આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
ધરાને નાનપણથી જ ગાયનનો ખૂબ શોખ હતો. ઘરમાં આખો દિવસ એના મોંએ ગીતો અને ભજન જ ગવાતાં હોય. ધરા ના જોવે રાત, ના જોવે દિવસ, જ્યારે મન થાય સંગીત લઈને બેસી જ જાય.
આકાશ, જે ધરાનો બાળપણનો મિત્ર હતો. આકાશ અને ધરા બંને સાથે જ મોટાં થયાં, સાથે રમ્યાં, સાથે ભણ્યા. બંનેની મિત્રતા પાણી જેવી પવિત્ર હતી જે હોય એ બધું સ્પષ્ટ દેખાય.
આકાશ ધરાને દરેક કામમાં સાથ આપતો ને હંમેશા એની મદદ કરવા આગળ જ રહેતો. ધરામાં માત્ર એક જ ખોટ કે એનામાં આત્મવિશ્વાસ બહુ જ ઓછો. કામ બધાં જ આવડે પણ કરી બતાવવામાં પાછી પડતી. કોઈની સાથે ખાસ બોલે નહિં; ચાલે નહીં, બસ ઘરમાં એના શોખ પૂરા કર્યા કરતી. માત્ર આકાશ સાથે એને નિસ્બત.પોતાના મનની દરેક વાત એ એને કહેતી.
એક દિવસ આકાશે એને કહ્યું," ધરા, આપણા શહેરમાં એક મ્યુઝિક સ્ટુડિયો તરફથી સ્પર્ધા રાખેલ છે, તો તું એમાં ભાગ લે." પણ ધરાએ તો ફટાક દઈને ના કહી દીધું.
"આકાશ, તું પાગલ છે કે ? તને ખબર છે કે હું માત્ર મારા શોખ માટે ગાઉં છું, આ સ્પર્ધાઓમાં ભાગ લેવો એ મારા માટે નાની વાત નથી. હું એ ક્યારેય નહિં કરી શકું, મને માફ કર."
પણ આકાશ એની પાછળ પડ્યો જ રહ્યો. બે દિવસ, ચાર દિવસ આકાશે ધરાને મનાવવા માટે બહુજ પ્રયત્નો કર્યા.
"ધરા, પ્લીઝ મારા માટે એકવાર આ સ્પર્ધામાં ભાગ લઈ જો પછી તને ક્યારેય કોઈ સ્પર્ધામાં ભાગ નહિં લેવાનું કહું."
આખરે ધરા માની તો ગઈ પણ એની અંદરનો ફફડાટ હજી જતો ન હતો કે 'બધાંની સામે હું ગાઈશ કેવી રીતે ?"
સ્પર્ધાનો દિવસ આવ્યો.ધરા ઊભી ઊભી આખી ફફડતી હતી. એનું નામ બોલાયું.....
ધરાએ પોતાનું ગીત ગાવાનું ચાલુ કર્યું પણ ડરના કારણે એ પોતાના સુંદર અવાજમાં ગાઈ શકી નહિં અને ગીત ભૂલી ગઈ. ત્યાંજ એકદમ એને પોતાની જાત પર શરમ આવી ને રડતાં રડતાં ત્યાંથી ભાગી ગઈ. આકાશ એની પાછળ પાછળ ઘરે ગયો પણ ધરા બારણું બંધ કરી રૂમમાં રડવા લાગી.
બીજાં દિવસે આકાશ ધરાને ઘેર આવ્યો ને કહ્યું," ધરા મને માફ કરી દે,હવે હું તને શરમ આવે એવું નહિં કરું, આજથી તારે મને તારા ગીતો સંભળાવવાના; હું આખો દિવસ સાંભળ્યા કરીશ" આમ ને આમ ઘણાં મહિના થઈ ગયા.ધરા ગીતો ગાતી આકાશ સાંભળ્યા કરતો.
અચાનક એક દિવસ આકાશ દોડતો દોડતો ખુશ થઈને આવ્યો," ધરા ઓ ધરા, જલ્દી આવ તારા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે."
ધરા આવી અને આકાશે એના હાથમાં એક મેગેઝિન ખોલીને મૂક્યું તો આ શું ? ધરાનો ફોટો એમાં છપાયો હતો. એનાં હાથમાં આકાશે એક મસ્ત ટ્રોફી અને પ્રમાણપત્ર પણ આપ્યું. ધરા આ બધું જોઈને બહુજ નવાઈ પામી.આકાશને પૂછ્યું," શું છે આ બધું ?"
આકાશે કહ્યું," આવ બેસ, હું તને બધું સમજાવું. તું જ્યારે મારી આગળ ગીતો ગાતી હતી ને ત્યારે હું એ બધાં જ ગીતો રેકોર્ડ કરીને ઓનલાઈન સ્પર્ધામાં મોકલતો હતો, તારો અવાજ નિર્ણાયકોને ખૂબ જ ગમ્યો ને એમાં તને પ્રથમ નંબર આપીને આ ટ્રોફી જીતાડી છે." ધરા તો આ સાંભળી ખુબજ ખુશ થઈ ગઈ ને આકાશને વળગી જ પડી. એ પછી ધરા પોતાનામાં ઊંડો આત્મવિશ્વાસ લાવીને અનેક સ્પર્ધાઓમાં ભાગ લેતી થઈ ગઈ.આકાશના આત્મવિશ્વાસની પણ આજે જીત થઈ.
