અનંત બ્રહ્માંડ
અનંત બ્રહ્માંડ
જ્યારે મીરાનું શબ કુમારના ખોળામાં હતું ત્યારે તે શૂન્યમસ્ક હતો. તે રડ્યો નહીં. તેના પરિવારજનોને લાગ્યું કે કુમાર આ રીતે મૂઢ બનીને રહેશે અને રડશે નહીં તો અંદરોઅંદર મીરાના મૃત્યુનો આઘાત તેને પાગલ કરી મૂકશે. કુમાર રડે એ માટે તેના અને મીરાના પરિવારે તમામ પ્રયત્નો કર્યા, પણ કુમાર રડી જ ના શક્યો. મીરાને અગ્નિદાહ આપ્યો પણ મીરા હજી તેના હૃદયમાં જીવંત હતી. *************
તને કુમારની વાતો સમજાય છે?! કુમાર અને મીરાની જોડી જે કોઈ જોતું એમનો પહેલો પ્રશ્ન આ જ રહેતો! જવાબમાં કુમાર આંખ મિચકારીને કહેતો કે મીરાની કવિતા કરતાં તો મારૂ વિજ્ઞાન ઓછું જટિલ છે! કુમારની પ્રયોગશાળાની છત પર બંને ઘણી રાતો મોડે મોડે સુધી એક બીજાના હાથમાં હાથ નાખી સૂતા સૂતા તારાઓને જોતાં રહેતા અને અગણિત વાતો કર્યા કરતાં. તેમની વાતોમાં આઈન્સ્ટાઈન પણ હોતા અને રમેશ પારેખ પણ! જગદીશચંદ્ર બોઝ પણ હોતા અને રોબર્ટ ફ્રોસ્ટ પણ! ઉમાશંકર જોશી, એમિલી ડિકિનસનથી લઈ ન્યુટન અને ગેલિલીઓ પણ હાજરી પુરાવતા! મીરાની કવિતાઓ કુમારને સમજાતી તો નહીં પણ તેને ગાતી વખતે મીરાને ભાવ વિશ્વમાં ખોવાયેલી જોઈ પોતે મીરા જેટલો જ આનંદ અનુભવતો. કુમારના વિજ્ઞાનના સિધ્ધાંતો અને બીજી ચર્ચાઓ મીરાની સમજ બહાર હતા, પણ વિજ્ઞાનની વાત કરતાં કુમારને પ્રથમ વખત પ્રેમમાં પડેલી કોઈ મુગ્ધા સરીખી વિસ્મયથી આંખો પહોળી કરી તે નિહાળતી. આપણે આજે જેટ લી નું ‘The One’ નામનું મૂવી જોયું સાવ એવું તો નથી હોતું કે એક વિશ્વમાં જે તે વ્યક્તિ મરે તો તેની શક્તિ બાકીના વિશ્વમાં રહેલા તે વ્યક્તિઓમાં તબદીલ થાય. કુમારે છત પરથી દેખાતા એક નીલા તારાથી નજર હટાવ્યા વગર કહ્યું. મને તો કઈં સમજાયું જ નહીં. મીરા પોતાની કોણીનો ટેકો લઈ જમણું પડખું ફરી કુમારની છાતી પર માથું ઢાળતા બોલી. આપણે ત્રિપરિમાણિક વિશ્વમાં જીવીએ છીએ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કોઈ વ્યક્તિ કે વસ્તુનું સ્થાન આ રીતે નક્કી કરી શકાય. જેમકે તેનો X આટલો, Y આટલો અને Z આટલો. જોકે વિશ્વ, આમ તો બ્રહ્માંડનું જ નિરપેક્ષ બિંદુ શોધવું મુશ્કેલ હોવાથી સમગ્ર વિશ્વ કે બ્રહ્માંડની કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ માટે આપણને સાપેક્ષ ખયાલ જ મળી શકે. આઇનસ્ટાઇનના મત મુજબ બ્રહ્માંડ ત્રિપરિમાણીક નથી પરંતુ તેનું એક ચતુર્થ પરિમાણ પણ છે અને એ છે સમય! “સમય”? મીરાએ આશ્ચર્ય અને કઈં સમજ ના પડી હોય તેવા મિશ્રભાવથી પુછ્યું. થિયરીઝ તો બહુ બધી મોટી મોટી અને જટિલ છે પણ તને ટૂંકમાં સમજવું તો એક સાથે એક જ સમયે અનેકોનેક, એક જ સરખા, આમ તો એક જ અનંત વિશ્વ, અનંત બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે. બ્રહ્માંડ એક અને અનંત સંખ્યામાં એક સાથે અને એ પણ એક સમયે કઈ રીતે હોય શકે? તારી વાતો મને સમજાતી નથી તેનો અર્થ એવો નહીં કે તું ગમે તે સમજાવે! મીરા એ થોડા રોષ સાથે કહ્યું. અરે પાગલ એ થીયરી પર તો હું કામ કરું છુ. અત્યારે આપણાં જેવા જ બાકીના જે અનંત સંખ્યામાં બ્રહ્માંડ છે જે ખરેખર તો આ જ, આપણે જીવીએ છીએ તે જ બ્રહ્માંડ પણ તેમાં કોઈ અલગ ઘટના હોય તેવું બની શકે. એક વિશાળ સભાખંડ સમજ કે જેને અનેક દરવાજા છે. કોઈ પણ દરવાજો ખોલી અંદર આવીશ પણ આવીશ તો એ જ સભાખંડમાં. ડાબી બાજુનો દરવાજો ખોલીશ તો તને સામેની બાજુ એટલે કે જમણી બાજુનું સમગ્ર દ્રશ્ય નજરે ચડશે, જમણી બાજુના દરવાજેથી ઝાંખીશ તો ડાબી બાજુનું! ઉપરથી જોઈશ તો સભાખંડ તને કઈં અલગ દેખાશે અને નીચે કાચનું તળિયું છે તેમ સમજ અને તેમાથી જુવે તો કઈં અલગ. એવું જ આ સમાંતર બ્રહ્માંડ કે વિશ્વમાં પણ હોય. માન કે કોઈ એવું યંત્ર માનવજાત પાસે આવી જાય કે જેનાથી એ આવા સમાંતર વિશ્વમાં પ્રવેશી શકે તો એક દરવાજો ખોલી અને તે સમાંતર બ્રહ્માંડમાં જશે તો ત્યાં કોઈ અલગ ઘટના હોય જેમકે તે બ્રહ્માંડમાં તું અત્યારે તારા ઘરે ટીવી જોઈ રહી હોય અને હું મારા ઘરે સૂતો હોંઉ. બીજા કોઈ બ્રહ્માંડનો દરવાજો ખોલી ને પ્રવેશ કર તો એવુય બને કે એ વિશ્વમાં આપણે એકબીજાને ઓળખતા પણ ના હોઈએ! ત્રીજો કોઈ દરવાજો ખોલી જોઈયે તો એવુય બનેકે અત્યારે હું મારી પ્રયોગશાળાની છત પર સૂતો સૂતો તારા જોઈ રહ્યો અને તારાથી પણ વધુ સુંદર કોઈ અપ્સરા મારી બાજુમાં હોય! કુમારે આંખ મિચકારતા કહ્યું અને મીરાએ કૃત્રિમ રોષથી નાક ફુલાવી કુમાર સામે જોયું! તારો ગુસ્સો થોડો ઠંડો કરી દઉં એમ કહી હજી તો મીરા કઈ સમજે કે હા-ના કરે તે પહેલા કુમારે તેના હોઠ ચૂમી લીધા!
*************
મીરાએ આ વિશ્વમાંથી વિદાય લીધી તેને 7 વરસથી પણ વધુ સમય થયો હતો. પહેલા લોકોને લાગ્યું કુમાર ગાંડો થઈ ગયો છે. દિવસ-રાત તે પોતાની પ્રયોગશાળામાં જ રહેતો. ખાવા-પીવાનું કોઈ ભાન નહીં. શરીરનું કોઈ ભાન નહીં. મેલાઘેલા શરીર અને કપડાં સાથે પ્રયોગશાળામાં જ પડ્યો રહેતો. તેના પરિવારજનો એ તેને સમજાવી ઘરે લઈ આવવા ઘણા પ્રયત્નો કર્યા. મીરાના પરિવારજનોએ પણ તેને ઘણી વખત મીરાને ભૂલી નવી વ્યક્તિ સાથે નવી જિંદગી શરૂ કરવા બહુ સમજાવ્યો પણ તેને કોઇની એક વાત ના સાંભળી. બહારથી નીકળતા લોકોને ક્યારેક કોઈની મોટે મોટેથી મીરા... મીરા... એવી બૂમો સાંભળતી. ક્યારેક કોઈનો પોકે પોકે રડવાનો અવાજ સાંભળતો. ક્યારેક કોઈનું અટ્ટહાસ્ય સાંભળતું. *************
કુમારે પોતાના હાથમાં રહેલા નાનકડા પેન જેવા સાધન તરફ આશાથી જોયું. સાત-સાત વર્ષથી જે સફળતા ને પામવા તે તરસતો હતો તેની આજે ચકાસણી હતી. તેણે મીરાને યાદ કરી, આશાભરી નજરે પેન જેવા સાધનની ટોચ પર રહેલું લીલું બટન દબાવ્યું અને સામે અંધકાર છવાઈ ગયો. તેને લાગ્યું કે જાણે તે હમણાં જ કોઈ વિશાળ ચકડોળમાંથી ફેંકાઈ ગયો છે. તેને ઊબકા આવવા માંડ્યા. મહામુશ્કેલીથી તેણે પોતાની જાતને સંભાળી. ધીરેધીરે તેને ભાન આવ્યું. સામેની એ જ ચીરપરિચિત દીવાલ જોઈ પોતાની પ્રયોગની નિષ્ફળતા અંગે તેને ગુસ્સો આવ્યો. પોતાના હાથમાં રહેલા પેન જેવા તે સાધનને ગુસ્સાથી ફેંકી દઈ એ લથડતા પગે બહાર આવ્યો અને ચોગાનમાં પોતાના ઘૂંટણીયે બેસી પડ્યો. સાત-સાત વર્ષોનો થાક અને ઉંમર એક સાથે ગુણાકારમાં તેના પર લદાઈ ગયા. ગુસ્સાથી કાંપતો એ ત્યાં જ ઢળી પડ્યો. બીજે દિવસે સવારે સૂર્યની કિરણોએ તેને જગાડ્યો. થાકેલો, હારેલો, હતાશ કુમાર લથડતા કદમોએ બહાર નીકળ્યો. હજી તો દસ-પંદર કદમ પણ નહીં ચાલ્યો હોય કે એ કોઈ સાથે અથડાયો. હતાશાથી નબળો બનેલો કુમાર એ નાનકડા ધક્કાથી પડવા જેવો થઈ ગયો. તમને વાગ્યું તો નથીને? બે કોમળ હાથોએ તેને સંભાળતા કહ્યું. આતો... આતો.... મીરાનો અવાજ! કુમારે નજર ઊંચી કરીને જોયું તો સામે અદ્દલ મીરા જેવી જ દેખાતી યુવતી હતી! તેને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો. પેલી યુવતી તો જાણે કોઈ ભૂત જોઈ ગઈ હોય તેમ જોઈ રહી. 4-4 વરસ થઈ ગયા તને! તું ક્યાં જતો રહ્યો હતો કુમાર? તે તારી શું હાલત બનાવી દીધી છે? પેલી યુવતી રડમસ થઈ કુમારને વળગી પડતાં બોલી. કુમાર ઉપર તેણે ચૂમીઓનો વરસાદ વરસાવી દીધો! કુમારનો પ્રયોગ સફળ થયો હતો. કુમાર એવા સમાંતર વિશ્વમાં હતો કે જ્યાં કુમાર કોઈ કારણસર 4 વરસથી ગુમ હતો. બંનેએ ત્યાં જ એકબીજા સાથે વાતોનો પટારો ખોલી નાખ્યો. સાંજ પડી ગઈ તોય તેમની વાતો ખૂટી નહોતી. કુમારને લાગ્યું આટલો પ્રેમ તો તેણે મીરાને જાણે કોઈ દિવસ નહોતો કર્યો! તેમનાથી માત્ર 50-60 મીટર દૂર 4 આંખો સવારથી તેમને તાકી રહી હતી અને આ સમગ્ર ઘટના ક્રમ જોઈ રહી હતી. આખરે 14-15 વરસની એ છોકરીએ પોતાના હાથમાંનું પેન જેવુ એક સાધન રમાડતા રમાડતા પોતાની સાથે રહેલા વૃદ્ધને પુછ્યું. “તો આ રીતે તમે અને દાદી મળ્યા એમ ને?!!” અને જવાબમાં વૃદ્ધ કુમારે એક સ્મિત આપી પેન પરનું લીલું બટન દબાવ્યું!!

