ કરી દેનારી એ સાંજે મનોજ અને રોમા લોંગ ડ્રાઇવ માટે કાર લઈને ઉપડ્યા હતા, હોટેલમાં રાતનું ડિનર લેવા માટે ગયા હતા. પૂનમની ચાંદની રાતમાં તેઓ એક સરસ હોટેલમાં ડિનર માટે પ્રવેશ્યા હતા. ડિનર તો એક બહાનું હતું બંનેને સાથે સમય વિતાવવું હતું. આજે તો બંને ખૂબ જ ખુશ અને રાધાકૃષ્ણની જોડી જેવા શોભતા હતા, એ આસમાની રંગની સાડીમાં રોમાં તો ખીલી ઊઠી હતી. એના ખુલ્લા વાળની લટો એના સ્પર્શ કરીને જાણે પોતાને ભાગ્યવાન સમજી રહી હતી. ગોરો લચીલો દેહ, કામણગારુ સૌંદર્ય અને સંવેદનશીલ મનોજ અને એને નાખેલા અત્તરની મહેકથી રાત વધુ રંગીન બની હતી. ડિનર કરતા કરતા એમને ઘણી બધી વાતો કરી ભવિષ્યના સપનાઓ જોયા અને ખૂબ સમય વીતી ગયો હતો એમના ધ્યાનમાં આવ્યું કે હવે ઘરે જવું જોઈએ અને તેઓ ફરીથી નિવાસસ્થાને આવવા માટે કારમાં ગોઠવાઈ ગયા. રાતનું અંધારું હાઇવેનો રસ્તો કુલ સ્પીડમાં આવતી ગાડીઓ, મનોજની હાઇવે પર ફૂલ સ્પીડમાં છોડી રહી હતી સામેથી એક મોટો ટ્રક પણ સ્પીડમાં આવી રહ્યો હતો અને એક જ ક્ષણમાં ન સમજાતા અકસ્માત થઈ ગયો. ગાડીની બ્રેક લાગી નહીં કદાચ બ્રેક ફેલ થઈ ગઈ હતી અને મનોજ તો ગાડીની બહાર પટકાઈને લોહીના ખાબોચિયામાં પડ્યો હતો કેવો ભયંકર અકસ્માત હતો આ ? રોમા તો બેભાન થઈ ગઈ હતી.
બીજા દિવસે જ્યારે રોમાને હોશ આવ્યા ત્યારે તે એક હોસ્પિટલના બિછાના પર પડી હતી. એક નર્સ એની પાસે આવી. અને એને બનેલી ઘટના પૂછવા લાગી એને કહ્યું તમારા ઘરનાના ફોન નંબર આપો રોમાએ એની મમ્મીનો ફોન નંબર આપ્યો હજુ સુધી રોમાને ખબર જ નહોતી કે, મનોજનુ શું થયું છે ? કોઈએ એને કઈ કહ્યું પણ નહોતું. થોડીવારમાં ડોક્ટર રોમાની તબિયત પૂછવા માટે આવ્યા ત્યારે રોમાએ મનોજ વિશે પૂછ્યું. ડોક્ટરે એને આઘાત ન લાગે એટલે એ બીજા વોર્ડમાં છે અને ટ્રીટમેન્ટ ચાલે છે એમ કહ્યું. એક કલાક પછી રોમાના મમ્મી પપ્પા હોસ્પિટલ પહોંચ્યા અને એમને બધી વાત ખબર પડી ગઈ, એમના મનમાં પણ રોમાને કેવી રીતે વાત કરવી તેની ધાસ્તી પેસી ગઈ હતી. રોમાની ટ્રીટમેન્ટ પૂરી થઈ એટલે બધા ઘરે ગયા અને રોમાએ પૂછ્યું મનોજ ક્યાં છે ત્યારે એની મમ્મી હળવેકથી કહ્યું રોમા મનોજ હવે આ દુનિયામાં નથી. તું તારી જાતને સંભાળ હવે ! આ સાંભળી રોમા નીચે ઢળી પડી. પહેલા તેને અશક્તિ હતી અને હવે તેને મોટો આઘાત લાગ્યો હતો આ શું ન બનવાનું બની ગયું હતું. મનોજે લગાવેલા અત્તરની મહેક ફક્ત એના મનમાં બાકી રહી ગઈ હતી. મનોજ એને છોડીને ચાલ્યો ગયો હતો. બંને આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. શું કરવું ? કૈ પણ સમજાતું નહોતું એવું હસતું રમતું જીવન વિખેરાઈ ગયું હતું અને રહી ગઈ હતી ફક્ત અત્તરની ખુશ્બુ, અત્તરની મહેક.

