STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

આનંદી કાગડો

આનંદી કાગડો

2 mins
2.6K


એક હતો કાગડો.

કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે.

એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા :

લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ

લપસણું કરતાં શીખીએ છીએ

રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે?

રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.’

માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :

કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ

કુવામાં તરતાં શીખીએ છીએ

રાજા કહે : ‘હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ.’

પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :

કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ

કૂંણા કાન વીંધાવીએ છીએ

રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ. એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.

પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા :

કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ

કોયલના ટહુકા સાંભળીએ છીએ

પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે,

મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ

મીઠી ખીર ખાઈએ છીએ

રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો : ‘આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.’ છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :

હવે અમે આઝાદ છીએ ભાઈ

હવે અમે આઝાદ છીએ

અને કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં પેશી ગયો. જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહિ.


Rate this content
Log in

Similar gujarati story from Classics