અંધશ્રદ્ધા કે વિશ્વાસ ?
અંધશ્રદ્ધા કે વિશ્વાસ ?
નિધિને એક મહારાજે એવું કહ્યું હતું કે,"આ છોકરીની હસ્તરેખામાં લખ્યું છે કે જે આને પરણશે એનું પાંચ વર્ષમાં જ મૃત્યુ થશે." બસ ત્યારથી નિધિના માબાપને એની ખૂબ ચિંતા સતાવતી હતી. પરણવાલાયક ઉંમર થઈ પણ નિધિનું ક્યાંય ગોઠવાતું ન હતું. સમય જતો ગયો ને નિધિ આજે ૨૬ વર્ષની થઈ ગઈ હતી.
કોલેજના સમયથી જ વિરાજ અને નિધિ એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં હતાં. બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી લીધું. નિધિને એની હસ્તરેખાઓનો જરાય અણસાર ન હતો.
ઉંમર વીતતાં વિરાજે નિધિને કહ્યું,"નિધિ, હવે આપણા લગ્નની વાત ઘરમાં કહી દેવી જોઈએ, કારણ કે મારા ઘરે લગ્નની વાતો જોરશોરથી ચાલવા લાગી છે."
નિધિ બોલી, "સાચી વાત છે, વિરાજ પણ ખબર નહીં મારા ઘરે લગ્નની ઉતાવળ કેમ કોઈને નથી.!"
મનમાં વિચાર લઈ ઘરે વાત કરવાનું નક્કી કરી બંને છુટા પડ્યા. જમવાના સમયે એણે વાત માંડી,
"પપ્પા, મારે તમને એક વાત કરવાની છે, કૉલેજથી જ એક છોકરો છે વિરાજ, જેને હું ખૂબજ પ્રેમ કરું છું,વિરાજ જ મારી દુનિયા છે ને અમે બંને લગ્ન કરવા માગીએ છીએ."
આટલું સાંભળી નિધિના માબાપ કંઈ બોલી શક્યા નહિ, માત્ર એટલું કહ્યું કે,"બેટા, તારી હસ્તરેખામાં લગ્નયોગ નથી."નિધિ આ સાંભળીને રૂમમાં જઈ રડવા લાગી.
બીજા દિવસે એણે વિરાજને એના ફેમિલી સાથે પોતાના ઘરે બોલાવ્યો. વિરાજે પણ ઘરે નિધિ વિશે બધું કહેલું હતું. વિરાજના માબાપને નિધિ ખૂબ જ પસંદ આવી ગઈ. લગ્ન નક્કી થતાં પહેલાં નિધિના પિતાએ કહ્યું,
"જુઓ, બંનેની જીંદગીનો સવાલ છે એટલે હું કંઈ છુપાવવા માગતો નથી એટલે સાચું કહું તો નિધિની હસ્તરેખામાં લખ્યું છે કે એનો પતિ પાંચ વર્ષમાં જ મૃત્યુ પામશે."
વિરાજના માબાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરે જઈને એમણે લગ્નની ચોખ્ખી ના પાડી દીધી.
વિરાજે કહ્યું કે, "હું નિધિ સાથે જ લગ્ન કરીશ. હું આવા જ્યોતિષશાસ્ત્રમાં નથી માનતો, અને બંને એકબીજાની રેખાઓમાં વણાઈ ગયા છીએ તો આવું બધું સાંભળીને અમારા પ્રેમનું બલિદાન કેમ આપીએ ? જો તમે અમારા લગ્ન માટે ના પાડશો તો પાંચ વર્ષ પછી નહિ પણ હમણાં જ મારું મૃત્યુ થશે."
મમ્મીનાં ઘણાં સમજાવ્યા છતાં વિરાજ એકનો બે ન થયો. આખરે વિરાજની જીદ સામે નમતું જોખવું પડ્યું ને બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા પણ કહેવાય છે ને કે વહેમની કોઈ દવા નથી.
સાસરે જઈને નિધિને જોઈએ એવું સુખ મળ્યું નહિ, પણ વિરાજ એને હાથમાં ને હાથમાં રાખતો. જોતજોતામાં લગ્નને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા. સમય જતાં બધાને હવે વિરાજની ચિંતા થવા લાગી. એક દિવસ અચાનક વિરાજ ચક્કર ખાઈને ઘરમાં પડી ગયો, દરેકના જીવ આસમાને પહોંચી ગયા. ફટાફટ નિધિ હોસ્પિટલ પહોંચી ત્યાં જાણવા મળ્યું કે વિરાજની બંને કીડની ફેલ થઈ ગઈ છે. આ સાંભળી નિધિ પોતાની જાતને કોસવા લાગી ને બધા એને જ કારણ સમજવા લાગ્યા. પણ એક અઠવાડિયા પછી વિરાજની તબિયત સુધારા પર આવવા લાગી ને વિરાજ સાજો થઈ ઘરે પણ આવી ગયો. સૌ કોઈના મનમાં વિચાર આવ્યો કે આવું કઈ રીતે શક્ય બને ? વિરાજના પપ્પાએ ડોકટરને પૂછ્યું, "શું આ ચમત્કાર હતો ?"
ડોકટરે કહ્યું,"ચમત્કાર તો તમારી વહુએ કરી બતાવ્યો છે વિરાજને એની એક કીડની આપીને, હવે વિરાજને કોઈ ખતરો નથી."
વિરાજના માબાપે કહ્યું,"બેટા, તેં અમારી અંધશ્રદ્ધાને વિશ્વાસમાં ફેરવી દીધી છે, જ્યાં પ્રેમ સાચો હોય ત્યાં જીવનભર સાથ છૂટતો નથી."ને પછી દરેકની આંખમાં નિધિ માટે આંસુ સરી પડ્યા.

