અમેરિકન 'વહુ'
અમેરિકન 'વહુ'
અચાનક જ્યારે બૉટ અકસ્માતમાં નીરા અને નલિન ફસાયા ત્યારે બંને હોશ ગુમાવી બેઠા હતા.
નલિન તો દસેક દિવસમાં વૈશાખીના સહારે ચાલવા શક્તિમાન થયો. તે પણ માંડ દસેક ડગ ભરી શકતો. નીરાની હાલત દિવસે દિવસે બગડતી ચાલી. પંદર દિવસમાં તો એટલી નંખાઈ ગઈ કે પલંગમાં સૂતી હોય તો પણ જણાતી નહી. ડૉક્ટરોએ તેની બચવાની આશા મૂકી દીધી હતી.
નીરા છેલ્લા સમયમાં પોતાનું દર્દ વિસારે પાડી નલિનની ચિંતા કરતી હતી. એકનો એક સુપુત્ર ડૉક્ટર થયા પછી સાથે રેસિડન્સી કરતી લૉરાના પ્યારમાં મસ્તાન હતો. અંતે માતા અને પિતાના આશીર્વાદ મેળવી બંને રંગે ચંગે પરણ્યા. બધા એકજ શહેરમાં હોવાથી અવાર નવાર મળતા.
નીરા અને નીલ વાત કરે ત્યારે ‘અમારી અમેરિકન ડૉક્ટર વહુ’ ખૂબ પ્રેમથી બોલે. તેમને દિલમાં જરા પણ ખચકાટ ન હતો કે દીકરો અમેરિકન ‘વહુ’ લવ્યો હતો. લક્ષ, લોરાના પ્રેમાળ સ્વભાવને ઓળખતો હતો. પોતે એકનો એક પુત્ર છે તે લોરા પણ બરાબર જાણતી હતી.
‘નલિન મારા ગયા પછી તમારું શું?’
‘અરે, તું ક્યાં જવાની છો? હજુ તો આપણે અલાસ્કા ક્રુઝમાં જવાનું છે. ઓસ્ટ્રેલિયાનું પ્લાનિંગ ચાલુ છે. પછી ચીન અને જાપાન તો નક્કી છે.’ નલિન જાણે જાતને ફોસલાવી ન રહ્યો હોય?
નીરાએ વાટ પકડી. લૉરા એક તો અમેરિકન અને પાછી ડૉક્ટર. નલિનને માથે આભ ટૂટી પડ્યું. લક્ષને પોતાની જવાબદારીનું ભાન થયું. લૉરા સાથે વાત કરવા માગતો હતો.
લક્ષ, ‘યુ એક્સ્પ્લેઈન મી ઓલ યોર રિસ્પોન્સિબિલિટી બિફોર મેરેજ. ઈફ યુ ડુ નોટ માઈન્ડ કેન આઈ હેન્ડલ માય વે?’ લક્ષને લોરામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. મમ્મીએ લગ્ન પહેલાં પ્રેમથી સમજાવ્યું હતું, ‘બેટા તું એકનો
એક દીકરો છે. અમારે તો બીજું કોઈ નથી.’
‘મમ્મી, હું તને સમજું છું. તને કે પપ્પાને કાંઈ પણ જરૂરિયાત હશે ત્યારે હું અને લૉરા છીએ ને!’
લૉરાએ પોતાનું મોટું મેન્શન હોવાથી નીચેનો ગેસ્ટ રૂમ નલિન માટે તૈયાર કરાવ્યો. નલિનની સગવડતા માટે સુંદર નવો બેડ વસાવ્યો.બંને હસબન્ડ વાઈફ આખો દિવસ કામમા વ્યસ્ત હોવાને કારણે એક ‘લિવ ઈન નર્સ’ હાયર કરી પપ્પાની ૨૪ કલાક કાળજી લેવાય તેવો બંદોબસ્ત કર્યો.
એક ઈન્ડિયન લેડીને પપ્પાનું ભાવતું બધું ખાવાનું બનાવવા અઠવાડિયામાં ત્રણ વાર બોલાવતી.
લક્ષતો લૉરાએ કરેલા પ્લાન ઉપર મુગ્ધ થઈ ગયો. તેને ખબર હતી લૉરા કદી પપ્પાને નર્સિંગ હોમમાં
નહી ખસેડે.
લૉરા અતથી ઈતી સુધી લક્ષની લાઈફ હિસ્ટરી જાણતી હતી. તે ભલે અમેરિકન હતી પણ આખરે પત્ની તથા સ્ત્રી હતી. નલિન લૉરાએ કરેલી સગવડતા જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયો. તેના આંખ અને હ્રદયમાંથી નિતરતો પ્રેમ લૉરા અનુભવતી. લક્ષને તો કાંઈ બોલવાપણું હતું નહીં.
‘નલિનના રૂમમાં ટી.વી., સી.ડી. પ્લેયર, કમપ્યુટર બધું સુંદર રીતે સેટ કર્યું હતું.’
‘નીરા, તને મારી ફિકર હતી ને? જો આ અમેરિકન વહુ મારી કેટલી સગવડ સાચવે છે. જો કોઈને કહેતી નહીં, આપણો લક્ષ કદાચ ભારતિય છોકરીને પરણ્યો હોત ને તો તે આવું ન કરત એવું મારું દિલ કહે છે. તને તો બરાબર ખબર છે, પ્રિયે મારું દિલ આજ સુધી ખોટું બોલ્યું નથી !’
