પ્રણયની કસોટી
પ્રણયની કસોટી
કોલેજનો પહેલો દિવસ હતો. ચારે બાજુ રોમાંચનું વાતાવરણ હતું. કલાસમાં નવા સેમેસ્ટરનો રમતિયાળ મસ્તીભર્યો માહોલ હતો. ઠઠ્ઠા મશ્કરીના અવાજથી કલાસ ગુંજી રહ્યો હતો.
ક્ષિતિજ અને માનવનું મેડિકલ લાઈનનું છેલ્લું વર્ષ હતું, લેક્ચરનો દિવસ પૂરો થઈ ગયો હતો. ખાસા દોઢ મહિનાનું વેકેશન ઘરે મોજમજામાં વિતાવ્યું હોવાથી કોલેજનો ફર્સ્ટ ડે થોડો બોરિંગ લાગતો હતો, લેક્ચર સાંભળવામાં બંનેનું જરાપણ ચિત્ત ચોંટતું ન હતું. બહાર મોસમનો પહેલો વરસાદ પડી રહ્યો હતો. માદક વાતાવરણ છવાયું હતું.
બંને સૈરસપાટાના શોખીન જીવ હતા, માનવ બોલ્યો, 'ક્ષિતિજ, મનને તરબતર કરી દે એવી કેવી મસ્ત મોસમ છે ?'
ક્ષિતિજે પણ કહ્યું, 'હા માનવ, ચંચળ મન બહાર ભટકવા આતુર થઈ રહ્યું છે, ચાલને આપણે મસૂરીનો એક આંટો મારી આવીયે. પહાડોની ટોચ પર જઈ ને કુદરતનું સાનિધ્ય માણીએ. દહેરાદૂનની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા બંને મિત્રો ખભે શોલ્ડર બેગ લઈ બીજે દિવસે પ્રવાસ પર નીકળી પડયાં,
મસૂરીની આહ્લાદક આબોહવા, ચોમેર છવાયેલું ધુમ્મસ, રૂ જેવા પોચાં પોચાં વાદળોની લીલીછમ ધરતી સાથે રમાતી સંતાકુકડી ...આ બધું હૃદય વીણાનાં તાર ઝંકૃત કરી દેતું હતું.
થોડીવારમાં જ એકાએક વાતાવરણ પલટો ખાઈ ગયું. કાળા ડિબાંગ વાદળોની સેના આકાશી મેદાનમાં ઘસી આવી, વીજળીના ચમકારા ને વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ ખાબકી પડ્યો. આજની રાત હવે હોટલમાં જ વિતાવવી પડશે એવું લાગવાથી બંને મિત્રો થોડા નિરાશ થઈ ગયાં.
બીજા દિવસ નું પ્રભાત પ્રગટયું. ઉઘાડ નીકળ્યો. વરસાદ પડ્યા પછીની ખુશનુમા સવાર, સૂર્ય નો કેસરી ઉઘાડ, ભીની માટીની માદક ખુશ્બુ મનને વિચલિત કરતી હતી, હવામાં ઠંડક પ્રસરાયેલી હતી. કોઈ કોઈ ઘટાદાર વૃક્ષના પર્ણો વચ્ચેથી તડકાનું જાળીદાર પ્રતિબિંબ ધરતી પર પડી રહ્યું હતું. વૃક્ષોના ઝૂંડ પરથી વિહંગના મધુર ટહુકા ગળાઈ ચળાઈને વાતાવરણને રમાડી રહ્યાં હતા.કોકણવર્ણી તડકો સંગીતના સૂર રેલાવી રહ્યો હતો. આવા મદમસ્ત માહોલમાં બંને પહાડ ખૂંદવા નીકળી પડ્યાં.ઘડીક સપાટ રસ્તે ચાલતાં ચાલતાં, તો કયાંક પર્વતીય ચઢાણ ચઢતાં ચઢતાં ખાસા દૂર નીકળી ગયાં. આસપાસનું મનોરમ્ય દ્રશ્ય નિહાળીને તેમનું રોમરોમ પુલકિત થઈ ઊઠ્યું.
ઈશ્વરે જાણે પ્રકૃતિને ખોબલે ખોબલે લખલૂંટ સૌંદર્ય બક્ષ્યું હતું જે તેઓ મન ભરીને માણી રહ્યાં હતાં.
અહીંથી જમીન થોડી સમથળ હતી, થોડો મેદાની પ્રદેશ હતો,
ક્ષિતિજનું ધ્યાન નજીકમાં જ બંધાયેલી નાની નાની રાવટીઓના જૂથ તરફ ગયું,
'શું હશે ત્યાં ?'તેણે માનવને પ્રશ્ન કર્યો. ચાલ એ તરફ જઈને જોઈએ. તેમણે રાવટી નજીક જવા કદમ માંડયા. જોયું તો ગર્લ્સ કુસ્તી ટ્રેનિંગ નો કેમ્પ હતો, જ્યાં આસપાસના પ્રદેશની પહાડી કન્યાઓ કુસ્તીના દાવપેચની ટ્રેનિંગ લેતી હતી.
એમાં એક છોકરી અલગ પડી જતી હતી. મજબૂત હાડબાંધાની હતી. સ્ફૂર્તિપૂર્વક કુસ્તી ના દાવપેચ કરતી હતી, ક્ષિતિજ તેને નિહાળવામાં મગ્ન થઈ ગયો.
ટ્રેનિંગ પૂરી થઈ.. દૂરથી આવતી કેટલીક કન્યાઓ ત્યાંજ રહેતી હતી, બીજી પોતાના ઘરે જવા નીકળી. ક્ષિતિજે જોયું પેલી કન્યા ત્યાંથી નીકળી રહી છે..તેને મળવાની, વાત કરવાની ઈચ્છા થઈ, પણ એમ અચાનક સાવ અજાણી છોકરી સાથે કેમ કરીને વાત માંડવી ! તેની મીઠી મૂંઝવણ અનુભવી.
કાળે કરવું, ઈશ્વરે જ અનુકૂળતા રચી આપી, અજાણતાં જ ક્ષિતિજનો પગ લપસ્યો ને તે ખીણમાં લપસણી જગ્યાએ સરકવા લાગ્યો, .વચ્ચે એક ઝાડની કઠણ ડાળ આવી તેણે પકડી, .તેના આધારે અટકી ગયો. માનવ ગભરાઈને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. તેની બૂમો સાંભળી યુવતીનું ધ્યાન ત્યાં ગયું. કંઈક ગરબડ છે એવું લાગ્યું. તે દોડતી ત્યાં પહોંચી, ક્ષિતિજની જાન ખતરામાં છે એ તે ભાળી ગઈ. પાસેના ઝાડમાંથી એક મજબૂત વેલ તોડી તેણે ક્ષિતિજ તરફ ફેંકી ને કહ્યું, " બાબુજી, ઈસે પકડો, મેં આપકો ઉપર ખીંચ લૂંગી."
માનવ અને તે યુવતીના સહિયારા પ્રયાસથી વેલના આધારે ક્ષિતિજ હેમખેમ ઊગરી ગયો.
હાથ જોડી આભારવશ નજરે તે બોલ્યો, " આપકી વજહસે આજ મેં બચ ગયા, વરના ક્યાં માલૂમ મેરા ક્યાં હોતા ?"
યુવતી મંદ મંદ હસતી રહી, તેની સાથે નજર મિલાવી, એ પળમાં જ આંખથી વાત કહેવાઈ ગઈ. ક્ષિતિજ તો તેને તાકતોજ રહ્યો. યુવતીમાં રૂપ નીતરતું લાવણ્ય ખોબલે ખોબલે વેરાયું હતું.ઉઘડતો પહાડી ચહેરો, ગોરા રતૂંબડા ગાલ, અણિયાળી આંખો, રમતિયાળ હોઠ, આકર્ષક દેહયષ્ટિ, મોગરાની કળી જેવું હાસ્ય, ગળામાં જમણી બાજુ લીલી ઝાંય વાળુ છુંદણું, ..તેના અલ્લડ વ્યક્તિત્વને ઉજાગર કરતુ હતું.
આરસપહાણમાંથી કંડારેલી સૌમ્ય મૂર્તિ જેવી લાગતી હતી.ક્ષિતિજ સાથે નજર મળતાં જ શરમાઈને આંખોં ઢાળી દીધી.
તેની સખી સાદ પાડયો ને તે હરણીની જેમ દોડી ગઈ.
ક્ષિતિજ તો બેચેન થઈ ગયો. તેના મનોમસ્તિષ્ક પર તે યુવતીએ કબજો લઈ લીધો હતો. તેનું મન તેની પાસે દોડી જવા, તેના સાથે વાત કરવા આતુર હતું.
અનાયાસે બીજા દિવસે લટાર મારતા તે યુવતી મળી.અરસપરસ દ્રષ્ટોદ્રષ્ટિ મળી, કંઈ કેટલાય સ્પંદનો જાગી ઊઠ્યા.
ક્ષિતિજ આગળ વધ્યો. તેની સામે મંદ મંદ મલક્યો, પૂછયું, " આપ કા નામ ક્યાં હૈ ?"
યુવતી શરમાઈ ને બોલી, 'ગહુવા ', ..આપકા ?"
ક્ષિતિજ ઝૂમી ઊઠયો,
"આપકે જૈસા હી બહોત પ્યારા નામ હૈ." ક્ષિતિજે ઝટ દઈને ઉમેર્યુ, "મેરા નામ ક્ષિતિજ. "
પછી તો બંને મિત્રોનું રોકાણ અઠવાડિયા સુધી લંબાયું, તેઓ રોજ મળવા લાગ્યા. પરસ્પર માહિતીની આપ લે કરી, આત્મીયતા કેળવી, ક્ષિતિજે નોંધ્યું કે ગહુવા સ્વભાવની તેજતરૉર પણ ભીતરથી નરમ દિલની હતી. તેની કુસ્તી માટેની અનહદ લગન હતી, બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટવા લાગ્યા. જયારે પણ ક્ષિતિજની ગહુવા સમક્ષ ઉપસ્થિતી થતી તેના ચહેરા પર ખુશીની લાલિમા છવાઈ જતી.અઠવાડિયાના રોકાણ દરમિયાન આ પ્રેમીપંખીડાએ આખું મસૂરી હાથમાં હાથ પરોવીને ખૂંદી વળ્યું હતું હતું .એકમેક સાથે જીવવાના કૉલ પણ આપી દીધાં,
માનવ તો તેમના પ્રેમનો મૂક સાક્ષી બની હાંસિયામાં ધકેલાઈ ગયો હતો, પરંતુ ખુશ હતો,
વિયોગની ઘડીઓ આવી પહોંચી, દહેરાદૂન પરત જવાનો દિવસ આવ્યો. બન્નેના દિલ રડી રહ્યાં હતા.છૂટા પડતાં પહેલા ફરી પાછા મળવાનો વાયદો કરી ક્ષિતિજ અને માનવ હોસ્ટેલ પાછા ફર્યાં.
આ વાતની જાણ તેમના પરિવારજનોમાં થઈ. ક્ષિતિજનો પરિવાર મોર્ડન વિચારધારા માં માનતો હોવાથી બધા બહુ ખુશ થયા. ગહુવાના ઘરે થોડી આનાકાની પછી તેમના સંબંધને સંમતિની મહોર છાપી દીધી. ગહુવાના પિતાની નાદુરસ્ત તબિયત ને કારણે ઘડિયા લગ્ન થઈ ગયા.સાથે શરત પણ મૂકી કે બંને પોતાની મંઝિલ મેળવી લે પછી જ લગ્નજીવનની શરૂઆત કરશે.
ગહુવા એ પણ પરિવારજનોને કહ્યું , " મેરી ખ્વાહિશ હૈ કિ ઓલિમ્પિક ગેમ્સ મેં કુસ્તી મૈં ગોલ્ડ મેડલ જીતું. વો મેં જરૂર કરુંગી."
સાસુએ લાડથી કહ્યું, "તુમ અપની મંઝિલ જરૂર પાના."
આમ પરિણિત કપલ પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત થઈ ગયાં, તેમને કયાં ખબર હતી કે તેમના પ્રણયની કસોટી થવાની છે,
શહેર માં આવીને ગહુવાએ કુસ્તીની પરફેક્ટ ટ્રેનિંગ લીધી, ઓલિમ્પિક માં ગોલ્ડ મેડલ જીતવાની ઈચ્છા પરિપૂર્ણ થઈ.
કુસ્તીની ટ્રેનિંગની સાથે સાથે તે પરિવારના સંસ્કાર, રીતરિવાજ, ભાષા વગેરેને આત્મસાત કરી સુંદર તાલમેલ જાળળ્યો !
એક દિવસ સ્પર્ધાત્મક લેવલ પર રમાતા ખેલમાં જોરદાર ધક્કો લાગતા તે નીચે પછડાઈ. માથા માં ઈજા પહોંચી હોવાથી તે બેભાન થઈ ગઈ.
ડૉક્ટરોની સલાહ, હોસ્પિટલની રઝળપાટ ને અંતે એવું નિદાન થયું કે તેના મગજના ચેતાતંત્ર પર ઈજાને લીધે તે કોમામાં સરી ગઈ છે, .
ક્ષિતિજ સમાચાર મળતાં જ દોડી આવ્યો ને ગહુવાની હાલત જોઈ સ્વગત બબડયો, " શું હવે ગહુવા ક્યારેય ભાનમાં નહીં આવે ?" તે ગહેરા વિષાદમાં પડી ગયો.
મેડિકલના અંતિમ યર પછી તેણે મગજના અટપટા ખેલની તાસીર જાણવા ન્યુરોલોજીમાં એડમિશન લીધું.મગજના અભ્યાસને લગતા અનેક પુસ્તકોનો તેણે ઊંડો પ્રવાસ ખેડી નાખ્યો જેથી ગહુવાના કેસમાં તેને મદદરૂપ થઈ શકે.
દેશ વિદેશનાંન્યુરોલોજિસ્ટ સાથે ગહુવાના કેસની ચર્ચા કરી, પણ બધી જગ્યાએથી તેને નિરાશા સાંપડી.
આ કપરા સમય દરમિયાન પણ તેણે ગહુવાનો સાથ ન છોડ્યો. તેની સતત ચાર વર્ષથી કાળજી લેતો રહ્યો, તેના કેસની રજેરજ વાતની નોંધ રાખતો ને તેની સાથે શેર કરતો, ભલેને ગહુવા ન સાંભળતી, તેનું ભાવ વિશ્વ ગહુવાની આસપાસ વિચરતું રહેતું. તેને સાજી કરવાની વાત તેના મન પર કબજો જમાવી બેઠી હતી.
એક મેડિકલ કોન્ફરન્સમાં તેને જાણ થઈ કે સ્પેનિશ ડૉક્ટર રાફેલ કૉમા પેશન્ટનો ઓપરેશનથી ઈલાજ કરવામાં એક્સપર્ટ છે, ક્ષિતિજે ઈન્ટરનેટ થ્રુ ડૉ.રાફેલનો કોન્ટેક્ટ કર્યો. તેમની સાથે સતત કેસની ચર્ચા કરી તેના ઓપરેશન માટે વિનંતી કરી, ડૉક્ટરે કેસ હાથમાં લેવાની હા પાડી.
અંતે કયામતનો દિવસ આવી પહોંચ્યો. ડૉ. રાફેલે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું. ૧૨ કલાક પછી ગહુવા ભાનમાં આવી, ચાર વર્ષ સુધી કૉમામાં રહી પણ ઉંમરના પડ તેના શરીર પર ચડ્યા ન હતા, જાણે કાલે રાત્રે સૂતી હોય ને સવારે ઊંઘમાંથી ઊઠે એમ આળસ મરડી ઊઠી, તેના ચહેરા પર તાજગી તરવરતી હતી, તેણે ધીરે રહીને આંખના પોપચાં ઉપર કર્યાં. સામેજ ક્ષિતિજ હતો, તેણે હુંફાળુ સ્મિત કર્યુ ;પણ તેની નજરોમાં આત્મીયતાનો અભાવ હતો.
તેણે ક્ષિતિજને પૂછ્યું, બાબુજી "આપ યહાં?"
ક્ષિતિજને ઝાટકો લાગ્યો, તેના મનમાં ભયંકર વમળો ઊઠ્યાં
"ગહુવા કેમ આમ બોલી? મને કેમ પતિ તરીકે ના ઓળખ્યો. ? "
ડૉક્ટર ને કારણ પૂછ્યું. ડૉક્ટર એવા નિષ્કર્ષ પર આવ્યા કે તેને સ્મૃતિભ્રંશ થયેલ છે, તેને અમુક સમયગાળાની યાદદાસ્ત ચાલી ગઈ છે.
" તમારે થોડી ધીરજપૂર્વક તેની સાથે વર્તવું પડશે, અધીરાશનું પ્રદર્શન કરશો તો તેને વધુ તકલીફ થશે. સમયાંતરે તેને બધું યાદ આવી જશે." ડોક્ટરે સલાહ આપી.
"ગહુવાને તમે કુદરતના સાનિધ્યમાં લઈ જાઓ અથવા તેના લગ્નપુર્વે ના સ્થળે લઈ જઈને તેની યાદદાસ્ત પાછી લાવવાનો પ્રયાસ કરો તો કદાચ તે નોર્મલ થઈ શકે."
ક્ષિતિજના પપ્પા એ તેને મસૂરી લઈ જવાનું સૂચન કર્યુ. તેઓ ત્યાં જવા નીકળ્યા, .
જે ઋતુમાં તેમની ભૂતકાળમાં મુલાકાત થઈ હતી તે જ ઋતુમાં ફરી પાછા વર્તમાનમાં તે જ સ્થળે તેઓ આવી પહોંચ્યા.
વહેલી પરોઢે ટ્રેનિંગ કેમ્પ પર આવ્યા.
ઊગતા સૂર્યનું આછુંપાતળુ અજવાળું ફેલાઈ રહ્યું હતું. ગહુવાના દેહ પર સૂર્યના કોમળ કિરણો રમી રહ્યાં હતાં.તેનો સૌમ્ય ને શાંત ચહેરો ચમકી રહ્યો હતો, તે ક્ષિતિજ સાથે મિત્રની સંગાથે સહેલ કરતી હોય તેવું અનુભવતી હતી,
ક્ષિતિજના મનમાં ગડમથલ ચાલતી હતી કે આ તે કેવી વિડંબના! કે પોતાની જ પત્ની સાથે મિત્રતાનો વ્યવહાર કરવો પડે છે !!
એક પણ હરફ ઉચ્ચાર્યા વગર તે ધીરજ દાખવી તેની સાથે ચાલી રહ્યો હતો, એક જ આશા કે યાદદાસ્ત પાછી આવી જાય,
ગગન પણ જાણે તેની આશાને નીરખતું હોય તેમ રતુંબડુ થઈ તેના જીવનમાં ફરી પ્રકાશનું કિરણ ફેલાય તેવો સંદેશો આપતું હતું.
ઉપર તેજોમય રતાશી આભ ને નીચે હરિયાળી લીલીછમ ઘટાઓ વચ્ચે ગોઠડી કરતાં બંને ચાલી રહ્યાં હતાં, ઠંડા મીઠા વહેતા પવનની લહેરખીથી ગહુવાના ગાલ સાથે વાળની લટો રમતી હતી, વાતાવરણ રોમાંચક હતું.
અચાનક અજાણતાંજ ક્ષિતિજે આવેશમાં તેનો હાથ પકડી લીધો, ગહુવા સાથે અત્યાર સુધી દૂરી રાખનાર ક્ષિતિજ ભાન ભૂલી ગયો, હાથ પકડતાં જ ગહુવાએ આક્રોશમાં આવી, તેના સ્પર્શથી છાતીમાં શૂળ ભોંકાયું હોય તેમ ક્ષિતિજ ને જોરદાર હડસેલો માર્યો. ક્ષિતિજ નો પગ લપસ્યો તે ખીણ તરફ સરકવા લાગ્યો.
ઝાડની ડાળી હાથમાં આવી ગઈ ને નીચે પડતા અટકી ગયો,
ત્યાં જ ગહુવા પાસેની ઝાડીમાંથી વેલ ઉખેડી ને ફરી એજ રીતે ક્ષિતિજ ને બચાવે છે, ..તેના મગજના તંતુઓ ખેંચાણ અનુભવે છે. તેની નજર સમક્ષ કંઈક ધૂંધળુ દ્રશ્ય દેખાય છે, .ક્ષિતિજ તેને પાસેના પત્થર પર બેસાડે છે .ક્ષિતિજના ટેરવાનો સ્પર્શ ગહુવાના મસ્તકના ઊંડાણને તાગતાં હોય એવી અનુભૂતિ થાય છે, ધીરે ધીરે તેના ચેતાતંતુ જાગૃત થવા લાગ્યા. તેની આંખ સામે ડુંગળીના પડની જેમ તેમના પરિણય જીવનની ઘટમાળ ખૂલતી ગઈ. એક પછી એક દ્રશ્યો તેના મનચક્ષુ સમક્ષ ઉજાગર થઈ ગયાં.
આંખોમાં જોરદાર આંસુની ભરતીનાં ઉછળતાં મોજાં છલકાઈ ને ઊભરાવા લાગ્યા,
ગહુવાનું નાજુક મગજ યાદદાસ્તોનું પ્રચંડ ઘોડાપૂર ખમી ન શકવાથી બધિર મારી ગયું, એ ત્યાં જ બેહોશ થઈ ઢળી પડી, ક્ષિતિજ ના કાળજે કરવત ફરી વળી, દિલ થડકયું.
" ગહુવા ફરી પાછી કોમામાં તો નહીં સરી જાય ને ?"
પણ આ બેહોશી ક્ષણિક નીવડી. તેણે ગહુવાના ગાલ પર પ્રેમથી હાથ પસવાર્યો, તેણે આંખો ઉઘાડી ને સ્નેહ નીતરતી નજરે ક્ષિતિજને જોતી રહી, કંઈ પણ બોલ્યા વગર તેના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્નો અંકિત થવા લાગ્યા, ક્ષિતિજ પ્રણયભીનાં નયનોથી ઉત્તર આપતો રહ્યો.
તેણે પૂછ્યું, શા માટે ! શા માટે ! તે આટલા વર્ષ મારી માટે સખત તપસ્યા કરી."
તેના પ્રશ્નોની વણઝાર વહેતી રહી, .આ ઊભરાતા ધોધને રોકવાનું અશક્ય લાગતાં ક્ષિતિજે તેના હોઠ પર એક હળવું પ્રણયભીનું ચુંબન કરી તેને ચૂપ કરી દીધી, બંનેનું શરીર રોમેરોમ પુલકિત થઈ ગયું. પ્રેમની પરાકાષ્ઠાની આગોશમાં વિહરતું એકાકાર થઈ ગયું. તેઓ પ્રણયની કસોટીમાંથી પાર ઉતર્યા.
હવે તેમના જીવનના સૌંદર્યપથ પર પથરાયેલી વિસ્મૃતિની ઘટમાળ વિલિન થઈ ગઈ ને સ્નેહની લાલિમાની ચાદર પથરાઈ ચૂકી હતી,
આમ ક્ષિતિજે સાબિત કરી બતાવ્યું કે જિંદગીમાં પોતાના પ્રિય પાત્ર સાથે વિખૂટા પડવાની ઘડીઓ આવે તો ધીરજ દાખવી સમસ્યા હલ કરવાની કોશિશ કરવી જોઈએ, નહિ કે સંબંધને રસ્તે રઝળતો કરી દેવો.

