STORYMIRROR

Panch Tantra

Classics Children

0  

Panch Tantra

Classics Children

અમૂલ્ય વાત

અમૂલ્ય વાત

5 mins
1.0K


મગધ દેશમાં ચક્રપુર નામે સુંદર નગર હતું. નગરમાં સર્વ વાતે પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. ચોર-લુંટારાનો ઉપદ્રવ ન હતો. અધિકારીઓ ન્યાય અને સદાચારથી પોતાની ફરજનું પાલન કરતા હતા.

નગરમાં ધનવંતરાય નામનો અત્યંત સમૃદ્ધિવાળો અને ગુણવાન નગરશેઠ રહેતો હતો. રાજા પણ તેનું ઘણું માન રાખતા. દેશ-પરદેશમાં નગરશેઠનો વ્યાપાર ચાલતો. તેને ચાર પુત્રો અને એક પુત્રી હતાં. બધા પુત્રો સદાચારી, હોશિયાર અને પરાક્રમી હતા.

નગરશેઠે મોટા ત્રણ દીકરા અને એક દીકરીનાં લગ્ન કરી નાખ્યાં હતાં. ત્રણ ત્રણ વહુઓ અને પૌત્રોથી ઘર ભર્યું ભર્યું રહેતું.

દરેકને બધી વાતે સુખ હોય, પણ એક વાતનું પણ દુઃખ તો હોય, હોય ને હોય જ. નગરશેઠને પણ એક વાતનું દુઃખ હતું. શેઠનો નાનો પુત્ર ગુણસાગર ધૂની અને ખર્ચાળ હતો. ઘણી વાર એ ભારે કીંમત આપી એવી વસ્તુ ખરીદી લાવતો જે શેઠને કોડીનીયે લાગતી નહિ. નગરશેઠ ઘણી વાર તેને સમજાવતા, ઘણી વાર ઠપકો આપતા. પણ તેના વર્તનમાં તલમાત્રનો ફેર પડતો નહીં. તે પોતાનું ધાર્યું જ કરતો.

એક વાર તે એક પુસ્તક લઈ આવ્યો. નગરશેઠે પુછ્યું, 'આ પુસ્તક કેટલાનું ?'

'સો સોનામહોરનું.'

'આટલું બધું મોઘું ! ! બતાવ તો... કેવું છે ? કોનું છે ?' કહીને તેમણે એ પુસ્તક જોવા માગ્યું. ગુણસાગરે પુસ્તક પિતાના હાથમાં મૂક્યું. પિતાએ તે ખોલ્યું. અને બધાં પાનાં ફેરવ્યાં અને પછી ગુસ્સાથી બરાડી ઊઠ્યા : 'આ... વા... પુસ્તકની કિંમત સો સોનામહોર ! આ તો કોરું છે ! પૈસા વાપરવાની કંઈ અક્કલ બક્કલ છે કે ? તું એમ માને છે કે આ બધું ધન હરામનું છે ? ફેંકી દેવાનું છે ?'

'ના પિતાજી ! એમ હું માનતો નથી. વળી આ પુસ્તક તદ્દન કોરું નથી. એમાં એક પાના પર સોનેરી અક્ષરથી કંઈક લખેલું છે. તમે વાંચો.'

'મારે આ પુસ્તક વાંચવું તો શું... જોવુંય નથી અને મને તારું મોઢુંય જોવું નથી.' આજે શેઠનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો.

ગુણસાગરે પુસ્તક લીધું અને પિતાને પ્રણામ કરી ઘર છોડી ગયો. નગરશેઠ બહુ ગુસ્સામાં હતા એટલે તેમણે પણ તેને રોક્યો નહિ. તેમને થયું, પુત્રને ખોટાં લાડપ્યાર ન કરાવવાં જોઈએ. નહિ તો તેઓ કુમાર્ગી થઈ જાય છે અને કુળને તારવાને બદલે મારે છે. ભલે થોડી ઠોકર ખાતો. જાતે કમાશે તો પૈસા વાપરવાનું ભાન આવશે.

ગુણસાગર પુસ્તક લઈને ચાલવા લાગ્યો.

હવે એ નગરની રાજકુમારી બાજુના નગરમાં મેળો જોવા ગઈ હતી. ત્યાં તેને તે નગરનો રાજકુમાર મળ્યો. રાજકુમારને જોતાં જ તે મોહી પડી. તેણે દાસી મારફત પોતાની ઓળખ આપી, મનનો ભાવ કહ્યો અને વધુમાં કહેવડાવ્યું કે, રાતે ચક્રપુર છુપા વેશે મળવા આવે.

નગરમાં ફરતાં ફરતાં રાત પડી ત્યારે ગુણસાગર રાજકુમારીના મહેલની પાછલી બાજુએથી પસાર થતો હતો. ત્યાં તેની નજરે ઝરૂખામાંથી નીચે પડતું દોરડું દેખાયું. તેને નવાઈ લાગી કે અહીં દોરડું કોણે બાંધ્યું હશે ! તે દોરડાની નજીક ગયો અને તેને હલાવી જોયું. ત્યાં તો ઉપરથી કોઈક ડોકાયું અને તેને ઉપર આવવા ઈશારો કર્યો.

ગુણસાગરને કંઈ સમજાયું નહિ છતાં તે દોરડાને સહારે ઉપર ચઢી ગયો. ઉપર જઈને જોયું તો રાજકુમારી સોળ શણગાર સજીને બેઠી હતી. એ ઉમળકાથી ઊભી થઈ. પરંતુ રાજકુમારને બદલે બીજા કોઈ પુરુષને જોઈ ગભરાઈ ગઈ. અને કહેવા લાગી : 'તમે કોણ છો ? ચાલ્યા જાઓ અહીંથી.'

ગુણસાગર તો કંઈ પણ બોલ્યા વગર નીચે ઊતરી ગયો અને ચાલતો થયો. રાત્રી એણે ધર્મશાળાના ઓટલે વિતાવી દીધી.

સવારે ઊઠીને એણે હાથ-મોં ધોયાં. અને પાછો નગરમાં ફરવા લાગ્યો.

એક જગ્યાએ લગ્ન થઈ રહ્યાં હતાં. બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી. બધાં લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતાં.

અચાનક મહા શોર મચી ગયો. બધાં બૂમાબૂમ અને ભાગાભાગ કરતાં હતાં. 'ભાગો... ભાગો... રાજાનો હાથી ગાંડો થયો છે... ભાગો... ભાગો...'

લગ્નમાં આવેલાં બધાં જ ભાગી ગયાં. ગુણસાગર ત્યાં રહેલા એક વૃક્ષ પર ચઢી ગયો. બધે પળવારમાં સૂનકાર થઈ ગયો. અને એક હાથી સૂંઢ ઉછાળતો આવ્યો. રહી ગયાં ફક્ત પરણનાર વરકન્યા.

બધાંના જીવ તાળવે ચોંટી ગયાં. ખેલ ખલાસ ! બિચારાં પરણ્યાં પહેલાં જ પ્રભુના દરબારમાં પહોંચી જશે કે શું ? અને કોઈની તાકાત હતી કે એ બે કોડીલાને બચાવે !

ગુણસાગરે કંઈક વિચાર્યું... ત્વરાથી વૃક્ષની ડાળી તોડી અને સીધો હાથીના માથા પર પડ્યો. અને તે સાથે જ એણે ડાળીનો તીણો ભાગ હાથીના માથા પર જોરથી દબાવી દીધો.

હાથી ચીસ પાડી ઊઠ્યો... અને ગભરાઈને શાંત પડી ગયો. ગુણસાગરે ડાળ પરનું જોર ઓછું કરી દીધું અને હાથીના મસ્તકે હાથ ફેરવવા માંડ્યો.

હાથી ધીરે ધીરે રાજાના મહેલ ભણી ચાલવા લાગ્યો. બધા ધીરે ધીરે હાથી પાછળ ચાલવા લાગ્યા. હાથી રાજાના મહેલ પાસે એની જગા પર આવી ઊભો રહી ગયો. પછી ધીરેથી બેઠો. ગુણસાગર નીચે ઊતર્યો. મહાવતે હાથીનો કબજો લઈ લીધો. ગુણસાગરે જોયું તો રાજા દરબારીઓ સહિત એના સ્વાગત માટે ઊભા હતા. કારણ કે રાજાને ખબર પડી ગઈ હતી કે, પોતાના ગાંડા હાથીને કાબૂમાં લઈને એક યુવાન આવી રહ્યો છે.

એ રાજાની નજીક આવ્યો અને રાજાને આદરથી પ્રણામ કર્યાં. રાજાએ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢી ગુણસાગરને પહેરાવી દીધો અને કહ્યું :

'યુવાન ! તું જે હોય તે પણ આજે તેં મારી લાજ રાખી લીધી છે. જો કોઈ હાથીના પગ નીચે કચડાઈ જાત તો મને જિંદગી સુધી અફસોસ થાત. મારા માથે કલંક લાગી જાત.... તારું બધું વૃત્તાંત મેં સાંભળી લીધું છે. તારા જેવો પરાક્રમી મેં કોઈ જોયો નથી. હું મારી રાજકુમારી તારી સાથે પરણાવવા માગું છું. તને મંજૂર છે ?'

'મહારાજ ! આપની આજ્ઞા મારા આંખ-માથા પર છે. હું આપના જ નગરના નગરશેઠ ધનવંતરાયનો નાનો દીકરો છું.'

રાજા ખુશ થઈ ગયા. સન્માનથી એને અંદર લઈ ગયા પછી નગરશેઠને સંદેશો મોકલ્યો.

નગરશેઠ તો આ સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. અને અતિ આનંદિત બની ગયા. તરત જ મુહૂર્ત કાઢી રાજકુમારી સાથે તેના લગ્ન કરવામાં આવ્યાં.

લગ્ન પછી રાજકુમારીએ ગુણસાગરને કહ્યું, 'આપણું કેવું ભાગ્ય છે ! એક વાર તમે આવ્યા તો મેં તમને કાઢી મૂક્યા છતાં તમે ફરી મારા જીવનમાં આવ્યા જ. અને મારાં સૌભાગ્યનાં સ્વામી બન્યાં જ.'

ગુણસાગર બોલ્યો : 'પ્રિયે ! તારી વાત સાચી છે. આ બધો આ પુસ્તકનો પ્રતાપ છે. આ પુસ્તક મેં ખરીદ્‍યું. એટલે જ પિતાએ મને કાઢી મૂક્યો, એટલે જ હાથીવાળો પ્રસંગ બન્યો, તેમાં હું સામેલ થયો અને તું મળી. અને એ પુસ્તકમાં પણ એવું જ લખેલું છે.'

'મને બતાવો, એ પુસ્તક ! એમાં શું લખ્યું છે ?'

ગુણસાગરે પુસ્તક પોતાની પત્નીના હાથમાં મૂક્યું. તેણે જોયું તો આખુ પુસ્તક કોરું હતું. તે વિસ્મય પામી. પાનાં ફેરવતાં ફેરવતાં છેલ્લે સોનેરી શાહીથી થોડું લખાણ લખાયેલું હતું. બન્ને પતિપત્નીએ ભેગાં થઈને એ વાંચ્યું :

'નસીબમાં જે લખ્યું હોય છે તે મળે જ છે. અને નસીબમાં નથી લખ્યું હોતું તે મળતું જ નથી. મળે છે તો ફરી ચાલ્યું જાય છે.'

બન્ને પતિ-પત્ની હસી પડ્યાં.

'હે કુમારો ! ભાગ્ય બળવાન છે. આ વાત હંમેશાં ધ્યાન રાખજો.' વિષ્ણુશર્માએ કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Classics