અતિથિદેવો ભાવ:
અતિથિદેવો ભાવ:


મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથિઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : ‘અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.’
પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : ‘ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો આ વરસાદમાં પલળી ગયો છે.’
‘તું એની ચિંતા ન કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.’ એકનાથે કહ્યું. અને ખરેખર થોડીવારમાં જ, પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.
વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : ‘ખાટલો ક્યાં ગયો ?’
‘તેં રસોઈ બનાવી એ બળતણ ભલા ક્યાંથી આવ્યું ?’ એકનાથે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.