Bharat M. Chaklashiya

Romance Inspirational Drama

0.8  

Bharat M. Chaklashiya

Romance Inspirational Drama

આઈ ડોન્ટ સ્પીક

આઈ ડોન્ટ સ્પીક

28 mins
858


  નિહાળીને તુજને રોજ નયનમાં નીર વહી જાય છે,

કહેતી નથી તું કંઈ જ પણ, ખામોશી તારી ઘણું કહી જાય છે !

   નિખાર પટેલ..એક વીસ વર્ષનો ફૂટડો અને ફાંકડો યુવાન ! પોણા છ ફૂટ ઊંચો, પતલી કમર અને પહોળો સીનો, લાંબા હાથ અને એવા જ લાંબા અને મજબૂત પગ. ઓપન શર્ટ નીચે લેટેસ્ટ સ્ટાઈલનું થિંગડા મારેલું અને ઢીંચણે ફાટી ગયું હોય એવું પેન્ટ એ પહેરતો. માથે વાળના ગુચ્છા જેવી હેર સ્ટાઇલ એના દેખાવને સડકછાપ બનાવતી. આજકાલ યુવાનોમાં ફેશન જ એવી આવેલી છે કે સંસ્કારી અને ખાનદાન ઘરના છોકરાઓ પણ બન્ને સાઈડથી વાળ સાવ કઢાવી નાખે અને માથા ઉપર છાપરા જેવા વાળ રાખે.

 નિખારનો નિખાર સાવ બેહાલ થઈ ગયેલો. એની મમ્મી જીવ બાળે પણ પપ્પાએ "જા જીવી લે જિંદગી" કહીને છૂટ આપી હતી. પૈસાની કોઈ તાણ નહોતી એટલે દુઃખ કોને કહેવાય એની નિખારનો જાણ નહોતી.

કોલેજ જવા માટે સાયકલથી માંડીને બુલેટ સહિત હાર્ડલી ડેવીડસન જેવી ધૂમ બાઇક એના બંગલાના પાર્કિંગમાં ચકાચક થઈને પડી રહેતી. મારુતિ અલ્ટો થી માંડીને ઓડી અને ફોર્ચ્યુનર ગાડીઓથી પાર્કિંગ લદાલદ રહેતું.


 હીરા ઉધોગના માંધાતા માધવ મારકણાનો સૌથી નાનો અને લાડકો દીકરો હોવાનું સદનસીબ એના ચરણોમાં આળોટતું હતું !!

 દરેક નબીરાને હોય એમ જ નિખારને પણ એના પૈસે મોજમજા કરવાવાળા દોસ્તોની તાણ નહોતી.

એપ્પલના લેટેસ્ટ વર્જનના મોબાઈલમાં ફેસબુકીયા અને ઇન્સ્ટાગ્રામીયા દોસ્તો નિખારની એક ઝલક ઉપર ઢગલાબંધ લાઈકના થમ્સઅપના પરપોટા છોડતા. સ્કુલિંગથી જ ફ્રેન્ડ બનેલી રંગ બેરંગી પતંગિયા જેવી ફૂલ ફટાકડીઓ નિખારની ગર્લફ્રેન્ડસ બનવા તલપાપડ રહેતી.અને વોટ્સએપ ચેટિંગમાં અવનવા ફોરવર્ડ મેસેજને ફોરવર્ડ કર્યા કરતી.

  નિખાર પણ ઓછો નટખટ ન્હોતો. પપ્પાએ કદી પૈસા ખૂટવા દીધા નહોતા પણ મમ્મીએ લૂંટવા દીધા નહોતા. પાઈએ પાઈનો અને આખા દિવસની મિનિટે મિનિટનો હિસાબ રોજ સાંજે એની મમ્મી લેતી. એના ત્રણેય લેટેસ્ટ ફોનના સ્ક્રીન પાસવર્ડ એની મમ્મીને આપવા પડતા. જે ફોન ખુલે નહિ એ ફોન જપ્ત થઈ જતો. મમ્મી આગળ પ્રાઇવેસી જેવું કંઈ જ ચાલતું નહી. કોઈ પણ છોકરી સાથે માત્ર નિર્દોષ મિત્રતા જ રાખવાનો એની કડક મમ્મીનો આદેશ હતો. અને કોઈ છોકરી જ્યારે ''ગમી" જાય ત્યારે સૌથી પહેલા માંને બતાવવાનું વચન પણ એની મમ્મીએ લીધું હતું. ઘરમાં એક કાચના ટુકડા જેવી ખૂબ રૂપાળી ભાભી પણ હતી જે એના આ રૂપકડા દેવરજીની ખાસમખાસ ફ્રેન્ડ હતી.


 આવો નિખાર ભણવામાં પણ નંબર વન હતો. લાડકોડ પર રાખવામાં આવેલી લગામ અને સુસંસ્કારોના પેગામ વડે એની જિંદગીના પથને એની મમ્મીએ કંડાર્યો હતો.

 કોલેજમાં મોજ અને મસ્તી કરવાની એને છૂટ હતી. દોસ્તો સાથે પિક્ચર જોવા, નાસ્તા કરવા, પીકનીક પર જવું અને લેટેસ્ટ ડિઝાઇનના કપડાં, ગોગલ્સ, રિસ્ટવોચ, શૂઝ વગેરેનું કોઈ માપ નહોતું.પણ દીકરો ક્યાંય થાપ ન ખાઈ જાય એનું ધ્યાન એની મમ્મી સતત રાખતી.

 કોલેજના પ્રથમ વર્ષમાં જ નિખાર પૂરેપૂરી રીતે નિખર્યો હતો. ક્લાસનો સી.આર. તો એ હતો જ.અને સેકન્ડયરમાં એ જી.એસ ની ચૂંટણી પણ લડવાનો હતો.

 કોલેજમાં પ્રોફેસરો એને પર્સનલી ન ઓળખે તો જ નવાઈ ! પ્રિન્સિપાલથી લઈને પટ્ટાવાળો ચતુર પણ નિખારને ઓળખતો.

એની સાથે ભણતી દરેક નવયોવનાઓએ એની સાથેની ફ્રેન્ડશિપને આગળ વધરવાની કોશિશ કરી જોઈ હતી. પણ અમુક લીમીટથી કોઈ આગળ જઈ શકી નહોતી. આઈ લાઈક યુ થી વાત આઈ લવ યુ સુધી કોઈ પહોંચાડી શક્યું નહોતું. કોલેજમાં આવતા ખરબચડા ચહેરાના માલિક ચંદુ અને અંધારામાં શોધવો પડે એવો ઉજાસ પણ એક એક ચારુ અને ઉર્વીને લઈને બાગમાં બેસતાં થઈ ગયા હોવા છતાં નિખારના દિલની હાથણી કોઈપણ છોકરી પર કળશ ઢોળતી નહોતી.


 એના મિત્રવર્તુળમાં હવે કોક કોક ક્યારેક દબાતા સ્વરે કહેતું કે આ નિખલો ક્યાંક નંબર સિક્સ તો નથીને !!

 એ સાંભળીને,એ દોસ્તોના પેટમાં પડેલો નિખારના પૈસાનો નાસ્તો પણ એ બધાને મજાકીયો આંનદ લૂંટી શકતા રોકી શકતો નહીં. અને આ તાળી મિત્રો એકબીજાને આંખ મારીને તાળીઓ મારતા.

 નિખારનું મન જીતવામાં નિષ્ફળ ગયેલી ચકુડીઓ વળી ટાપશી પણ પુરાવતી કે, "હં..કં.. અં.. મને તો એવું જ લાગે છે..મેં તો ડેટ પર જવાની'ય ઓફર મારેલી..પણ એ સાલ્લો કયાંય પટતો નથી.."

"એની ભાભી જોઈ છે તેં..? બહુ જ રૂપાળી છે..હું એકવાર એના ઘેર ગઈ'તી..'' એક ચકુડી બોલી.

"હમમમ તો તો...'' આગળનું વાક્ય વગર કહ્યે આ મિત્રવૃંદ સમજી જતું અને ફરી એકબીજાની તાળીઓ જીલાતી.

સેકન્ડ યર શરૂ થયું અને બીજા જ વિકમાં આ બધી ટિપ્પણીઓ અને છાનાખુણે થતી કાનાફુસીઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.


 એક નવું એડમિશન કલાસની પહેલી જ બેન્ચ પર બેઠું હતું. એના વાળ ચપ્પટ ઓળીને એણે લાંબો ચોટલો લીધો હતો જે છેક કમરની નીચે સુધી પહોંચ્યો હતો. એના ગોળ અને ગૌરવર્ણ ચહેરો એની લાંબી કોડી જેવી ચોખ્ખી ચણાક આંખોથી કંઈક અલગ લાગી રહ્યો હતો. એકદમ સાદો પણ ખૂબ મોંઘો પંજાબી ડ્રેસ એણે પહેર્યો હતો. કપાળમાં એક નાનકડી બિંદી આખા ચહેરાના ઓજસને જાણે કે દીપાવી રહી હતી. સપ્રમાણ નાકમાં એક નાનકડી વાળી એના લુકને આઉટલુક કરી મુકતી હતી. એના કાન, માથાથી થોડા દૂર રહીને ઉપરના ભાગમાં પહેરેલી સોનાની વાળીઓનો ભાર કદાચ ઉપાડી ન શકતા હોય એમ નમી પડ્યા હતા. કાનના વચ્ચેના ભાગમાં અને બુટ ઉપર જુના જમાનાની રજવાડી અને કલાત્મક બુટ્ટીઓ એણે પહેરી હતી. એના હોઠ લાલી કર્યા વગર પણ લાલ હતા અને ગાલ,વગર પાવડરે પણ લીસા અને ગુલાબી હતા. એની લાંબી ડોકમાં એકદમ પાતળો ચેન અને એ ચેનમાં પહેરેલું ગણેશજીનું પેન્ડલ ગમે તેનું ચેન હરી શકે તેમ હતા. એના ડાબા હાથમાં પહેરેલી સુંદર ઘડિયાળ અને જમણા હાથમાં પહેરેલું હાથીદાંતનું નકશીકામ કરેલું કડું, એના હાથોની શોભા પણ વધારતું હતું.પગમાં એને નાના ઝાંઝર અને મારવાડી મોજડી પહેરી હતી.(બસ ને હવે ?)

કલાસમાં સૌ પ્રથમ એ આવીને પહેલી જ બેન્ચમાં બેસી ગઈ હતી. કલાસની પ્રથમ બેન્ચમાં અમથું'ય કોઈ બેસતું નહોતું. ધીમે ધીમે બધા સ્ટુડન્ટ આવવા લાગ્યા. નિખારને હવે આ કોલેજમાં ગમતું નહોતું. આજે એ છેલ્લા દિવસ માટે આવ્યો હતો. કોઈને કહ્યા વગર જ એણે કોલેજ બદલવાનો નિર્ણય લઈ લીધો હતો.પોતાની પીઠ પાછળ, તાલી દોસ્તોની ટીખળના અને અણીદાર શંકાઓના ભાલાઓથી એ વીંધાઈ ગયો હતો.


 કોલેજમાં લાંબો ચોટલો લઈને પહેલી જ બેન્ચમાં બેઠેલી, જોયા જ કરવાનું મન થાય એવી એ છોકરીને જોઈને આખો કલાસ નવાઈથી ભરાઈ ગયો હતો. છોકરીના દેખાવથી એ ગામડામાંથી આવી હોય એમ સ્પષ્ટ લાગતું હતું. એ એકલી જ બેઠી હતી અને કોઈની સામે પણ જોતી નહોતી. જાણે કે આખા કલાસમાં એ એકલી જ બેઠી ના હોય !

 પ્રો.પ્રસાદ પોતાનું લેક્ચર લેવા કલાસમાં એન્ટર થયા એટલે બધા જ સ્ટુડન્ટ ઉભા થઈને ગુડમોર્નિંગ સર બોલ્યા. હમેંશા ખાલી રહેતી પ્રથમ બેંચમાં આજે એક ઊંચી અને રૂપાળી છોકરીને ઉભેલી જોઈને પ્રસાદ ''સીટ ડાઉન" નો સાદ પાડવાનું જાણે કે ભૂલી જ ગયા. એકીટશે પોતાને તાકી રહેલા સરને જોઈને એ છોકરી નીચું જોઈ ગઈ ત્યારે પ્રસાદને ''સીટ ડાઉન" બોલવાનું સાંભર્યું !!

 "ન્યુ એડમિશન..?" પ્રસાદે પેલા બુલબુલને બોલાવ્યું. જવાબમાં પેલીએ માત્ર હકારમાં ડોકું હલાવ્યું.

"યોર ગુડ નેઇમ પ્લીઝ.."કલાસમાં પિન ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું. પ્રસાદ સહિત આખો કલાસ આ રૂપકડા બુલબુલનું નામ સાંભળવા આતુર હતો..

 પ્રસાદને વીંધી નાખતી નજરે જોઈને છોકરી ઉભી થઇ. એની કોરી ધબ આંખો અને ભાવ વિહીન ચહેરાને જોઈને ઘડીભર પ્રોફેસર છળી મર્યા. હમણાં એ પોતાનું નામ બોલશે એ આશાએ આખો કલાસે કાન સરવા કર્યા.

પુરી એક મિનિટ વીતી ગઈ..એ છોકરીની આંખોમાં પ્રોફેસરને આગની જ્વાળાઓ દેખાઈ.


 "સીટ ડાઉન પ્લીઝ..ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ સે યોર નેમ..નો પ્રોબ્લેમ..!" પ્રસાદ નો સાદ,ઝીણો નાદ બની ગયો.

 એ લેક્ચર દરમ્યાન એક બે વાર પ્રો. પ્રસાદે એ છોકરી સામે જોયું. અને જોયું કે તરત જ અડધી મિનિટ માટે મગજ પર અંધારું છવાઈ ગયું. લેક્ચર ભુલાઈ ગયું. કોણ જાણે, કેમ એની આંખોમાં કશું જ નહોતું, કેમ એનો ચહેરો ભાવ વિહીન હતો..

 પ્રસાદને બીજા સ્ટુડન્ટને પૂછવાનું મન થયું કે તમને બધાને આ પહેલી બેન્ચમાં બેઠેલી છોકરી દેખાય તો છે ને ! કે પછી મને એકલાને જ...!

ભૂતપ્રેતની હોરર વાર્તાઓ એક બે વાર એમના વાંચવામાં આવી હતી !!

 કલાસમાં આવતા વેંત નિખારે એ છોકરીને પહેલી બેન્ચમાં બેઠેલી જોઈ હતી.એક પળ માટે એ છોકરીએ નિખારની આંખોમાં એની આંખો પરોવી હતી. માત્ર એક જ પળ.. એ પળે નિખારના પેટમાં અજીબ સંવેદન ઉઠ્યું..એનું દિલ એક થડકારો ચુકી ગયું હોય એમ એને લાગ્યું. એ પળે એ છોકરીના હોઠ સહેજ થરકયા હોવાનું નિખારના નયનમાં નોંધાયું. ભાવવિહીન ચહેરા પર,ભરબપોરે આકાશમાં એક વાદળ રચાઈને વીંખાઈ જાય એમ કોઈ અનેરો ભાવ જન્મીને તરત જ વિલાઈ ગયો..એક મેઘધનુષ્ય એ ચારેય આંખોની ક્ષિતિજોમાં પળવાર માટે રચાયું.પાનખરની ઋતુ ઘડીક વસંત બની અને કોઈક આમ્રકુંજમાં કોયલનો મીઠો ટહુકો ગુંજયો.એ ટહુકો નિખારને અને એ નવા એડમિશનને ચોખ્ખો સાંભળાયો !!

 એક પછી એક પ્રોફેસર આવ્યા અને ગયા.બધાએ પ્રથમ બેન્ચની પાનખરમાં બેઠેલી વસંતને જોઈને એનું ગુડનેઇમ પૂછ્યું.પણ એ કોરી ધાકોર આંખોએ દરેકને દઝાડયા. આ વિચિત્ર છોકરીએ રિસેસમાં પણ કોઈની "હાઈ..." નો જવાબ ન આપ્યો. અને જેવા લેક્ચર પુરા થયા કે તરત જ એ એનો થેલો લઈને ફટાફટ ચાલવા લાગી. કલાસના વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ત્યારે એ ક્યાં અલોપ થઈ ગઈ એની કોઈને સમજ ન પડી.


 બીજા દિવસે સૌથી પ્રથમ આવનારી છોકરીઓના ગ્રુપે એ છોકરીને પ્રથમ બેન્ચમાં બેઠેલી જોઈ.એ કોઈ બુક વાંચતી હતી. પણ બુકને ખાખી પુઠું ચડાવ્યું હોવાથી એ કઈ બુક છે એ કોઈ જાણી શક્યું નહીં. એક પછી એક સ્ટુડન્ટ પોતપોતાના ગ્રૂપમાં આવવા લાગ્યા.એ છોકરીએ કોઈની સામે માથું ઊંચું કરીને જોયું નહીં. પણ નિખારના કદમોની આહટ એ ઓળખી ગઈ હોય એમ, નિખાર કલાસમાં પ્રવેશ્યો ત્યારે એણે બુકમાંથી નજર ઉંચકીને નિખારની આંખોમાં આંખો પરોવી. માત્ર એક ક્ષણ પૂરતી બન્નેની નજરો ટકરાઈ અને શું નું શું જાણે કે થઈ ગયું. અજીબ સ્પન્દન નિખારના પેટમાં ગલીપચી કરવા લાગ્યું..દિલની ધડકન તેજ થઈ ગઈ અને દરિયામાંથી એક વિશાળ મોજું દોડતું આવીને કિનારે પડેલી રેતીને તાણી ગયું.


 આજે પ્રસાદ સહિત કોઈ પ્રોફેસરે ન્યુ એડમિશનનું નામ ન પૂછ્યું. પ્રસાદે તો એકપણ વાર એની સામું જોવાની હિંમત ન કરી.

પણ લન્ચ ટાઈમમાં બીજા પ્રોફેસરોને પૂછી તો લીધું જ કે સેકન્ડ યર બીકોમના કલાસ "એ" માં પહેલી બેન્ચ પર બેઠેલી "એ" તમે જોઈ ? થોડી વિચિત્ર લાગે છે નહીં ?

 અને બધાએ એની વાતને સમર્થન આપ્યું ત્યારે એને 'હાશ' થઈ.

 દિવસો સુધી આ સિલસિલો ચાલ્યો. છોકરી પળવાર માટે એક માત્ર નિખારને નિહાળે છે,એ વાતે કલાસના હવામાનમાં બદલાવ આણ્યો. પોતાના હાથમાં ન આવેલો નિખાર નામનો લાડવો આ નવી બલા ક્યાંક ઝૂંટવી જશે એવી દહેશત સુંદરી આલમમાં ફેલાઈ. કલાસ પૂરો થયા પછી તરત જ નાસી જતી અને ક્યાંક અલોપ થઈ જતી આ છોકરીનું રહસ્ય કોઈ સમજી શકતું નહોતું. એટલે હવે એ રહસ્ય ઉકેલવાનું એક નવું કામ કોલેજના સેકન્ડયરના વિદ્યાર્થીઓને સાંપડ્યું.


  એક દિવસ કલાસની છોકરીઓ વહેલી આવીને પહેલી બેન્ચમાં બેસી ગઈ. બે ચાર છોકરાઓ કોલેજના બન્ને ગેટ પાસે ગોઠવાઈ ગયા. આ દેવી ક્યાંથી આવે છે અને ક્યાં અલોપ થઈ જાય છે એ શોધી કાઢવામાં આવ્યું. કોલેજના સમય કરતાં પંદર મિનિટ વહેલી એક ઇનોવા ગાડી કોલેજના મેઈન ગેટ પાસે ઊભી રહી.એ ગાડીના તમામ કાચ એકદમ કાળા હતા,એ ગાડીમાંથી લાંબો ચોટલો ઝુલાવતી એ ઉતરી. કોઈની પણ સામે જોયા વગર એ સડસડાટ પોતાના વર્ગમાં ગઈ. આજે એની જગ્યાએ ત્રણ છોકરીઓ બેસી ગઈ હતી. ત્રણેયને એમ હતું કે આજે આ છોકરી કંઈક તો બોલશે જ..પોતાની દરરોજની જગ્યા માટે કદાચ ઝગડો પણ કરે..કદાચ પોતાનો પરિચય પણ આપે..

 પણ એવું કંઈ જ ન થયું. ઊંચી અને બ્લુ સલવાર કુરતામાં સજ્જ એ છોકરી કંઈપણ બોલ્યા વગર પાછળની બેન્ચમાં બેસી ગઈ.

"હાઈ...ઇ..ઇ..'' એક ચકુએ પરિચય કેળવવા પૂછ્યું.

''----------" ભાવવિહીન કોરી ધાકોર આંખોમાંથી એકધારું તાકી રહેવા સિવાય કોઈ ઉત્તર ન મળ્યો.

"હેલો આઈ એમ સુહાની..સુહાની સુતરિયા.." સુહાનીએ શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો.

પેલી અવાચક છોકરીએ સુહાનીના હાથમાં પોતાનો કોમળ હાથ મુક્યો. એની લાંબી આંગળીઓમાં પહેરેલી સુંદર રીંગોની એકદમ નવીન પ્રકારની ડિઝાઇન જોઈને સુહાનીએ પૂછ્યું, "અરે વાહ..આ રિંગ્સ તો બહુ જ મસ્ત છે..ક્યાંથી લીધી..?"

"માત્ર રિંગ્સ જ નહીં એરીંગ્સ પણ એન્ટિક છે..અને આ જો હાથીદાતનું કડું..ઓ..માં..કેટલું મોંઘું હોય આ તો.." બધી છોકરીઓ આજે પેલીને ઘેરી વળી.

"તારું નામ શું છે...ઓહ તારા વાળ તો જો..કેટલા લાંબા છે..છેક કમર નીચે સુધી..હેં.. તું કયું તેલ વાપરે છે..અને આ મોજડી તે ક્યાંથી લીધી..અરે એ..ઇ તું કેમ કઈ બોલતી નથી...મુંગી છો..?"

"મુંગી છો..?" એ સવાલથી પેલીની આંખોમાં એકાએક ચોમાસુ બેઠું..એની કોરિકટ્ટ આંખોમાંથી આંસુનો દરિયો છલકાયો.


હાથમાં રહેલા હેંકી વડે એણે એ આંસુને આવતા રોક્યા.અને ઉભી થઈને કલાસ બહાર નીકળી ગઈ.

બરાબર એ જ વખતે નિખાર લોબીમાં આવી રહયો હતો. એની મમ્મીને આપેલા વચન મુજબ કાલે રાત્રે જ એણે આ છોકરીનું વર્ણન કરીને, એને થતા ગલગલીયાની વાત મમ્મીને કરી હતી. આજ સુધી કોઈ પણ છોકરીને જોઈને આવું નહોતું થતું.

એની મમ્મીએ તરત જ કહ્યું હતું કે હા, હવે તારા દિલની ધરતી ઉપર ચોમાસુ બેઠું છે અને એ ચોમાસાના પહેલા વરસાદની હેલી થઈને એ છોકરી આવી પહોંચી છે,

એકવાર એને આપણા ઘેર લઈ આવ તો હું એને જોઈ લઈશ.


 રડમસ ચહેરે એનો લાંબો ચોટલો ઝુલાવતી એ વાદળી સામેથી આવી રહી હતી.નિખારે પોતાની નજરમાં એને સમાવી..અને છલકાતી ગાગરમાંથી પાણી છલકે એમ એના ચહેરા પર સ્મિત છલકયું.પણ પેલીએ એ સ્મિતની છાલક ઝીલી નહીં.આપણે કોઈને સ્માઈલ આપીએ એનો પ્રત્યુતર ન મળે તો ખૂબ માઠું લાગી જતું હોય છે..બસ નિખારને પણ એવું જ માઠું લાગ્યું.એટલે એને પેલીને અટકાવી...

"હાઈ.. આઈ એમ નિખાર,નિખાર

પટેલ..કેમ આજે કલાસ નથી ભરવા..?"

 રોજની જેમ જ એ ઘડીભર નિખારની આંખોમાં આંખ પરોવીને જોઈ રહી....જાણે કે એ આંખોથી નિખારને પી જવા ન માંગતી હોય !

પણ એની વાતનો જવાબ આપ્યા વગર જ થોડીવાર ઉભી રહીને ચાલવા લાગી. નિખાર એને જતી જોઈ રહ્યો. દસ ડગલાં જઈને એણે પાછું વળીને જોયું...અને નિખારના છલકાયેલા સ્મિતનો જવાબ આપ્યો સ્મિત ફરકાવીને !

નિખાર થીજી ગયો. ગજબનું એનું સ્માઈલ હતું. એના પગ આપોઆપ પાછા વળ્યા અને એ છોકરીની પાછળ પાછળ ચાલ્યા.

કલાસની છોકરીઓ કલાસના દરવાજામાં ઉભી હતી..નિખારને પેલીની પાછળ જતો જોઈને એ ટોળું પણ નિખારની પાછળ ચાલ્યું. કોલેજના દરવાજે બ્લેક કાચ વાળી બ્લેક ઇનોવા ગાડીનો પાછળનો દરવાજો ખુલીને એ છોકરીને ગળી ગયો.અને ઝાટકા સાથે ઇનોવા ગાડી ઉપડી.

નિખાર તે દિવસે એનું રેડ બુલેટ લઈને કોલેજ આવ્યો હતો. એણે પણ પાર્કિંગમાં જઈને બુલેટને સેલ માર્યો.(ઓટો સ્ટાર્ટ બુલેટ હતું ને !)

 કલાસની છોકરીઓનું ટોળું પાછું ફરી ગયું. આજ બધા જ પ્રોફેસરો પહેલી બેન્ચ ખાલી જોઈને નવાઈ પામ્યા.

** **


 વાર્તાની નાયિકાના નામ વગર હવે ક્યાં સુધી ચલાવશું ?

   એ રૂપાળી અને ઉંચી છોકરીનું નામ વાચા હતું. સુરતથી પચાસ કિલોમીટર દૂરના શ્યામપુરા ગામમાંથી એ કોલેજ આવતી હતી. એ ગામની એક હજાર એકર જમીન અને ભવ્ય હવેલીના માલિક,જાગીરદાર જોરુભાની એકની એક લાડકી દીકરી હતી.પાણી માંગે તો દૂધ એના માટે હાજર હતું.ખૂબ જ ચપળ અને સુંદર વાચાને સુમધુર ગળું પણ કુદરતી બક્ષીશ તરીકે મળ્યું હતું. સવારમાં દાદીમાની બાજુમાં બેસીને ભક્તિગીત એના નાનકડા ગળામાંથી રેલાતું ત્યારે હવેલીના નોકરચાકર સહિત ગામના લોકોના પગ એ ભજન સાંભળવા થંભી જતા.વાચાનો સુમધુર સ્વર, પછી તો લોકજીભની વાહવાહી પર સવાર થઈને આખા પંથકમાં પ્રસિદ્ધ થયો હતો.

  રૂપકડી અને વાચાળ વાચા સૌની લાડકી અને પરાણે વ્હાલી લાગે તેવી હતી.વાચા બારમું ભણીને તાલુકા કોલેજમાં ફર્સ્ટયર બીકોમમાં ભણતી હતી ત્યારે જોરુભાના દોસ્ત રવિરાજસિંહના એન્જીનીયર દીકરા પૃથ્વી સાથે એની સગાઈ કરવામાં આવી હતી. પૃથ્વી સાથે એ આ પૃથ્વી પરની સુંદર દુનિયામાં પગ માંડે એ પહેલાં એક ગોજારી ઘટના બની હતી. એક દિવસ વાડીમાં નાનકડા વાછડાને ઉપાડી જતા દીપડા પાછળ એ "ચારણકન્યા"ની જેમ લાકડી લઈને દોડી હતી (ઝવેરચંદ મેઘાણીની 'ચારણકન્યા' યાદ છે ને ?)અને એ વખતે દીપડાએ વાછડાને પડતો મૂકીને યુવાન અને સુંદર વાચા પર તરાપ મારી હતી. પણ એનો પંજો વાચાના શરીરને સ્પર્શે એ પહેલાં જોરુભાની બંધુકમાંથી નીકળેલી ગોળી એ દીપડાના કપાળમાં ધરબાઈ હતી.પણ દીપડાના પંજાનો એક ન્હોર વાચાના ગળા પર વીંજાયો હતો.પળવારમાં બેજાન થઈને પડેલા એ દીપડાની વિકરાળ આંખો અને હાથવેંત છેટું મોત જોઈને, વાચાના ગળામાંથી રાડ નીકળી ગઈ હતી. બસ, એ રાડ એનો છેલ્લો અવાજ હતો એના ગળામાંથી નીકલેળો એ અવાજ જોરુભાએ સાંભળ્યો હતો. એના ગળા પર થયેલો દીપડાના નખનો ઉજરડો સ્વરપેટી છેદતો ગયો હતો. જોરુભાએ પોતાના કાળજાના ટુકડાને બચાવી તો લીધો હતો પણ એ મધુર સુરે બજતી વીણાના તૂટેલા તારને ભલભલા ડોક્ટરો પણ સાંધી શક્યા નહોતા. અને વાચાળ વાચા, સાવ અવાચક બની ગઈ.


  આ ગોજારી ઘટના પછી એ હમેંશા ચૂપ થઈ ગઈ.એને કારણે એક બીજી ઉપાધી પણ આવી પડી હતી.

 વાચાની ભાવી સાસુએ આવી મુંગી વહુ લાવવાની ચોખ્ખી ના પાડીને સગપણ ફોક કરી નાખ્યું. આમ, દરિયાની શાંત સપાટી પર સડસડાટ દોડી જતી નૌકા એકાએક ડૂબવા લાગે તેમ વાચાની જિંદગીની નૌકામાં પણ પાણી ભરાયું હતું.


  બધું ભુલાવીને વાચાએ અભ્યાસનો રસ્તો લીધો હતો. અને સુરતની કોલેજમાં સેકન્ડ યરમાં એડમિશન લીધું હતું.પણ કોઈ એને મુંગી કહે એ એનાથી સહેવાતું નહોતું.

  જોરુભાને પણ પોતાના મસ મોટા કારોબારને કારણે અનેક દુષમનો હતા. વાચા ઉપરાંત એમને બે દીકરાઓ પણ હતા. એ બન્ને અમદાવાદ એન્જીનીયરીંગ કોલેજમાં ભણતા હતા. પોતાના ખતરનાક દુશ્મનોથી વાચાને સુરક્ષીત રાખવા એમની ઇનોવા દરરોજ વાચાને કોલેજ મુકવા આવતી. કોલેજનો સમય પૂરો થાય ત્યાં સુધી એ ગાડીમાં સાથે આવેલા જોરુભાના બે પઠ્ઠાઓ કોલેજની બહાર બેસતાં. કોઈપણ વ્યક્તિ ગાડીનો પીછો કરે અથવા કોલેજમાં વાચાને કોઈ હેરાન કરે કે કોઈ છોકરો એની છેડતી કરે તો એના હાથપગ ભાંગી નાખવાનો આ બે પઠ્ઠાઓને ઓર્ડર હતો. વાચાનું એ સુરક્ષા કવચ હતું.


     વાચાનું મીઠું મધ જેવું સ્મિત જીલીને એનું નામ પૂછવા એની પાછળ ચાલેલા નિખારે એને બ્લેક ઇનોવામાં બેસી જતી જોઈ. એ ક્યાંથી આવે છે એ જાણવાની એની આતુરતા, તાપણામાં ઘી નાંખતા થતા ભડકાની જેમ એકાએક ભડકી હતી. તરત એણે પોતાના રેડ બુલેટને સેલ મારીને પુરપાટ જતી ઇનોવા પાછળ લીધું હતું.શહેર વટાવીને એ ઇનોવા ગામડાના લોકલ હાઇવે પર ચડી ત્યારે એના ડ્રાઇવરે સાઈડ મીરરમાં ગાડી પાછળ રેડ બુલેટ લઈને આવતો ગોગલ્સધારી યુવાન જોયો હતો.

"કોઈ હીરો ગાડીનો પીછો કરે છે, વિહા..." ગાડીના ડ્રાઇવર ઈસાએ પોતાના જોડીદાર વિહાને કહ્યું.

ઇસો અને વિહો, જોરુભાના વરસો જુના, ખાસ વિશ્વાસુ માણસો હતા, વાચાને એ બન્ને પોતાની બહેન કરતા પણ વિશેષ માનતા હતા.

 "કુણ સે..? ગાડીને મીઠીકુઈના વળાંકમાં સાઈડમાં ઉભી રાખ, એટલે ખંખેરી લઈએ.." વિહાએ પાછળ ફરીને જોતા કહ્યું.

 એ સાંભળીને વાચાએ પણ પાછળના કાચમાંથી દૂર રસ્તા પર બુલેટ લઈને આવતા યુવાનને જોયો. પણ એ નિખારને ઓળખી શકી નહીં.

 થોડીવારે મીઠીકુઈના વળાંક પર ઇનોવા ઉભી રહી. નિખારે એ જોયું, એટલે એણે પણ બુલેટ ધીમું પાડ્યું. ઇસો અને વિહો ખૂબ જ ખંધા અને ચાલક બંદાઓ હતા. દુષમનની ચાલને એ લોકો ખૂબ સમજતા. પાછળ આવતું વાહન ખરેખર પાછળ આવે છે કે પીછો કરે છે એ બાબત,તરત જ પારખી લેતા. જોરુભાની દીકરીની તમામ જવાબદારી તેમના શિરે હતી. વાચાનું રૂપ જોઈને એની પાછળ આવી રહેલા છોકરાના હાથપગ આ સુમસામ સડક પર ભાંગી નાખવા એ એમના માટે થાળીમાં પાપડ ભાંગવા જેટલું સરળ હતું.


 વિહાએ સિટની નીચે પડેલી ડાંગ ખેંચી.અને રોડના કિનારે જામેલા તોતિંગ વડના થડની પાછળ લપાયો. ઇસો શાંતીથી ડ્રાઇવર સીટ પર બેસી રહ્યો.વાચા ગાડીનો કાચ ઉતરીને રોડ પર જોઈ રહી. વળાંકને કારણે પાછળ આવતા બુલેટનો અવાજ આવી રહ્યો હતો.પણ બુલેટ દેખાતું નહોતું. જેમ જેમ એ અવાજ નજીક આવતો ગયો તેમ તેમ ડાંગ પર વિહાના હાથની પકડ મજબૂત થતી ગઈ.અને વાચાના દિલની ધડકન તેજ થતી ગઈ. આ પહેલા પણ, વાચાને છેડવા બદલ ઘણાંના હાથપગ આ ઈસા અને વિહાએ ભાંગી નાખ્યા હતા.

 એકાએક વાચા ગાડીમાંથી દોડી. વળાંક વળીને,બુલેટ પર ગોગલ્સ પહેરીને આવી રહેલા નિખારને એણે ઓળખ્યો. વાચાને જોઈને જે સંવેદના, ગલીપચી નિખારને થતી હતી એ જ લાગણી વાચાને પણ થતી હતી..વાચા દોડીને વિહાને રોકે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. વાચાને ગાડીમાંથી ઉતરીને વિહા તરફ દોડતી જોઈને ઇસો પણ દોડ્યો હતો.વાચા બોલી શકતી હોત તો રાડ પાડીને એણે વિહાને રોક્યો હોત. વિહાએ નિખારનું બુલેટ પાસે આવ્યું ત્યારે એકાએક ઝાડ પાછળથી નીકળીને લાકડી વીંજી હતી. નિખાર કંઇ સમજે એ પહેલાં જ એની છાતી ઉપર લાકડીનો પ્રહાર થયો હતો.અને એનું બેલેન્સ બગડ્યું હતું અને બુલેટ પરથી એ ફંગોળાઈને રોડ પર પડ્યો.અને બુલેટ સીધું જ ઇનોવા તરફ ફંટાઈ ને ધડાકા સાથે ઇનોવા સાથે અથડાયું હતું. વાચા અને ઇસો પણ એ બુલેટને આવતું જોઈને સાઈડ પર ખસી ગયા.


નિખાર રોડ પર પડીને ઝડપથી ઉભો થયો હતો. પાછળ કોઈ વાહન આવતું હોત તો એ કચડાઈ જ ગયો હોત, પણ રસ્તો સુમસામ હતો અને વિહાએ એ તકનો જ લાભ લીધો હતો.

ડાંગ વીંજતો વિહો, ઉભા થયેલા નિખારને મારવા ધસ્યો હતો. ફરીથી એ લાકડીનો ઘા કરે એ પહેલાં જ નિખાર ઉભો થઇ ગયો.અને દોડીને વિહાના હાથમાં રહેલી એ ડાંગ પકડીને ખેંચી.અને સાથે જ વિહાના બે પગ વચ્ચે જોરથી લાત મારી. વિહાની રાડ ફાટી ગઈ, ડાંગ છોડીને બન્ને હાથ, બે પગ વચ્ચે દબાવીને બેસી પડ્યો. નિખારે એના વાંસા પર લાકડીનો ઘા કર્યો. એ જોઈને ઇસો દોડ્યો.એને આવતો જોઈને નિખારે એની તરફ ધસ્યો. ઇસો એ લાકડી પકડે એ પહેલાં જ નિખારે એના માથામાં લાકડીનો ઘા કર્યો.ઈસાની આંખે અંધારા આવી ગયા.એનું માથું પણ ફૂટ્યું. છતાં એને નિખારને કમરેથી પકડ્યો. નિખારે હાથની કોણી ઇસાના બરડામાં જોરથી મારી. ઇસો બેવડ વળીને નીચે પડ્યો. નિખારે દૂર હટીને ફરી એને મારવા ડાંગ ઉગામી. એ જ વખતે વાચાએ એનો હાથ પકડ્યો અને માથું નકારમાં હલાવ્યું.

"આ બેઉ તારા ભાઈ છે ? મને શું કામ મારવા માંગતા હતા ?" નિખારે વાચાને પૂછ્યું.એના ગુસ્સાનો પાર રહ્યો નહોતો. નિયમિત જીમમાં જઈને બનાવેલું સિક્સપેક બોડી આજ બરાબર કામમાં આવ્યું હતું.

ફરીવાર વાચાએ માથું ધુણાવ્યું. "તો કોણ છે..અને તું કોણ છો ? કેમ કાંઈ બોલતી નથી..મને મારવા માટે જ અહીંયા ઉભા હતા તમે લોકો ?"

"ભાઈ, અમને માફ કરો..અમે જોરુભાના માણસો છીએ..અને આ વાચાબેન એમના દીકરી છે, અમે એના બોડીગાર્ડ છીએ, કોઈ પણ માણસ વાચાબેનનો પીછો કરે તો એના હાથપગ ભાંગી નાખવાનો અમને હુકમ છે, પણ તમે અમારા માથાના નીકળ્યા.."

 ''જોરુભા ? કોણ જોરુભા ?"

નિખારે પૂછ્યું.


"જોરુભાને તું નો ઓળખે ભાઈ, પણ હવે જો તું આ વાચાબેન હારે કંઈ આડું અવળું કરતો નહીં, નકર અમે તને જીવતો નહી છોડીએ.."

વિહાએ કણસતા કણસતા કહ્યું.

નિખારને હસવું આવ્યું. "બે માંથી એકેયને ઉભા થવાનો તો વેંત નથી અને મને મારી નાખવાની વાત કરે છે.."કહીને એ હસી પડ્યો. વાચા પણ હસવા લાગી.પેલા બન્ને લાચાર થઈ નિખારને તાકી રહયા.

"ઠીક છે, હું તમારા જોરુભાને ઓળખવા નથી માંગતો. પણ આ છોકરીને ઓળખવા માંગતો હતો..

હું એની સાથે કોલેજમાં છું, ચાલો હું તમારી વ્યવસ્થા કરું છું.." એમ કહી નિખારે 108 ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી. અને વાચાને કહ્યું, "તમે મારી સાથે કોલેજ આવવા માંગતા હોવ તો ચાલો..કહેતા હોવ તો હું તમારા ગામ તમને છોડી જઉં..''

 વાચા નિખારને જોઈ રહી. હજુ નિખારને ખ્યાલ નહોતો કે વાચાને વાચા નથી.


નિખારે ઇનોવા પાસે પડેલું બુલેટ ઉભું કર્યું.એને પણ વિહાએ કરેલો લાકડીનો ઘા બરાબર વાગ્યો હતો. બુલેટને સેલ મારીને ચાલુ કર્યું અને વાચા તરફ જોયું..વાચા ગાડીમાં જઈને બેઠી હતી.વિહાએ એના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કોઈને ફોન કર્યો.અને ઇસો એનું માથું પકડીને બેઠો હતો..

"ભાઈ તું જા..જ્યાં જતો હોય ત્યાં, પણ ફરીવાર વાચાબેનનો પીછો કરતો નહીં..'' વિહાએ નિખારને કહ્યું.

 નિખાર એની સામે જોયા વગર ગાડીમાં બેઠેલી વાચા પાસે ગયો. એને જોઈ વાચાએ સ્મિત રેલાવ્યું. અને એક ચિઠ્ઠી આપી.નિખારે એ ચિઠ્ઠી લઈને ઝડપથી ખોલી..

"તું હવે અહીંથી જલ્દી જતો રહે..

વિહાએ મારા બાપુને ફોન કરી દીધો છે એટલે બીજા માણસો હમણાં આવી જશે..શક્ય હોય તો થોડા દિવસ કોલેજ આવતો નહીં

પ્લીઝ..મારું નામ તો તને ખબર જ છે..મારો મોબાઈલ નંબર 95860##### છે..વાચા.."

 "પણ હું કોઈથી ડરતો નથી...તું કેમ કાંઈ બોલતી નથી.."નિખારે વાચાની મુગ્ધ આંખોમાં જોઈને કહ્યું.

વાચાએ નિખાર પાસેથી ચિઠ્ઠી પાછી લઈને એમાં ફરી કંઈ લખ્યું.

  "આઈ કૅન્ટ સ્પીક."

એ વાક્ય વાંચીને નિખારને અજીબ સંવેદના થઈ. એના દિલમાં પ્રગટેલા પ્રેમના ઝરણામાં,કરુણાનું ઝરણું પણ વહેવા લાગ્યું. એણે એ પ્રેમ અને કરુણાભરી નજરે વાચા સામે જોયું.વાચાની આંખોમાં આંસુઓનું આવરણ છવાઈ રહ્યું હતું. બન્ને એકબીજાની આંખોમાં અનિમેષ તાકી રહ્યા. બન્નેના દિલો આંખોથી વાતો કરી રહ્યા. દિલની ધડકનો વધી ગઈ,પેટમાં કોઈ અજીબ સંવેદન છવાઈ જવા લાગ્યું, જાણે કે ચકડોળમાં બેઠા પછી ઉપરથી જ્યારે ચકડોળનું પાલખું નીચે આવે ત્યારે ઉઠતી અપાર ગલીપચી બન્નેના શરીર અનુભવી રહ્યા ! પોતે અવાચક હોવાથી, પોતાને ગમી ગયેલો આ છોકરો પોતાને સ્વીકારશે કે નહીં એ સવાલ વાચાના માનસપટ પર ઉભર્યો અને એની આંખોમાં જળ જળીયા આવી ગયા.એ જલજળીયું આંસુ બનીને એની આંખમાંથી છલકાયું. કહ્યા વગર પણ નિખાર, વાચાની એ વેદના સમજી ગયો. વાચાની વેદનાનું એ આંસુ એની આંખમાંથી છલકાઈને ગાલ પર દડી જવા લાગ્યું.


   નિખારે એ દડી રહેલા આંસુને પોતાની આંગળી પર ઝીલ્યું. અને બોલ્યો, "નો પ્રોબ્લેમ..વાચા..આઈ લવ યુ.."

એ સાંભળીને વાચાના ચહેરા પર છવાયેલો વિષાદ ઝાકળની જેમ ઉડી ગયો..વાચાએ પોતાનો હાથ લંબાવ્યો એને એ હાથને પકડીને નિખારે ચૂમી લીધો..

 વિહાને હવે થોડી કળ વળી હતી. ઇનોવા ગાડી પાસે બુલેટ ઉભું રાખીને વાચા સાથે અડપલાં કરી રહેલા બદમાશ છોકરાને પાઠ ભણાવવાનું જનુન એના પર સવાર થઈ ગયું..થોડીવાર પહેલા એ છોકરાએ પોતાને ધોયો હતો તેની દાઝ,અને જોરુભાની બીકથી એ ખૂબ અકળાયો હતો.એણે આસપાસ નજર ફેરવી.નિખારે ફેંકી દીધેલી લાકડી ઈસાથી થોડે દુર પડી હતી. નિખારે એના શુક્રપિંડ પર પાટું માર્યું હતું એની કળ એને વળી હતી. એ ઝડપથી ઉઠ્યો એને પેલી ડાંગ ઉઠાવી.


ઇસાનું માથું ફૂટી ગયું હતું અને એ દર્દથી કણસતો હતો. એણે રોડ પર માથું દબાવીને બેઠા બેઠા વાચાના હાથને ચૂમતા નિખારને, વિહાની જેમ જ જોયો હતો. વિહો એને અડપલું સમજ્યો હતો પણ ઇસો યુવાન હૈયાઓની ચેષ્ટા બરાબર સમજ્યો હતો. નિખારને મારવા જતાં વિહાનો એણે પગ પકડ્યો.

"રહેવા દે , વિહા..બન્ને બાજુ આગ લાગેલી છે..વાચા બહેન આ છોકરાને પસંદ કરે છે..."

  નિખારે એ સાંભળ્યું હતું.વાચાનો હાથ છોડીને ઝડપથી એણે પાછળ જોયું. ડાંગ લઈને આવતા વિહાને જોઈને એ હસ્યો.

"વિહા..હજી ધરાયો નથી..? તારી જેવા હજી બીજા બે હોય તો પણ પહોંચી વળું એવો છું, છાનોમાનો પેલાને ગાડીમાં નાખ..અને જો તું ગાડી ચલાવી શકતો હોય તો અહીંથી ચાલ્યા જાઓ...વાચાને ઘેર પહોંચાડો..અને આ ઘટનાની વાત ઘેર કોઈને કહેવાની જરૂર નથી...."


વાચાએ ફરીવાર નિખારને જતા રહેવા ઈશારો કર્યો.નિખારે બુલેટને યુ ટર્ન મારીને એક હાથથી વાચાને બાય કહ્યું.અને વાચાએ પણ હાથ હલાવીને એનો પ્રત્યુતર આપ્યો.

 અને દૂર જઈ રહેલા નિખારને એ દેખાતો બંધ થયો ત્યાં સુધી તાકી રહી..સાઈડ મીરરમાંથી નિખાર પણ એને જોઈ રહ્યો હતો..એક બે વાર એણે ડોક પાછળ ફેરવીને વાચાને જોઈ હતી..એ વખતે વાચા હાથ હલાવીને એને બાય કહી રહી હતી.

**  **  


મમ્મી અને ભાભી વાત સાંભળીને થીજી ગયા હતા. નિખારની પ્રેમ કહાની ભયાનક રંગ લાવી રહી હતી.પણ એની પ્રેમિકાને મેળવવા એક લડાઈ લડવી પડે એમ હતી..નિખારની મમ્મીને હવે ડર લાગી રહ્યો હતો.

 નિખારના પપ્પાએ જ્યારે આ વાત જાણી ત્યારે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. એક મુંગી અને એ પણ કોઈ માથાભારે માણસની છોકરીને દિલ દઈ બેઠેલા પોતાના લાડકા દીકરાને બોલાવીને એમણે આ સંબધનું પરિણામ કેવું આવશે એ કલાક સુધી સમજાવ્યું. બીજી જ્ઞાતિની અને મુંગી છોકરી તરફનું તારું આકર્ષણ છે, એ પ્રેમ ન કહેવાય અને હું આ સબંધની મંજૂરી ક્યારેય નહી આપું, એ લોકો પણ તને જમાઈ તરીકે નહીં સ્વીકારે..અને ખૂન ખરાબા કરવાવાળા લોકો સાથે હું સબંધ રાખવા માગતો નથી...વગેરે વગેરે..

 પણ નિખાર મક્કમ હતો.એની ચુપકીદી જોઈને મધવલાલ એનો નિર્ણય સમજી ચુક્યા હતા.એને ખબર જ હતી કે ગમે તેમ થાય પણ નિખાર એની જીદ મુકવાનો નથી. નાનપણથી જ એને જોઈતી વસ્તુ મેળવીને જ એ જપતો.એક માત્ર એની માં એને સમજાવી શકે એમ હતી.પણ એની માંએ જ એને પ્રેમ કરતા શીખવાડ્યું હતું અને આ નબીરો ન જવાની જગ્યાએ જઈને ભરાયો હતો !!

  પિતા ગુસ્સે થઈને ચાલ્યા ગયા. એક શબ્દ પણ નિખાર એના પપ્પા સામે ક્યારેય બોલતો નહીં. આજે પણ એ ખામોશ રહ્યો હતો.

રાત્રે મોબાઈલમાં વાચાનો મોબાઈલ નંબર સેવ કર્યો.પણ આ નંબર પર વોટ્સએપ બતાવતું નહોતું. એ સમજી ગયો કે આ નંબર વાચાનો વોટ્સએપ નંબર નથી. તેમ છતાં એને વોટ્સએપમાં એને સર્ચ કરી. વોટ્સએપ પર વાચાને ન જોઈને એ ખૂબ નિરાશ થયો. એણે ટેક્ટમેસેજ કર્યો "હાઈ"

 થોડીવારે એ નંબર પરથી ફોન આવ્યો..

"આ તારો પહેલો અને છેલ્લો મેસેજ હશે.. દીકરા.. હું જોરુભા બોલું છું, મારી દીકરીને પ્રેમ કરવાના સ્વપ્નાં જોવાનું છોડીને ભણવામાં ધ્યાન આપ. તેં મારા માણસોને એકલે હાથે માર્યા, તારી

એ બહાદુરી બદલ ધન્યવાદ.વાચા પણ કદાચ તને પસંદ કરતી હશે, પણ મને આ સંબધ માન્ય નથી..મેં એને સુરતની કોલેજમાં મોકલીને ભૂલ કરી...પણ હું એ ભૂલ સુધારી લઉં છું..અને તું પણ હવે નવી ભૂલ નહી કરે એવી આશા રાખું છું.." એકદમ પહાડી છતાં શાંત અને ઘેરો અવાજ કોઈ ઉંડી ગુફામાંથી આવી રહ્યો હોય એમ નિખારના કાનમાં ગુંજી રહ્યો. નિખાર કંઈ જવાબ આપે એ પહેલાં તો ફોન કટ થઈ ગયો. નિખારે તરત જ એ નંબર ડાયલ કર્યો. નંબર અનઅવેબલ થઈ ચૂક્યો હતો. નિખાર સમજી ચુક્યો હતો કે એ નંબરનું કાર્ડ મોબાઇલમાંથી નીકળી ચૂક્યું હતું. હવે વાચાનો સંપર્ક થઈ શકે તેમ નહોતો. એ આખી રાત નિખારે વાચાનો એ માસૂમ ચહેરો યાદ કરીને વિતાવી. કેટલી સુંદર અને માસૂમ હતી...વાચાએ આપેલી એ ચિઠ્ઠી વારંવાર એ વાંચતો રહ્યો...ચુમતો રહ્યો.એણે લંબાવેલા હાથ પર કરેલું ચુંબન એને યાદ આવી હતું..એની આંખોમાંથી દડેલા એ અશ્રુનું બિંદુ એણે આંગળી પર જીલ્યું હતું.એ આંગળી એણે પોતાના ગાલ પર ફેરવી..શુ કામ હું પ્રેમમાં પડ્યો ? શું કામ હું એની પાછળ ગયો..ઓહ ગોડ.. મને નહોતી જ આપવી તો શું કામ મને એની તરફ લાગણી જગાવી.


 અનેક વિચારો અને કલ્પનાઓમાં એ સરતો રહ્યો..ન જોયેલા એના ગામ જઈને, એનું ઘર શોધીને એના ઓરડામાં એ કલ્પનાના ઘોડા પર બેસીને પહોંચી ગયો. વાચાને બાહુપાશમાં જકડી લીધી.અનેક ચુંબનો અને પરસપરમાં સમાઇ જવાની કલ્પનાઓના રંગોમાં એ વિહરવા લાગ્યો. પછી એ જ બ્લેક ઇનોવામાં એ વાચાને લઈને ભાગ્યો. વિહા અને ઈસા જેવા પચાસ ગુંડાઓને પિક્ચરમાં ઢીબતા હીરોની માફક ઝૂડી નાખ્યા અને એની બહાદુરી જોઈને વાચા ના કાલ્પનિક પિતા ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાની બહાદુરી પર વારી ગયા. અને વાચાને હારી ગયા...વાચાનો હાથ પોતાના હાથમાં સોંપીને એમણે આશીર્વાદ આપ્યા. અને વાચાને લઈને એ ઘેર આવ્યો..

"બેટા..ઉઠ..કોલેજ જવું નથી.." હળવેથી માથા ઉપર હાથ ફેરવીને માં જગાડી રહી હતી. એ જાગીને માં ને વળગી પડ્યો. એની માં એ એના વાંસામાં હાથ ફેરવ્યો.

"બેટા, બધું આપણું ધાર્યું થતું નથી. છતાં હું તારા માટે કોશિશ કરીશ. તારા પપ્પાને સમજાવીને એ જોરુભા ના ઘેર આપણે તારું માગું નાખીશું.. હવે કોણ નાત જાત જુએ છે..તું કોલેજ જા..અને જો એ આવી હોય તો..એને આપણા ઘેર લઈ આવજે..''

"આઈ લવ યુ મોમ..."કહીને એ તૈયાર થયો.

 કોલેજના દરવાજે આજે પેલી બ્લેક ઇનોવા દેખાઈ નહીં. ગેટની આજુબાજુ એણે ચક્કર માર્યું.. નિખારને ફાળ પડી..ઝડપથી એ કલાસમાં ગયો..પહેલી બેંચ ખાલી જઈને એનું હૃદય ખાલીપાથી ભરાઈ ગયું. એની આંખો બહાવરી બની.

"તારી ગર્લફ્રેન્ડ આજે નથી આવી."

ચાંપલી સુહાનીએ કહ્યું.નિખારના દોસ્ત નિલે આવીને એને ઉદાસીનું કારણ પૂછ્યું.

હજુ લેક્ચર શરૂ થવાને વાર હતી.

નિખારે નિલને ગઈકાલે બનેલી ઘટના કહી સંભળાવી.નિલે પણ વાત ખૂબ ગંભીર હોવાનું કહ્યું પણ દોસ્ત તરીકે સાથ આપવાની વાત કરીને બધા જ દોસ્તોને નિખારનો પ્રેમ મેળવી આપવા મદદ કરવા તૈયાર કર્યા.

***


 નિખાર જ્યારે વાચા પાસે પોતાનું બુલેટ લઈને ઉભો હતો ત્યારે વિહાએ આ ઘટનાની જાણ જોરુભાને કરી હતી. એક કોલેજીયન છોકરાએ બુલેટ લઈને એમની ગાડીનો પીછો કર્યો અને એને મારવા જતા એ છોકરાએ પોતાના બન્ને માણસોને ઘાયલ કરી નાખ્યા. અને પોતાની દીકરીનો હાથ એ ચુમતો હતો. એનો અર્થ એ કે વાચાને પણ એ ગમતો હોવો જોઈએ. પોતાના કાળજાના એ ટુકડાને કોઈ ભોળવી જાય એ વિચાર માત્રથી એમના રુંવાડા ઉભા થઇ ગયા. વિહાને એમણે બેચાર ચોપડાવીને બીજી ગાડી મોકલી.પણ વિહાએ એ ગાડીની રાહ જોઈ નહોતી. માથા ફૂટેલા ઈસાને જ્યારે એ ગાડીમાં બેસાડી રહ્યો હતો ત્યારે જ એમ્બ્યુલન્સ આવી હતી.નિખારે આ બન્નેને ધોયા પછી 108 ડાયલ કર્યો હતો એટલે એ ગાડી આવી પહોંચી હતી.અને ઈસાની સારવાર કરીને પાટો બાંધી આપ્યો. વિહાને ખાલી મૂઢમાર પડ્યો હતો અને જે લાત નિખારે એને બે પગ વચ્ચે મારી હતી એને કારણે એને દુખાવો થતો હતો. 108ના ડોક્ટરે ઈસાને કહ્યું હતું કે જો સમયસર તમને સારવાર ન મળી હોત તો ઘણું બધું લોહી વહી જવાને કારણે તમારો જીવ જોખમમાં આવી જાત. એ સાંભળીને ઇસાએ એ છોકરાનો મનોમન આભાર માન્યો, "સાલો મારે પણ છે અને દવા પણ કરાવે છે..ગજબનો હતો..ખરેખર વાચા બેનને લાયક છોકરો છે.."

 જોરુભાના માણસોને વિહાની ઇનોવા સામી મળી હતી.ઘેર પહોંચીને વાચા દોડાદોડ પોતાના કમરામાં જતી રહી. અને જોરુભાએ વિહા અને ઈસાને નકામા હરામજાદાઓ કહીને ખખડાવી નાખ્યા હતા. પણ એ છોકરાને એકવાર જોઈ લેવાની ઈચ્છા પણ જાગી હતી.

વાચાનો મોબાઈલ એમને તરત જ મંગાવી લીધો હતો.અને એમના અંદાજ મુજબ જ એમાં રાત્રે 'હાઈ' નો મેસેજ આવ્યો હતો અને એમને એમના અમરીશપુરી જેવા અવાજમાં નિખારને સૂચના આપી દીધી હતી.અને વાચાને કોલેજ જવાની મનાઈ ફરમાવી દીધી હતી.

એ રાત્રે વાચા પણ ખૂબ રડી હતી. નિખારની મનોદશાથી જરાપણ જુદી એની દશા નહોતી. મોડેથી એની મમ્મી પણ આજની ઘટના જાણીને એની પાસે આવી હતી. પણ વાચાને ખોટી આશા પણ એ સન્નારી બંધાવી શકે તેમ નહોતા. એમના ખાનદાનમાં હજુ સુધી કોઈ છોકરીએ પ્રેમ લગ્ન ન્હોતા કર્યા.


 બીજા દિવસે જ્યારે પોતાની પ્રિય બ્લુ હાર્ડલી લઈને નિખાર કોલેજ આવ્યો ત્યારે એણે પેલી બ્લેક ઇનોવા જોવા માટે ગેટની બહાર ચક્કર લગાવ્યું હતું. ત્યારે વિહાએ રોડની સામે પાર્ક કરેલી વ્હાઈટ ફોર્ચ્યુનરમાંથી જોરુભાને નિખાર બતાવ્યો હતો.

 એ વખતે જોરુભાને એ છોકરો બડે બાપ કી બીગડી ઓલાદ જેવો છેલબટાઉ લાગ્યો. કારણ કે નિખારની હેરસ્ટાઇલ એને સડકછાપ ઇમેજ આપતી હતી. જોરુભા નવા જમાનાની ફેશનને સમજી શકે એવા ખુલ્લા દિલના શહેરી નહોતા. એમની ખાનદાની અને સંસ્કાર આવી હેરસ્ટાઇલ વાળા યુવકને નાપસંદ કરવા પ્રેરી રહ્યા હતા. એમણે એ ઘડીએ જ નિર્ણય લઈ લીધો.

કેટલીકવાર માત્ર જોઈને જ લેવામાં આવતા કે અમુક માન્યતા મુજબ જ કોઈના વિશે બાંધેલો અભિપ્રાય ખોટો હોઈ શકે, એ મુજબ જોરુભાએ નિખાર માટે ખોટો અભિપ્રાય બાંધ્યો.

  વાચા હવે જોરુભાના કિલ્લા જેવી હવેલીમાં કેદ હતી.જોરુભા પણ પોતાની અવાચક દીકરીનું સુજી ગયેલું મોં જોઈને દુઃખી દુઃખી થઈ ગયા.પણ સમાજમાં પોતાની બદનામી થાય એવું પગલું ભલે એ ક્રાંતિકારી ગણાતું હોય તો પણ એ ભરવા તૈયાર નહોતા.

વાચાની માં એ જ્યારે આ બાબતમાં વિચારવાનું કહ્યું ત્યારે એમને તૂટી જતા હૈયાને માંડ કાબુમાં રાખીને કહ્યું ..

"દીકરી તો નાદાન છે પણ હું ખાનદાન છું..વાચાની માં, હવે પછી આવી વાત ક્યારેય ઉચ્ચારીને મને નબળો પાડવાની કોશિશ કરતા નહીં.." વાચાની આંખો એ શબ્દો સાંભળીને છલકાઈ ગઈ.એ માંની સોડમાં લપાઈને હિબકે ચડી.જોરુભાને તે દિવસે ગળે કોળિયો ઉતર્યો નહી.

* * *


દિવસો સુધી વાચા કોલેજ આવી નહીં. નિખારનું દિલ ક્યાંય લાગતું નહોતું.વાચા ક્યાંથી કયા ગામથી આવતી હતી એ પણ એને ખબર નહોતી. મીઠીકૂઈ વાળા વળાંક પર જ્યાં એની પહેલી અને છેલ્લી મુલાકાત થઈ હતી ત્યાં એ રોજ જઈને બેસતો હતો. નિલ અને એના દોસ્તોએ મીઠીકુઈના વળાંકથી આગળ જેટલા ગામ હતા એ બધા જ ગામમાં જઈને જોરુભાની તપાસ આદરી.પાંચમા દિવસે જોરુભાનું ગામ અને વાચાની માહિતી એ લોકો લાવ્યા હતા.શ્યામપુરા ગામના ખૂબ મોટા જાગીરદાર હતા જોરુભા.અને ગામમાં ખૂબ મોટી એમની હવેલી હતી અને એ હવેલીના ત્રીજા માળે આવેલા જરૂખામાં ઝુલા પર ઝૂલતી વાચાનો ફોટો મોબાઈલમાં પાડી લાવવામાં આવ્યો.

નિખાર કૂદીને નિલના ગળે વળગ્યો. હવે ગમે તેમ કરીને વાચાને મોબાઈલ પહોંચાડવાનો હતો. એ કામ સુહાનીએ માથે લીધું. સુહાની મનોમન નિખારને ખૂબ જ પ્રેમ કરતી હતી.અને એટલે જ આ કામ કરવા તૈયાર થઈ હતી.

 ઘણા દિવસો સુધી કોલેજ પુરી કરીને "ઓપરેશન વાચા" પૂરું કરવા માટે નિખાર અને તેના દોસ્તોએ અભીયાન ઉપાડ્યું. હવેલી ઉપર વોચ ગોઠવવામાં આવી. શ્યામપુરાથી કોલેજમાં આવતા એક વિદ્યાર્થીને શોધી કાઢીને એને ફ્રેન્ડ બનાવવામાં આવ્યો.અને એ ફ્રેન્ડના ઘેર આ મંડળીએ ધામાં નાખવા શરૂ કર્યા.

પણ જોરુભાની હવેલીમાં ઘૂસવું અસંભવ હતું. ગેટ પર જે સિક્યુરિટી હતી એને ખાસ સૂચના આપવામાં આવી હતી કે વાચાની કોઈપણ બહેનપણી એને મળવા આવે તો સૌ પ્રથમ જોરુભાને જાણ કરવી..શ્યામપુરનો વતની તપનએ માહિતી લાવ્યો હતો.

 ઘણા દિવસો સુધી અલગ અલગ પ્લાન વિચારવામાં આવ્યા.એવામાં એક દિવસ હવેલીમાં ખૂબ જ ચહલપહલ જોવા મળી. તપન જે માહિતી લાવ્યો એ સાંભળીને બધાના મોં ઉપર નિરાશાની કાળી વાદળી છવાઈ ગઈ.

વાચાની સગાઈ કરી નાખવામાં આવી હતી.અને ટૂંક સમયમાં જ એના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. નિખારને હવે જો કંઈપણ કરવું હોય તો જલ્દી કરવું પડે અથવા એને ભૂલી જવું પડે એવી સ્થિતિ ઉભી થઇ હતી. સુહાનીએ હવે ગમે તેમ કરીને નિખારનો મોબાઈલ વાચાને પહોંચાડવાનું બીડું ઝડપ્યું. દરરોજ હવેલીમાં અમુક ફેરિયાઓને જવા દેવામાં આવતા.ગામમાં અમુક તમુક વસ્તુ વેચવા આવતી કેટલીક સ્ત્રીઓ પણ હવેલીમાં જઈ શકતી. સુહાનીએ સુરતથી અલગ અલગ જવેલરી લઈને એ જવેલરી વેચનારીનો વેશ લીધો. એના પતી તરીકે નિખારે ધોતિયું અને બંડી ચડાવ્યા.અને માથા પર લાલ કપડાનો ફટકો બાંધ્યો. કાળો કલર લઈને મોં પર ચોપડી દીધો અને વાળમાં સફેદ કલરની પીંછી ફેરવીને ચાલીસ વરસનો મજૂર બની સુહાની સાથે ચાલ્યો.સુહાની સાદ પાડતી પાડતી હવેલીવાળી શેરીમાં પહોંચી.

"સુરતની...જવેલરી..લો..બુટ્ટી.. લો..ચેન લો..પેન્ડલ લો....બંગડી લો...હાર લો...સુરતની જવેલરી આવી...ઇ..ઇ..ઇ.." એ સાદ સાંભળીને વાચાના કાન ચમક્યા..

ઝરૂખમાં આવીને એણે શેરીમાં જોયું.અને ઘરમાં દોડી. પળવારમાં હવેલીના ગેટ પર ફોનની ઘંટી વાગી. વાચાની નોકરાણીએ પેલી જવેલરી વેચવા વાળીને અંદર બોલાવી લાવવા ચોકીદારને હુકમ કર્યો. એ વખતે બપોરનો એક વાગ્યો હતો. જોરુભા અને વાચાની માં એમના રૂમમાં આરામ કરતા હતા.

 જવેલરીવાળી અને એનો ઘરવાળો બનેલા સુહાની અને નિખાર, જવેલરીની બેગ લઈને હવેલીમાં પ્રવેશ્યા. નોકરાણીએ નિખારને નીચે ઉભો રાખ્યો અને સુહાનીને વાચાના રૂમમાં લઈ ગઈ.

 સુહાનીએ દેહાતી બાઈની જેમ વાચાના રૂમમાં બેસીને જવેલરીની બેગ ખોલી. વાચા જવેલરી જોવાને બદલે સુહાનીને તાકી રહી.

"કેમ કાંઈ બોલતી નથી..મુંગી છો ?" વાચાના કાનમાં એ સવાલ ગુંજી રહ્યો.નોકરાણીને બહાર જવાનો ઈશારો કરીને વાચાએ સુહાનીનો હાથ પકડી લીધો. ખુલતા ગુલાબી ટીશર્ટ અને ફુલડાઓથી લચી પડતી વેલની ડિઝાઇનવાળા સફેદ લેઘાંમાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી..

 સુહાનીએ પણ વાચાના હાથ પર હાથ મૂકીને દબાવ્યો અને આંખ મારી. એ જોઈને વાચા સુહાનીને ભેટી પડી.

"તું મને ઓળખી ગઈ ?" સુહાનીએ પૂછ્યું. વાચાએ હકારમાં માથું ધુણાવ્યું.અને પ્રશ્નાર્થ દ્રષ્ટિએ સુહાનીને જોઈ રહી.એની નજરમાં રહેલો સવાલ સુહાનીએ પારખ્યો.

"નિખાર..નીચે ફળિયામાં ઉભો છે, મારો ઘરવાળો બનીને આવ્યો છે, પણ તારો ઘરવાળો બનવા માંગે છે.." સુહાનીએ ઉભા થઈને બારીમાંથી નિખારને બતાવ્યો.

વાચાના ચહેરા પર ખુશી અને ડર બન્ને એકસાથે ઉપસી આવ્યા.

"ઉપર બોલવું..?" સુહાનીએ પૂછ્યું


વાચા કંઈ જવાબ આપે એ પહેલાં જ ગેટ ખુલ્યો.અને પેલી બ્લેક ઇનોવા હવેલીના ચોગાનમાં આવીને ઉભી રહી. ઇસો અને વિહો બન્ને ગાડીમાંથી ઉતર્યા અને ડીકી ખોલીને કંઈક સમાન ઉતારવા લાગ્યા.એ જોઈને વાચાએ સુહાનીને ઝડપથી ચાલ્યા જવા ઈશારો કર્યો.સુહાનીએ બેગમાંથી મોબાઈલ અને ચાર્જર કાઢીને સુહાનીને આપતા કહ્યું, "નિખારનો મેસેજ આવશે.."

 ઈસાએ એક મજૂર જેવો માણસ હવેલીની ઓશરીની ધારે ઉભેલો જોયો. એને કંઈ પૂછે એ પહેલાં જ નકલી ઘરેણાં વેચવાવાળી બાઈને લઈને હવેલીની નોકરાણી કાંતા નીચે આવી. ઈસાને આ કાંતા ખૂબ ગમતી પણ કાંતા એને કોઠું આપતી નહીં.

"અલી એ'ય..ખરા બપોરે આ ફેરિયાને કેમ હવેલીમાં ઘુસાડ્યા છે ? " ઈસાએ કાંતાને ટપારી.

"હવે તું તારું કામ કર્યા કર ને ડોઢ ડાયો થયા વિના.." કહીને એ પેલા બન્નેને ગેટ બહાર મૂકી આવી.

"કાંતા અમારી હારે ક્યારેક બે મીઠા વેણ બોલશો તો તમારું કંઈ બગડી નહીં જાય.."ઈસાએ કહ્યું.

"તમારા જેવાનું નક્કી નહીં.. તમે બગાડી મેલો તો વાર'ય ન લાગે.."

મોઢું મચકોડતી એ ઉપર ચાલી ગઈ.


 તપનના ઘેર આનંદ છવાઈ ગયો હતો. નિખાર, નિલ અને સુહાનીએ એક કામ પાર પાડ્યું હતું.

નિખાર મેસેજ કરવા ઉતાવળો થયો હતો. વાચાને મોકલેલા મોબાઈલમાં મેસેજ કરવા વોટ્સએપ ખોલ્યું. એના આશ્ચર્ય વચ્ચે વાચાનો મેસેજ આવેલો હતો.

"ડિયર નિખાર...

હું તને ખૂબ ચાહું છું..પણ મારા ડેડીની વિરુદ્ધ જઈને, એમની ઈચ્છા ઉપરવટ જઈને અને એમની ઈજ્જત ધૂળમાં મેળવીને હું મારું સુખ મેળવવા ઇચ્છતી નથી. મારા ડેડી મને ખુબ ચાહે છે, હું પણ એમને ખૂબ જ ચાહું છું..અમારા સમાજમાં એમનું માથું હું ગૌરવથી ઊંચું ન કરી શકું તો કંઈ નહીં પણ એમનું માથું શરમથી ઝૂકી જાય એવું પગલું ભરવા કરતા હું મરવાનું પસંદ કરીશ.પણ એમને દુઃખી કરીને, એમના નિસાસા અને આંસુઓથી બનેલી ઈંટોથી હું મારા સ્વપ્નનો મહેલ ચણવા માંગતી નથી. તું પણ તારા મમ્મી ડેડીનો વ્હાલસોયો દીકરો જ હોઈશ.મારા ડેડી ખૂબ જ ખતરનાક પણ છે..તું મારા ગામમાંથી ચાલ્યો જા.. નહિતર કદાચ તું ઝડપાઇ જઈશ તો ન થવાનું થઈ જશે..અને પછી હું કેમ જીવીશ..? નસીબમાં હશે તો જીવનની આ સફરમાં ક્યાંક કોઈ ચોરાહે અલપ જલપ મળી જશું..આઈ લવ યુ સો મચ નિખાર. અને તું પણ મને ખૂબ જ ચાહે છે એ હું જાણું છું..અને એટલે જ દેહાતી બનીને મારા ઘર સુધી આવી પહોંચ્યો..હું હા કહીશ તો તું મને જાનના જોખમે પણ ભગાવી જઈશ. પણ હું એમ ભાગીને પરણવા નથી માંગતી.. એટલે તું પણ મારી વાત માનીને ચાલ્યો જા..

 છોડ દે..સારી દુનિયા કિસી કે લીએ..યે મુમકીન નહિ આદમી કે લીએ.. પ્યાર સે ભી જરૂરી કંઈ કામ હે..પ્યાર સબકુછ નહીં હે જિંદગી કે લીએ...

                 તારી અવાચક વાચા.

અને પ્લીઝ હવે આ આગમાં તારા પ્રેમનું ઘી હોમીને મને વધુ ન દઝાડતો..હું નથી ઇચ્છતી કે તને કોઈ નુકશાન થાય.. સો ડોન્ટ રીપ્લાય મી

  મેસેજ વાંચીને નિખાર સાવ નિરાશ થઈ ગયો.

''કેટલી ડરપોક છે, આ છોકરી..

પ્યાર કિયા તો ડરના કયા..." સુહાનીએ કહ્યું.


 ઘણીવાર સુધી તપનની રૂમમાં નિ:શબ્દતા છવાઈ ગઈ. આખરે નીખાર બોલ્યો, "સુહાની, તું કહે છે એ માત્ર ફિલ્મોમાં જ શક્ય છે...વાસ્તવિકતા કંઈક ઓર જ હોય છે...વાચાને મન એના ડેડી પ્રથમ છે..એમણે એને લાડકોડથી ઉછેરીને મોટી કરી છે.અમારે છોકરાઓને શું ? બાપા પણ કહી દેશે કે એને ગમતી હતી એટલે ઉપાડી લાવ્યો..કેટલાક તો એમાં ગર્વ લેશે..પણ જેની દીકરી ભાગી હોય એ માં અને બાપની વેદના કોણ સમજે છે..મારા કાકાની છોકરી..મારી બહેન..અમી..ભાગી ગઈ હતી..એ વખતે અમારી ઉપર જે વીતી હતી એ મને યાદ છે..મારા પપ્પા પણ માથું ઊંચું કરીને ચાલી શકતા નહોતા.ઘેર ઘેર આવું બનતું હોવા છતાં લોકો આંગળી ચીંધ્યા વગર નથી રહી શકતા..મને ગર્વ છે વાચા ઉપર..મેં એવી વ્યક્તિને પ્રેમ કર્યો છે જે એક સાચી બેટી છે..જે છોકરીઓ માં અને બાપના ઊંચામાં ઊંચા પ્રેમને ઠુકરાવીને કોઈ બે ચાર મહિનાના પરિચિત પ્રત્યે ખેંચાઈને નાસી જાય એવી છોકરીઓને હું નફરત કરું છું.."

"શાબાશ...દોસ્ત...શાબાશ..અમને પણ તારી ઉપર ગર્વ છે..ચાલ..હવે વાચાની સુખી જિંદગી માટે એને ગુડ લકનો મેસેજ મોકલી દે..પછી આપણે સુરત ભેગા થઈએ.."નિલ અને તપને નિખારની પીઠ થાબડી. અને સુહાનીએ ઘડીભર માટે પોતાના પતિ બનેલા નિખારના કાળામેશ ગાલ પર ચુંબન કરી લીધું.


Rate this content
Log in

Similar gujarati story from Romance