સીટીનો હિંચકો
સીટીનો હિંચકો
‘એ ત્યાંથી હટને! દડો વાગી જશે તો રોતાય નહીં આવડે!’ સાંકડી શેરીમાં અડોશપડોશના રહેવાસીઓના વિરોધ વચ્ચે ફૂટબોલ રમી રહેલા નાના છોકરાઓની ટીમમાંથી લીડર જેવો લાગતો છોકરો ત્યાંથી પસાર થઈ રહેલી અને પાછળની શેરીમાં રહેતી તેની ઉંમરની છોકરી પર રોફ જમાવતા બોલ્યો. છોકરીય કંઈ ગાંજી જાય એમ નહોતી. એણે આ શેરી કંઈ ફૂટબોલનું મેદાન નથી.
વાગ્યુદ્ધની શરૂઆત કરી. ઉપરથી તેમાં આજુબાજુના રહેવાસીઓનો રોષ કોલાહલ અને નવીજુની અનેક ફરિયાદો સ્વરૂપે ભળ્યો! છ મહિના પેલા તૂટી ગયેલા બારીના કાચથી માંડી આખી શેરીનાં બધાય છોકરાઓને બગાડવા માટે જવાબદાર સહિતના અનેક આરોપો પેલા લીડર છોકરા પર થયા.
આ આખા બનાવને એ નિર્જીવ શેરીએ વાગોળવા બેઠેલી ગાય જેમ એનાં શરીર પર બેસતી માખી પ્રત્યે તુચ્છકાર દાખવે એમ અવગણ્યો. એને માટે તો આ રોજનું! શેરીને લાગતું કે જ્યાં સુધી પેલો છોકરો એ છોકરીને દિવસમાં એકવાર પરેશાન ન કરે ત્યાં સુધી એને ખાવાનું નહીં પચતું હોય અને પેલી છોકરી છોકરાઓની જેમ ઝઘડો ન કરે ત્યાં સુધી એને શાંતિની ઊંઘ નહીં આવતી હોય!
સમય આગળ ધપતો રહ્યો. ક્યારેક રસ્તે ચાલી જતી એ છોકરીનો ચોટલો પાછળથી પૂરપાટ ઝડપે સાઇકલ ચલાવતો છોકરો ખેંચીને ભાગી જાય તો ક્યારેક રેઢી પડેલી સાયકલના બંને ટાયરનો હવા કાઢી પેલી છોકરી બદલો લીધાનો સંતોષ વ્યકત કરે.
શેરીમાં ભાઈબંધોનાં ટોળામાં નેતા સમો એ છોકરો અવનવા નામ પાડી મોટેમોટેથી બોલી ત્યાંથી પસાર થતી છોકરીને એની બહેનપણીઓ સામે બરાબરનો લજવે. પેલી છોકરી પણ એની બહેનપણીઓ સાથે ઊભી હોય ત્યારે પેલા છોકરાના પરિક્ષાના માર્કસ વિષયવાર બોલી એને બરાબરનો છોભીલો પડે! બેમાંથી એકપણ પાત્ર બહારગામ હોય ત્યારે એમના સખી અને સખાવૃંદ માટે જાણે બર્લિન વોલ તૂટ્યા જેટલો આનંદ છવાતો.
આજે શાળાનો છેલ્લો દિવસ. સૌ છૂટા પાડી જવાના. એક જ ક્લાસમાં અત્યાર સુધી સાથે ભણેલા કોઈ સાયન્સ લેવા બીજી શાળામાં જવાનું તો કોઈ કોમર્સ રાખી આ જ શાળામાં આગળ અભ્યાસ કરવાનું. કોઈને વળી ડિપ્લોમા એંજીન્યરિંગમાં જઇ અત્યારથી જ એંજીનિયર થવાના અભરખા.
શાળામાં આજે વાર્ષિકોત્સવ. કોઈએ પહેલાં ભણી લીધું તો કોઈએ આવીને વાંચી લઈશ એવા વાયદાઓ સાથે માંડમાંડ વાલીઓની છૂટ મેળવી.
પેલી છોકરી પણ બહુ ખુશ, આજે વાર્ષિકોત્સવ માટે જ ખાસ લીધેલું નવું ટોપ અને જીન્સનું પેન્ટ પહેરી ખુશખુશાલ ચહેરે હજી વાળ ઓળતી હતી કે પાછલી શેરીમાંથી નીકળવાના ખયાલ માત્રથી જાણે એનો મૂડ અડધો ‘ઓફ’ થઈ ગયો.
નવા લીધેલા હિલવાળા સૅન્ડલ સાથે ઝડપથી ચાલી નહોતું શકાતું. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદની સાદી સમજણ મુજબ આજે દુશ્મન શેરી કંઈક વધારે લાંબી લાગતી હતી! પેલા છોકરાનું ઘર આવ્યું અને છોકરીનાં ધબકારા તેજ થઈ ગયા. ફળિયામાં બાઇક સાફ કરતા છોકરાની નજર છોકરી પર પડી. નજર પડી તે પડી પણ પછી ઊભી થવાનું નામ ના લે! આજે છોકરાને એ છોકરી અલગ લાગી. આજે પેલી વાર એને એ છોકરીને હેરાન કરવાની બદલે એના તાજા તાજા ઊપસી આવેલા વળાંકોને જોયા જ કરવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. એને એ છોકરીને ઊભી રાખી વાત કરવાનું મન થયું.
છોકરીને જોયા માત્રથી એ કંઈક એવી અનુભૂતિ કરી રહ્યો હતો જે એને સમજાતી નહોતી અને એ પોતાને સંભાળે એ પહેલા તો અચાનક એનાથી જોરથી સીટી વગાડાઈ ગઈ! છોકરાને ક્ષોભ થયો. પોતાના કરતૂત માટે એને પહેલી જ વાર શરમ આવી. એને લાગ્યું એણે આવી હરકત નહોતી કરવી જોઈતી. મન થયું પોતે દોડીને એ છોકરી પાસે જાય અને એની માફી માંગે.
આ બાજુ છોકરી તો સીટી સાંભળીને સડક જ થઈ ગઈ! આવું તોફાન તો સાવ અપેક્ષા બહારનું હતું. એણે રોષ ભરી નજરે છોકરા સામે જોયું પણ એ રોષ લાંબો ટક્યો નહીં. જુવાનીના ઉંબરે આવેલો પેલો છોકરો છોકરીના રોષને કંઈક અલગ જ દિશા આપી રહ્યો હતો. છોકરીને કંઈકના સમજાય એવી અજબ લાગણી થઈ. એનું રોમ રોમ પુલકિત થવા ઠેકડા મારવા માંડ્યુ. આજે એને પ્રતિકારમાં ઝઘડવું ન ગમ્યું.
છોકરો થોડા ગુનાહિત ભાવ સાથે અને થોડા પોતે જેને સમજી નહોતો શકતો એવા ભાવ સાથે છોકરીના પ્રતિકારની રાહ જોતો અપલક સામે જોઈ રહ્યો અને... અને... છોકરીથી સીટીના પ્રતિકારમાં સ્મિત થઈ ગયું તે સાથે જ એ છોકરા સાથે આંખમાં આંખના મેળવી શકી.
એ સ્મિતમાં ભારોભાર શરમ ભરી હતી. છોકરાનું હ્રદય એટલા જોરથી ધબકવા લાગ્યું કે એને થયું હમણાં એ હ્રદય એના મોં વાટે બહાર ઉછળી પડશે. એને એ છોકરી ગમવા લાગી અને છોકરીને એ છોકરો. વર્ષોનો ઝઘડો એક સ્મિતથી ખતમ થઈ ગયો!
ઘણા વખત પછી શેરીને આ બંનેમાં રસ પડ્યો! રમેશ પારેખની ‘એક છોકરાએ સીટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : લે ઝૂલ!’ કવિતા શેરીને પોતાના પર જીવંત થતી લાગી.

