STORYMIRROR

Vijita Panchal

Romance

4  

Vijita Panchal

Romance

અણધાર્યું આગમન

અણધાર્યું આગમન

3 mins
353

બહારનું વાતાવરણ જોઈ નેહાએ ફટાફટ ઑફિસનું કામ પતાવી દીધું કારણ કે આજે એ એક્ટિવા પણ નહોતી લાવી એટલે રિક્ષામાં જવાનું હતું. સાંજના સાત તો થઈ જ ગયા હતા એટલે જેવી રિક્ષા મળી એવી જ એ ઘરે જવા નીકળી ગઈ. માંડ અડધે પહોંચી ને વરસાદ તો આવી જ ગયો. પણ "આ તો વરસાદ ક્યાં હતો ? આ તો માવઠું હતું.." નેહા મનોમન બોલી. નેહાની આંખો બસ એ માવઠાના ટીપાંને જોતી રહી ગઈ ને મન એકાએક ભૂતકાળમાં સરી પડ્યું. 

મલય અને નેહા બંને લગભગ ત્રણ વર્ષથી એક જ કંપનીમાં કામ કરતા હતાં. નેહા જેટલી સરળ સ્વભાવની હતી એટલો જ તોફાની હતો મલય. સાથે કામ કરતાં કરતાં ક્યારે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા એની એમને પણ ખબર ન પડી. નેહા મલય પ્રત્યે થોડી વધુ પડતી પઝેઝીવ રહેતી. નાની નાની વાતે મલયને પ્રશ્નો પૂછ્યા કરતી, ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે છે વગેરે...મલયને આ બધું જ પહેલાં પહેલાં ખૂબ ગમતું પણ સમયની સાથે હવે એને આ બંધન લાગવા લાગ્યું. જાણે નેહા એની જીંદગી રોકવા લાગી હોય એવું એને લાગતું હતું. નેહાના મનમાં આ બધો જ મલય માટેનો અતિશય પ્રેમ જ હતો એટલે એને કંઈ ખોટું લાગતું નહિં.

આમ ને આમ એક વર્ષ થયું ને હવે એમની વચ્ચે નાની નાની વાતોમાં રોજ ઝઘડા થવા લાગ્યા. નેહા મલય વગર એક દિવસ પણ રહી શકતી ન હતી, એના વગર જાણે નેહાના શ્વાસ થંભી જાય એવું લાગતું. પણ અચાનક એક દિવસ નેહાના આ વર્તનથી મલય નેહાને કંઈ જ કહ્યા વગર જોબ છોડીને ક્યાંક જતો રહ્યો જેની ખબર નેહાને ત્રણ દિવસ પછી પડી. ઘણાં મેસેજ કર્યા કૉલ કર્યા પણ સામે મલયનો સાવ પથ્થર દિલની માફક કોઈ જ જવાબ નહીં. નેહા સાવ ભાંગી પડી, કઈ રીતે એ પોતાને ઉભી કરી શકશે કંઈ જ ખબર નહોતી. માંડ માંડ પોતાની જાતને ઈશ્વરને સોંપી મલય સાથેની બધી યાદો ગળે ઉતારીને જીવન જીવવા લાગી. આજે એ જ ઑફિસમાં નેહા ઊંચી પોસ્ટ પર છે. 

અચાનક એના ફોનની રીંગ વાગી ને એની આંખો ઝબકી ગઈ. સામે જોયું તો મલયનો મેસેજ હતો કે, "નેહા, મારે તને મળવું છે." આજે કદાચ બે વર્ષ પછી મલયનું નામ જોઈને નેહાને ધ્રાસકો પડયો. ઘર આવી જતાં એ ફટાફટ ઉતરીને ઘરમાં ગઈ ને કપડાં બદલીને જમ્યાં વિના જ પોતાના રૂમમાં ચાલી ગઈ. શું કરવું કંઈ સમજાયું નહીં. થોડો વિચાર કર્યા પછી એને એની આંખના આટલા સમયના આંસુ યાદ આવ્યાં, મલય માટે જોઈ રહેલી એની રાહ યાદ આવી, પોતાનું સ્વમાન યાદ આવ્યું ને પછી મનને કઠણ કરીને મલયને એક મેસેજ કર્યો,

"વરસાદ એની મોસમમાં આવે ત્યારે જ એની કિંમત થાય છે મલય, પણ ભરઉનાળે ટીપાં થઈને જે વરસે છે એ ચાહ વગરનું "માવઠું" કહેવાય અને માવઠું દરેકને નુકશાન પહોંચાડીને જ જાય છે, જેની રાહ હવે નથી એ વરસાદ ના આવે એ જ સારું છે, મારી પાંપણ પરની રાહ અને આંખના આંસુ બહુ જ વરસી ગયા છે એટલે તું વગર મોસમનું માવઠું થઈને આવીશ તોપણ હવે એ મોસમ પાછી નહીં આવી શકે, મને માફ કરજે."

આટલું કહી નેહા ફોન બંધ કરીને સૂઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance