આસ્થાની અભિલાષા
આસ્થાની અભિલાષા
ધડામ....એક ઝાટકો લાગ્યો ને ખુરશીના પાયા હલબલી ગયાં. એક ક્ષણ માટે એવો વિચાર આવી ગયો કે ભૂકંપ આવ્યો કે શું ?...પછી ખબર પડી કે બિલ્ડીંગનો એક ભાગ તૂટી પડ્યો છે. ચોતરફ રતાશી ધૂળના ધુમાડાના વાદળ, ચીસાચીસ, નાસભાગ, આક્રંદનું સામ્રાજ્ય ફરી વળ્યું. કાટમાળ, લટકતાં જીવંત ઈલેક્ટ્રિક વાયરોની વચ્ચેથી માર્ગ કાઢતા અમે જીવ બચાવી હેમખેમ બહાર નીકળી ગયાં. રસ્તા પર આવીને જોયું તો અડધું મકાન તૂટી પડયું હતું .જીનીશા હતપ્રત થઈ ગઈ. શું થઈ ગયું ? કાંઈ સમજ ના પડી. 'જાન બચી સો લાખો પાયા'... એમ બબડી ઈશ્વરનો પાડ માની ઘરે આવીને બેઠી અને ભૂતકાળમાં સરી પડી.
"મમ્મી ..મમ્મી ... જલ્દી બહાર આવ. એક ખુશખબર આપું." એવું ઊંચા અવાજે કહ્યું.
મમ્મી હાથ લૂછતી બહાર આવી.
મમ્મી: "શું છે ..મારી દીકરી..? કેમ આટલી ઊછળે છે ? જરૂર કોઈ લોટરી લાગી છે."
જીનીશા: "હા મમ્મી, લોટરી જ સમજને. મને આજે પેલા તરલામાસી મળ્યા હતા. મેં તેમને આપણે આ શહેરમાં રહેવા આવ્યા તેની જાણ કરી. બહુ ખુશ થયા."
પછી મને પૂછ્યું," બેટા, તું શું કરે છે ? તારો અભ્યાસ પૂરો થઈ ગયો કે ?"
મેં કહ્યું: "હા માસી, ગયા વર્ષે જ મેં M.A. ફર્સ્ટ ક્લાસ કર્યું."
"હવે તું શું કરે છે ? "તેમણે પૂછ્યું.
મેં કહ્યું : "અહીં નૂતન વિધાલયમાં શિક્ષિકાની જોબ મળી ગઈ છે. મારા મનગમતા ક્ષેત્રમાં પગ માંડી દીધા છે. અને માસી ...કોઈને ટ્યુશન રાખવા હોય તો કહેજો ને. નવરાશના સમયમાં થોડી વધુ આવક રળી શકાય."
તરલા માસી કહે "મારી સુનીતા કાલે જ મને તેની દીકરી પ્રાચી માટે આ જ વાત કરતી હતી. હું તને એમનો નંબર આપું છું. તું એનો આજે જ સંપર્ક કરજે...!"
"અને મમ્મી ..હું હમણાં ત્યાં જ જઈ આવી. ટ્યુશનનું પાકું થઈ ગયું ."
નવા નવા શહેરમાં આવેલા પારેખ પરિવારને હમણાં થોડી આર્થિક સંકડામણ ઊભી થઈ હતી. જીનીશા મોટી ને દિશા નાની એમ બે દીકરીઓ. દીશા પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતી હતી. તે જોબ છૂટી ગઈ હતી. પપ્પા સુનિલ રિટાયર્ડ ઓફિસર હતા. પરિવારના ભરણપોષણનો ભાર જીનીશાના ખભે આવી ગયો હતો. ટ્યુશન મળતાં થોડી રાહતની આવક થઈ હતી.
પ્રાચીનું ટ્યુશન કરવાનું જીનીશાને બહુ ગમતું. તે હોંશિયાર પણ હતી. એકવાર સમજાવેલું તરત જ તેના મગજમાં ઊતરી જતું. તેના ઘરે આસ્થા નામની એક ૧૦.. ૧૧ વર્ષની એક ફ્રેન્ડ આવતી. તે ઘણીવાર જીનીશા સાથે વાતો કરતી. સરળ, નિર્દોષ, માસૂમ કળી જેવી, ગોળમટોળ ચહેરો, મોટી આંખો, કાળા ભમ્મર લાંબા વાળ, સદાય હસતી..તેની વાતો પણ કાલ્પનિક લાગે, પણ સાંભળવાની મજા આવતી. તેની સાથે ઘનિષ્ઠતા બંધાઈ ગઈ. જીનીશાનો સ્વભાવ જ એવો કે કોઈ પણ ઉંમરની વ્યકિત સાથે ઘરોબો કેળવી લઈ ફ્રેન્ડ શીપ કરી ઘનિષ્ઠ સંબંધ જાળવતી.
મહિનો માસ પસાર થયો. એક દિવસ જીનીશાએ આસ્થાને કહ્યું, "તારી મમ્મીને કહેજે, કોઈને મારું ટ્યુશન રાખવું હોય તો ."
આસ્થા બોલી ,"હા જરૂર કહીશ. હું તો નીચેના ફલેટમાં ગૃપ ટ્યુશનમાં જાઉં છું. પણ મારી નાની બહેન હજી કે.જી. માં છે. એમનું ટ્યુશન રાખવા હું મમ્મી ને વાત કરીશ. "
આવડી અમથી નાદાન છોકરીનો કેટલો ઉચ્ચ ઉમદા વિચાર ?..ભલે મને ટ્યુશન ના મળે પણ તેની લાગણી મનને સ્પર્શી ગઈ. બાલસહજ નિર્દોષતાથી છલકાતા સહજ ભાવે બોલાયેલા શબ્દો દિલને સ્પર્શી ગયા.
"બેટા ક્યાં ખોવાઈ ગઈ.? જો હું તારી માટે ચા લાવી." મમ્મીના અવાજથી જીનીશા વર્તમાનમાં પાછી ફરી. તેણે ફ્રેશ થઈને નાસ્તો કર્યો.
આજે આ બિલ્ડીંગની દુર્ઘટના ઘટી. આસ્થાની સાથે ગ્રુપના બીજા નિર્દોષ બાળકો કાટમાળ હેઠળ દટાઈ ગયાં. તેમને બચાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલતું હતું. માસૂમ બાળકોનું કરુણ રુદન અને બહાર વાલીઓનું હૈયાફાટ આક્રંદ દિલને હચમચાવી દેતું હતું. આસ્થા તેમાં દટાઈને મૃત્યુ પામી.
મારી નજર સમક્ષ તેનો માસૂમ ચહેરો તરવરતો હતો. ગમગીની ભર્યા દિવસો પસાર થતાં ગયાં.
જે પરિવાર બચી ગયા તેઓ બીજે રહેવા જતાં રહ્યાં. આસ્થા-પ્રાચીનો પરિવાર પણ શિફ્ટ થઈ ગયો. પ્રાચીનું ટ્યુશન ચાલુ જ હતું.
આસ્થાએ તેના ઘરે ટ્યુશનની વાત કરી હશે કે નહીં તેની જીનીશાને જાણ ન હતી.
એ વાત તો જીનીશાના માનસમાંથી વિસરાઈ ગઈ.
ઈશ્વરનો સંકેત કે જોગાનુજોગ ગણો આસ્થાની બહેનનું ટ્યુશન તેની જ પાસે આવ્યું.
તેમના ઘરે પ્રથમ દિવસે પ્રવેશ કરતાં જ પ્રવેશદ્વારની સામે આસ્થાની એકદમ જીવંત તસવીર રાખી હતી. જાણે હમણાં બોલી ઊઠશે.
ઘણીવાર આપણા જીવનમાં અમુક ક્ષણો એવી આવે છે જેમાં ન સમજાય એવી અનુભૂતિ થાય છે. સતત જેનાં વિચારો કરતાં હોઈએ તેની હાજરી નજર સમક્ષ તરવરતી હોય છે.
જીનીશાને ઘણીવાર એવો આભાસ થતો કે આસ્થાનું અસ્તિત્વ આસપાસ જ કયાંક છે. અચાનક તેની નજર સામે અરીસા તરફ ગઈ. તે ચમકી ગઈ. તેની નજર સમક્ષ આસ્થાનું પ્રતિબિંબ તેમાં ઝીલાતું હતું. તેણે પાછળ ફરીને જોયું તો કોઈ ન હતું. તેણે દિલમાં થડકારો અનુભવ્યો.
તેણે વિચાર્યુ, "આ શું થઈ ગયું છે મને ? મારી આસપાસ મને સતત આસ્થાની હાજરીનો અહેસાસ થાય છે. તેનું સૌમ્ય હાસ્ય કાનમાં મધુર ઘંટડીની જેમ રણકે છે. જાણે કહી રહી છે કે હું જરૂર પાછી આવીશ.
સમય પસાર થતો રહે છે ..તેમના ઘરે પુત્રીનો જન્મ થાય છે. જીનીશાએ કુમળી કળી જેવી બાળકીની આંખોમાં નજર માંડી તો આસ્થાની ઝલક વર્તાઈ.
તેને લાગ્યું, હમણાં બોલી ઊઠશે. " જોયું ને ટીચર, મેં તમને કહ્યું હતું ને.. મારી બહેનનું ટ્યુશન અપાવીશ."
જીનીશાની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા.
એક નિર્દોષ બાળકી તેના બોલ પ્રત્યે કેટલી વચનબધ્ધ છે કે જાણે ગયા જનમની વાત રજેરજ તેને યાદ હોય ને આપેલું વચન પૂરું કરવા જ આ જનમ લીધો હોય. તેને આ બાળકીમાં આસ્થાનો જ આભાસ પ્રતિબિંબત થયો.
