પ્રકાશ તરફ
પ્રકાશ તરફ
અમાસની અંધારી રાતોમાં ખોવાઈ ગયેલી જિંદગી વિશે વિચારતી રહી. એ અતીતના પલ, દિવસો, મહિનાઓ, વર્ષો કેવા અને કેટલા ભયાનક હતાં. કલ્પના માત્રથી ધ્રુજી જવાય છે. પ્રેમની ઊર્મિ હૃદયની સંવેદના બધું જ સમર્પિત કરીને હું એની થઈ ગઈ હતી. એનામાં ખોવાઈ ગઈ હતી, ખુદનું અસ્તિત્વ વિસ્તરીને. પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી, અને શબ્દોમાં અભિવ્યક્તિ પરિપૂર્ણ થતી નથી. પણ પ્રેમ ઓગળી ગયો, બરફની જેમ ઓસરી ગયો. ચોમાસાના વાદળાની જેમ સૂર્ય ગ્રહણ પછી જેમ સૂર્ય ધીરેધીરે બહાર નીકળે છે તેમ સચ્ચાઈ છતી થવા લાગી. એ પ્રેમ નહોતો સાફ છેતરપિંડી હતી. લાગણીઓ સાથે રમત હતી. એક જુઠ્ઠું આકર્ષણ હતું. ટાઇમપાસ હતો. ફાયદો લેવાની વાત હતી પવિત્ર પ્રેમની પાછળ સ્વાર્થવૃતિ હતી.
મને તો અંધવિશ્વાસ છેતરી ગયો. બનતી ઘટનાઓથી એકાએક આંખ ખુલી, મારો વિશ્વાસ ચકનાચૂર થઈ ગયો. એણે ક્યારેય મારા માટે પ્રેમ નહોતો. મારા માટે એકવીસ વર્ષમાં પણ કશું ન કર્યું. હું બિચારી બની રહી ગઈ. હૃદય આધાતથી સનસની ઉઠ્યું,લોહી ઉકળી ઉઠ્યું પણ શું કરું ? એક પળ હતાશામાં ગરક થઈ ગઈ.
મનભરી આંસુ સાર્યા સમજાતું નહોતું હવે શું ? પણ હું કઇ અબળા નથી. એમ હિમ્મત ન હરાય, જે થઈ ગયું તે આગળનું વિચાર એવો અંતરમાંથી અવાજ આવ્યો. મેં વિચાર્યું હું જીવીશ જિંદગી, મોતને નહીં ભેટુ. હું એક પ્રેરણા બનીશ બીજા માટે. મારી જિંદગીમાં હું આગળ વધીશ. ભૂતકાળની કડવી યાદોને ભૂલી નવી સવારને આવકારીશ. વાસ્તવિકતા સ્વીકારી આગળ વધીશ
હું જોબ કરતી હતી. એમાં મેં મારું મન પરોવ્યું. મારા બે સંતાનોનો ઉછેર કર્યો. હું ભૂતકાળની આગમાં બહાર નીકળી છું અને મારા આ જીવનને સુંદર બાગ બનાવી જીવી રહી છું' મારા બધા સપના પુરા કરવા માગું છું એને એના કર્મોની સજા ઈશ્વર જરૂર આપશે. પણ હું હવે માત્ર પ્રકાશની દિશા તરફ જ પ્રયાણ કરીશ.