અમસ્તા જ આવેલ વિચાર
અમસ્તા જ આવેલ વિચાર
ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે. અને એ જ વિશ્વાસની સાથે જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે એક સપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને જોવાનો પ્રયત્ન સુધ્ધા નહોતો કર્યો.
ભુતકાળનો એ હિસ્સો જે આ સપના સાથે જોડાયેલ હતો એ આજે આ સપના સાથે મારી સામે આવીને ઊભો છે. સપનું પુરું કરવા જતા ભુતકાળની એ પળો ફરીથી જીવવી પડશે અને કદાચ એ પળો હવે ફરી જીવવાની હિંમત નથી જે પછી જીવવા માંગતી નથી. જીવનમાં પહેલીવાર કંઈક નક્કી કરવા માટે આટલું મનોમંથન કરવું પડી રહ્યું છે. ક્યારેય કોઈ નિર્ણય લેવા માટે આટલું વિચારવું નથી પડ્યું પણ આજે ફરી ફરી એજ દ્રશ્ય અને એજ સપના વિષેના વિચારો મનને હલબલાવી રહ્યા છે. એમ લાગે છે કે હજી કાલની જ વાત છે, એ જ કૉલેજની લૉબી, એજ ક્લાસરૂમ, એજ મિત્રો અને એજ ભવિષ્યમાં કઈ કરી બતાવવાની તાલાવેલી અને હંમેશા પોતાનું ધાર્યુ કરતી હું. ક્યારે જીવન બદલાઈ ગયું એ ધ્યાન જ ના રહ્યું. પોતાના સપના ભૂલી બીજાના સપનાઓમાં જ ખૂશી શોધી લીધી અને એ બીજા પણ થોડી હતા, પોતાના જ છે ને. મારા પતિ અને બાળકો, ક્યારે એમના સપના જીવવામાં અને સાકાર કરવામાં જીંદગી વિતી ગઈ એ ખબર જ ના પડી.
ત્યારે અચાનક જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને હું મારા વિચારોના સફર પરથી પાછી ફરી અને દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે સુભાષના આવવાનો સમય થઈ ગયો હતો. કદાચ આવી પણ ગયા હશે અને રોજની જેમ આવીને તરત જ પોતાના સ્ટડીરૂમમાં ગયા હશે. ફ્રેશ થવાનું તો એમણે ધ્યાન જ ક્યાં રહે છે, આ એમણો નિત્યક્રમ છે ઑફિસથી આવીને સીધા સ્ટડીરૂમમાં જવું, હું ચા અને નાસ્તો લઇને જઉ ત્યારે ફટાફટ ફ્રેશ થવા રૂમ તરફ જાય અને આવીને થોડી ઠંડી થઈ ગયેલી ચા અને નાસ્તો પતાવીને ફરીથી પોતાના કામમાં લાગી જાય. ત્યારબાદ સીધા જમવા માટે જ બહાર આવતા. મે ઘણી વખત કહ્યુ કે ઑફિસનું કામ ઓફિસમાં પતાવીને આવતા હોય તો પણ એ કહે, ડાર્લિંગ, આ ઓફિસનું કામ છે ને જે ઓછું થતું જ નથી એકદમ તારા પ્રેમની જેમ હંમેશા વધતું જાય છે.
લગ્નને વીસ વરસ થઈ ગયા પણ હજી એ જ મસ્તી કરવાની આદત અને દરેક વાતમાં મારા નામની હાજરી હોય જ. ઘણીવાર એ કહેતા કે,
"આશા જો તું ના હોત તો ખબર નહી મારૂ શું થાત" આ સાંભળ્યા પછી મને ખરેખર પોતાના પર ગર્વ થઈ આવતો. એ સંતોષ થતો કે જીવનમાં કોઈ છે જેના માટે મારું મહત્વ ક્યારેય ઓછું નથી થવાનું, જે મારું સર્વસ્વ છે એના માટે હું પણ મહત્વ ધરાવું છું. બસ હવે જીવનમાં કોઈ જ કમી નથી, સિવાય એક, બાકી હવે તો બાળકો પણ મોટા થઈ ગયા અને પોતાનું ભવિષ્ય બનાવવાની રાહ પર નીકળી ગયા છે.
હજી કાલે જ સુભાષ કહેતા હતા કે આશા હવે તો તું આખો દિવસ ફ્રી હોય છે અન હવે બાળકો પણ પોતાની જાતે જીવી રહ્યા છે. તો પોતાની ખુશી માટે કંઈક કર અને ત્યારથી એ સપના પર જામેલા વર્ષોની ધૂળ દૂર થઈ ગઈ. સુભાષ જાણતા હતા કે મને લખવાનો ઘણો જ શોખ રહ્યો છે પણ જીવનમાં જવાબદારીઓ બદલાતા લખવાનો શોખ પાછળ રહી ગયો. પણ આજે ફરીથી એ જૂના દિવસો યાદ આવી ગયા, કૉલેજમાં નાટકો લખવા અને પછી એના પર બીજાને અભિનય કરતા જોવા. પોતાની બનાવેલી નાટકરૂપી દુનિયામાં થોડી ક્ષણો માટે બીજાને જીવતા જોઈ કોઈ અવૉર્ડ મળ્યા જેટલી ખુશી થતી અને સાથે સાથે અમે પણ જીવતા જતા હતા. અમારી સપનાની દુનિયામાં બસ અમે બે જ હતા, અમારી આ દુનિયામાં, સપનાની દુનિયામાં, ફક્ત હું અને સંજીવ.
આ નામ યાદ આવતાની સાથે જ બધી જ યાદો તાજી થઈ ગઈ, કદાચ આજે અમસ્તા જ એક નજીવા વિચારની સાથે ભુતકાળની બધી જ યાદો વલોવાઈ ગઈ અને સાથે સાથે હું પણ.
ક્યારેય કશું ભૂલવાની કોશિશ નથી કરી પણ બધું જ યાદ આવી જાય અચાનક આમ એવું વિચાર્યુ નહોતું. હાલ એવું લાગી રહ્યું છે કે જીંદગી બે હિસ્સામાં વહેચાઈ ગઈ છે. જાણે મારી અંદર બે આશા જીવી રહી છે. એક સુભાષની અને બીજી સંજીવની પણ કદાચ એક મુકામ પર બન્ને એક જ હતી અને મારા જીવનના આ બન્ને પુરૂષોએ મને હંમેશા સાથ આપ્યો છે. ક્યારેય કોઈ ગુનેગારની ભાવના સાથે જીવવાનો અવસર નથી આપ્યો. એકને પ્રેમ કરીને હું તૂટી ગઈ હતી અને બીજાને તૂટીને પ્રેમ કરતી હતી. બસ આ જ મારા જીવનનું સત્ય હતું અને આજે ફરી મારી સામે શ્વાસ લઈ રહ્યું હતું.
એ રાત પછીની સવાર કંઈક અલગ જ હતી. નવી જ સ્ફૂર્તિ અને નવી જ તાજગી, અને સુભાષ ફરીથી આજે કહીને ગયા કે સાંજે તારા હાથે લખેલું વાંચવાની ઈચ્છા છે અને પ્લીઞ કંઈક લખવાનો પ્રયત્ન કરજે. એ પ્લીઞમાં આજીજી કરતા વધારે ઈચ્છા હતી અને કદાચ એટલા માટે જ ફરીથી એ સફર પર જવાનું નક્કી કર્યુ હતું. આજે વર્ષો પછી હાથમાં કલમ પકડીશ એ વિચારીને જ મન ઉત્સાહિત થઈ ગયું, સવારનો નાસ્તો પતાવીને બસ અમસ્તા જ બુક અને પૅન લઈને બેઠી અને શું લખુ એ વિચારતી જ હતી એટલામાં જ ફોનની રીંગ સંભળાઈ. બુક અને પૅન બાજુ પર મુકી ફોન રીસિવ કર્યો અને સામે છેડે સુરભિ હતી, મારી પ્રિંસેસ. ફોન ઉપાડતા જ બોલો ઉઠી,"મોમ, આઈ વૉન ફર્સ્ટ પ્રાઈઞ ઈન ડિબેટ કોમ્પિટીશન" આ સાંભળીને જાણે પોતે જીતી હોય એટલી ખુશી થઈ. એના પછી એણી સાથે ઘણી વાતો થઈ પણ આ વાતની ખુશી ખૂબ જ વધારે હતી. કદાચ એન આ હુનર વારસામાં મળ્યું હતું, મારી જેમ. અને "નેક્સ્ટ વીકેન્ડ હું આવુ છું" એમ કહી ફોન મુકાઈ ગયો.
***
હું વિચારતી રહી થોડીવાર માટે હે શું ગિફ્ટ આપવી મારી પ્રિંસેસને પછી અચાનક જ એક વિચાર સ્ફૂર્યો અને કબાટમાંથી મારી યાદોની બૅગ બહાર કાઢી. કદાચ એણે કામ લાગે એવું કંઈક મળી જાય અને એણી સાથે જ હું મારી ભુતકાળની દુનિયામાં પાછી ફરી. આમ જ ભુતકાળની ઘણી યાદો ફરી જીવવા લાગી. એ જ જુદી જુદી સ્પર્ધા માટે તૈયારી કરવી, નિબંધ લખવા, આર્ટિકલ લખવા અને કવિતાઓ લખવી પણ સમય જતા બધું છૂટી ગયુ અન આજે ફરી એ જ ક્ષણ જીવવાનો અવસર મળ્યો છે. ફક્ત અને ફક્ત સુભાષ અને બાળકોના કારણે, ત્યારે મનના એક અજાણ્યા ખૂણેથી અવાજ આવ્યો કદાચ સંજીવના કારણે પણ. એ હંમેશા કહેતો, આશા તું એક સારી લેખિકા બની શકે એમ છે અને હું એ વાત બસ હસવામાં કાઢી નાખતી. પણ મનમાં ઘણી વખત વિચાર આવ્યો હતો કે લેખિકા બનવું છે અને એવું પણ નહોતું કે પ્રયાસ નહોતો કર્યો, પહેલા અભ્યાસ અને એના પછી જોબ અને ત્યાર બાદ જીવનનો સૌથી મોટો નિર્ણય, લગ્ન.
લગ્ન, આ શબ્દ એ સમયે ખુબ જ નાનો અને સામાન્ય લાગતો હતો. પણ જ્યારે પ્રભુતામાં પગલા માંડ્યા ત્યારે ધીરે ધીરે સમજાયું કે જેને હું સામાન્ય શબ્દ સમજી રહી હતી એ એક શબ્દ નહી પણ હવેથી મારા જીવનનો આધાર હતો. ઘણા જ નવા સંબંધો, નવી જવાબદારી અને સૌથી મોટું કામ મારા પતિને સમજવાનું. કદાચ કામ સમજીને કર્યું હોત તો જીવનભર ના સમજી શકી હોત પણ કદાચ દરેક કામ પ્રેમથી કરવાની આદત કે સમજણ ગળથૂથીમાંથી આપવામાં આવી હતી. કદાચ એટલે જ આટલી આસાનીથી પોતાના પહેલા પ્રેમને ભૂલી શકી હતી, ભૂલી શકી હતી કે નહી એ પણ મને ક્યાં ખબર હતી. પણ કદાચ હ્રદયના એક ખૂણામાં હજી એ આશા જીવે છે, સંજીવની આશા. ક્યારેક ક્યારેક સંજીવની આશા સુભાષની આશાને સવાલ કરી બસે છે કે શું સુભાષની આશાને પણ સપના જોવાનો અધિકાર છે ? ત્યારે કોઈ પણ વિચાર કર્યા વિના જ જવાબ હોઠો પર આવી જાય છે કે હા, સુભાષની આશા ને સપના જોવાનો અધિકાર છે અને જીવવાનો પણ અને એમાં એને એના પરિવારનો પૂર્ણ સહકાર છે. ખાસ કરીને સુભાષનો. સુભાષ, આ એ જ વ્યક્તિ છે જેણે માતાપિતાની મારા માટેની શ્રેષ્ઠ પસંદગી માનીને હું પરણી હતી અને કહે છે ને માતાપિતા ભગવાનનું રૂપ હોય છે. બસ મારા ભગવાને મારા માટે જે વિચાર્યું હતુ એ ખૂબ સારું વિચાર્યું હતુ.
જીવનમાં જ્યારે હંમેશા સ્વતંત્રતાથી જીવેલ વ્યક્તિને બંધનમાં બાંધવામાં આવે તેવી સ્થિતિ મારી હું સમજતી હતી પણ આ બંધનમાં પણ મને સ્વતંત્રતા મળી છે અને આ જ સ્વતંત્રતા સાથે હું આજે ફરી મારા સપના જીવવા જઈ રહી હતી. મારી દીકરીના માધ્યમથી, દીકરાએ પિતાનો વ્યવસાય પસંદ કર્યો જ્યારે દીકરીએ માની કળા અને માના સપના. બસ હવે રવિવારની રાહ જોઉ છુ જ્યારે બંને અહિ આવે અને પછી આરામથી બંને સાથે પોતાની વાતો શેર કરી શકું.
આ જ વિચારોમાં દિવસ ક્યા વિતી ગયો ખબર જ ન પડી. સાંજ થવા આવી હતી, બપોરનું જમવાનું પણ ભૂલાઈ જ ગયુ હતુ પણ હવે ભૂખ તો ક્યારની મરી ગઈ હતી. બસ પ્રતિક્ષા હતી આખોમાં સુભાષ માટે કે ક્યારે આવે અને ક્યારે એમણે આ કવિતાઓ સંભળાવું, આ કહાનીઓ સંભળાવું. વરસો પછી મારી અંદરનો આત્મવિશ્વાસ ફરી જાગ્યો હતો. ત્યારે જ પાંચના ટકોરા પડતા જ હું ઉભી થઈ બૅગ બાજુ પર મુકી, કવિતાની બુક સાથે લઈ બેઠકરૂમમાં ગઈ ત્યારે મહારાજ ચાની તૈયારી કરતા હતા. બસ સુભાષ આવતા જ હશે એ વિચારી હું રોમાંચિત થઈ ગઈ, એ વીસ વર્ષની આશા આજે પાછી ફરી હતી. એને આજે ફરી પ્રેમ થઈ ગયો હતો, સુભાષ સાથે. પત્નિ તરીકે મે હંમેશા એને પ્રેમ કર્યો પણ આજે સુભાષની પ્રેનિકા બનવાની ઈચ્છા થઈ આવી અને જેવું ધાર્યું હતુ એમ આવતાની સાથે પુછપરછ શરૂ કરી દીધી. શું કર્યુ આખો દિવસ, કઈં લખ્યું કે નહિ ? આખરે બુક હાથમાં આપી ત્યારે જ શાંતિથી બેઠા, પચાસની ઉંમરે પણ પચ્ચીસ જેવો જોશ છે એમનામાં.
અમે બંને બાલ્કનીમાં બેઠા હતા ત્યારે મહારાજ ચા આપી ગયા અને રાતના જમવામાં શું બનાવવું એ પણ પૂછતા ગયા. સુભાષ ચાની સાથે સાથે બુકના પાનાં ફેરવતા હતા, એના ચહેરા પરના બદલાતા હાવભાવ હું શાંતિથી જોઈ રહી હતી. એમ થતું હતુ કે બસ આમ જ બેસી રહુ જીવનભર પણ જેમ જેમ દિવસ ઢળતો ગયો એમ બાલ્કનીમાં અંધારું ફેલાતું ગયું, બગીચામાંથી રાતરાનીની મહેક આવી રહી હતી. અમે અંદર આવ્યા ત્યારે રાતના આઠ વાગી રહ્યા હતા. સાડા આઠ થતા જ મહારાજજી એ જમવાની તૈયારી કરી અને અમે બંને જમવા માટે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા. જમતા જમતા સુભાષને સુરભિના ફોન વિશે વાત કરી. સુરભિની જીતની વાત જાણતા જ સુભાષ બોલી ઉઠ્યા કે બિલકુલ તારા પર ગઈ છે, બધી જ રીતે તારી છબી છે અને મારી કવિતાઓ વિશે પૂછવા લાગ્યા અને પ્રશંસાના પુલ બાંધવા લાગ્યા. ત્યારે મે સુભાષને જણાવ્યું કે આ કવિતાઓ વરસો જૂની છે આજે તો મે ફક્ત જૂની યાદોને ફરીથી જીવી છે.
***
આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોડું થઇ ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી પોતાની તરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જવાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડવાની ઇચ્છા થઇ આવી છે.
આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કરવું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થવા લાગી, એમ લાગ્યું કે આમ જ સુભાષની બાહોમાં રહું પણ તરત સમયનું ભાન થતા મે એમણી પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે એમ લાગ્યું કે જાણે સુભાષ મને છોડવા તૈયાર જ નથી. આખરે મારે જ મૌન તોડવું પડ્યું. સુભાષ, ઘણો સમય થઇ ગયો તમારે હવે આરામ કરવો જોઇએ.
આટલા સમયથી આરામ જ તો કરતો આવ્યો છું પણ હવે બસ બહું થયું કામ અને આરામ. હવે તો ઇચ્છા છે કે બાકીનો સમય તારી સાથે જ વિતાવી દઉં. તારી રચનાઓ વાંચતા, તારી કવિતાઓ સાંભળતા અને તને પ્રેમ કરતા. સુભાષમાં આવેલ આ બદલાવથી આશ્ચર્ય તો થયું પણ તરત પોતાને સંભાળીને લખેલી કવિતા સંભળાવી. સાંભળતાની સાથે જ વખાણનો વરસાદ કરી મને બાહોમાં ભરી લેતા બોલ્યા, 'વાહ વાહ.'
એ દિવસે એમ લાગ્યું કે જાણે મારી અંદરની બીજી આશાનો ફરી જન્મ થયો છે. અને આવી રીતે દિવસો વિતી રહ્યા હતા ત્યારે જ એક દિવસ સુરભિનો ફોન આવ્યો.
હલ્લો મમ્મા, કેમ છો તમે ?
હાય બેટા, હું ઠીક છું, તું કેમ છે ?
હું પણ ઠીક છું મમ્મા.
મમ્મા, હું ઘરે આવું છું આ વીકેન્ડના.
પણ બેટા આમ અચાનક, મે કહ્યું
મમ્મા તમારી અને પપ્પાની બહું યાદ આવે છે એટલે આવું છું
આટલું કહી એણે ફોન મુકી દીધો ખબર નહી એટલી તો શું જલ્દી હતી.
સુરભિના આવવાની ખબર મળતા જ એક ગજબની સ્ફૂર્તિ આવી ગઇ અને હું તરત જ દોડીને મારા રૂમમાં ગઇ કે એના માટે અલગ કરેલી કવિતાઓ ને ગિફ્ટ વ્રેપ કરી શકુ પણ ત્યારે એ મને ક્યાંય ના મળી. રૂમ તો શું આખું ઘર શોધી વળી પણ એ બુક્સ અને કવિતાઓ મને ક્યાંય ના મળી. ખબર નહિ યાદ જ નહોતું આવતું કે ક્યાં મુકાઇ ગઇ મારાથી. આજે સાંજે સુરભિ આવી જશે શું ગિફ્ટ આપીશ એણે એ જ ચિંતા થઇ રહી હતી. બસ સુભાષ આવે એની જ રાહ જોઈ રહી હતી કે એ આવે પછી કોઈ ગિફ્ટ લેવા જઇ શકું. પણ ખબર નહી આજે એ પણ ક્યા રહી ગયા ? રોજ તો આ સમયે ઘરે આવી જતા પણ આજે જ મોડું કરવાનું હતું. મને અમસ્તા જ એમના પર ગુસ્સો આવી ગયો પણ હવે શું ફાયદો ભુલ મારી જ હતી મારે જ કવિતાઓ સાચવીને રાખવા જેવી હતી.
***
આ જ ચિંતામાં ઝૂલા પર બેઠી હતી એટલામાં સુરભિનો અવાજ આવ્યો અને સીધી મારી પાસે આવીને બેસી પડી.
'મમ્મા, આઈ મિસ્ડ યુ સો મચ.આઈ લવ યુ,' આવતાની સાથે જ કહેવા લાગી.
'આઈ લવ યુ ટુ માય બચ્ચા,'અને તરત જ પુછવા લાગી કે હું અહી એકલી કેમ બેઠી છું. હવે એણે કેવી રીતે કહું કે હું કઈ ચિંતામાં છું.
'બસ કઇ નહી બેટા, હું તો એમ જ બેઠી છું. તું બોલ, તારો સફર કેવો રહ્યો રહ્યો અને આવતા કોઈ તકલીફ તો નથી થઈ ને'
'મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હવે આદ્ત પડી ગઈ છે. પણ બહુ ભૂખ લાગી છે. મમ્મા ચલોને જમી લઇએ.' કહેતા મને ખેંચીને રસોડામાં લઈ ગઈ.
જમતા જમતા ઘણી વાતો શેર કરી, ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કરવી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગઈ અને આખરે ગિફ્ટની વાત આવી.
'બેટા, ધીરજ રાખ. આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ,' મે થોડા અચકાતા કહ્યું.
'ઓકે મમ્મા,' આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ અને કિચનમાં ગઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં ગઈ.
આ જોઈ મને આંચકો લાગ્યો કે કદાચ મારી દીકરિને ખરાબ તો નથી લાગ્યું ને? આ વિચાર પણ મને ગભરાવી ગયો કારણ કે મે એણે પ્રોમિસ કર્યુ હતું કે એના માટે એક ખાસ ગિફ્ટ હશે જ્યારે એ ઘરે આવશે. પણ અત્યારે શું આપીશ એણે હું.
ડાઈનિંગ ટેબલ પરથી ઊભી થઈ હું ફરી મારા રૂમમાં ગઈ અને કવિતાઓ અને બુકસ શોધવા લાગી જે મે એના માટે રાખી હતી. પણ ફરી મને નિષ્ફળતા જ મળી. મને મારી બુક્સ અને કવિતાઓ ક્યાંય ના મળી. આખરે હું ત્યાં જ બેસી ગઈ, મારી આંખોમાં અચાનકથી આંસુ આવી ગયા. આજે પહેલી વાર હું મારી દીકરીને કંઈ આપવામાં નિષ્ફળ રહી. હું આજે એણે એ નહી આપી શકું જે આ જ સુધી મારી પાસે હતું.
ત્યારે જ સુભાષ રૂમમાં આવ્યા અને મારી બાજુમાં બેઠા.
'શું થયું, આટલી ઉદાસ કેમ છે ?' એમણે મારી બાજુમાં બેસતા પુછ્યું.
'કંઈ નહિ બસ આમ જ.'
'મને તો એમ નથી લાગતું તારા ચહેરા પરથી, તારા ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ પછી તું ઠીક કઈ રીતે હોઈ શકે. શું થયું, કહીશ મને ?'
આ સાંભળતા જ હું પોતાને રોકી ના શકી અને દિલની વાત બહાર આવી ગઈ. બધું જ સુભાષ ને જણાવી દીધું કે હું સવારથી એ કવિતાઓ અમે બુક્સ શોધું છું પણ એ ક્યાંય નથી મળી રહી.
***
'મમ્મા, તમે આ કવિતાઓની વાત કરો છો !'
મારા રૂમના દરવાજા પાસેથી સુરભિનો અવાજ આવ્યો અને એ મારી પાસે આવી. એણી પાસે એક બુક હતી નવી જ હતી કદાચ અને મારી પાસે આવી એ બુક મારા હાથમાં આપી.
બુક જોઇને મને મારી આંખો પર વિશ્વાસ ના થયો, આ એ જ કવિતાઓ હતી જે મે લખી હતી પણ એ આ બુકમાં અને મે ફરીથી બુકનું કવર જોયુ એના પર મારું નામ હતું લેખક તરીકેનું. હું તો એ બુકને જોતી જ રહી ગઈ. શું બોલું, શું કરું, શું થઈ રહ્યું છે આ બધું કઈ જ ખબર નહોતી પડી રહી અને તરત જ સુરભિ બોલી,
"હેપ્પી મધર્સ ડે, મમ્મા"
'પણ આજે તો મધર્સ ડે નથી બેટા,' હું આટલુ જ બોલી શકી.
'મમ્મા, મારી માટે તો રોજ મધર્સ ડે છે. જ્યારે તમે આ કવિતાઓની વાત પપ્પાને કરી હતી મેં ત્યારે જ નક્કી કર્યુ હતુ કે તમને હવે એ આપવાનો સમય થઇ ગયો છે જે તમે અત્યાર સુધી અમારા માટે જતું કર્યું છે.'
'પણ તારી પાસે આ કવિતાઓ આવી કેવી રીતે ?' મેં એણે પુછ્યું.
ત્યારે એણે બધું જ વિસ્તારથી જણાવ્યું, કેવી રીતે સુભાષે આ કવિતાઓ સુરભિ સુધી પહોંચાડી અને કેવી રીતે એણે એ કવિતાઓ પબ્લિકેશન હાઉસમાં આપી.
તો આખરે મારું સપનું મારી દિકરી અને મારા પતિએ સાથે મળીને પુરું કર્યું અને મને એણી ખબર સુધ્ધા ના પડી. હું તો એ જ ભ્રમમાં જીવતી હતી કે હવે હું નહી પણ મારી દિકરી મારું સપનું પુરું કરશે. એક લેખક બનીને અને એણે મારું સપનું પુરું કર્યુ મને લેખક બનાવીને.
એના પછી આ બુક છપાવાનું શરૂ થયું અને સૌથી પહેલી બે કૉપી મેં પોતે જ ખરીદી અને એમાંથી એક સુભાષ માટે અને બીજી સંજીવ માટે પણ સુભાષ આ વાતથી અજાણ હતા.
બીજી કૉપી મે સંજીવને પહોંચાડી અને એમાં ફક્ત એટલું જ લખ્યું કે 'આજે તારું પણ સપનું પુરુ થયું.' કારણ કે જે દિવસે સુરભિએ પહેલી કૉપી મારા હાથમાં આપી એ દિવસ સંજીવનો જન્મ દિવસ હતો. એના જન્મદિવસે જ આટલી મોટી ખુશી મારી દિકરી એ મને આપી.
પણ અંત સુધી આ વાત મારા દિલમાં છુપાઇને રહેશે, ક્યારેય બહાર નહિ આવે. અને જીવનના આ પડાવ પર મે સપના જોવાનું ફરી શરૂ કર્યુ. મારી દિકરી અને મારા પતિની મદદથી, બંને એ ફરીથી મને એક લક્ષ્ય આપ્યું.
ખરેખર આમ જ અમસ્તા આવેલ વિચારે આજે મારું જીવન બદલી નાખ્યું. આજે આ ઉંમરે હું ફરીથી અઢારની થઈ નાચી શકું છું, રમી શકું છું અને ગાઈ શકું છું મારા લેખનની મદદથી.

