Sheetal Maru

Action Classics Thriller

4  

Sheetal Maru

Action Classics Thriller

આગે ભી જાને ના તુ - 1

આગે ભી જાને ના તુ - 1

5 mins
253


એક તરફ સુરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે, તો બીજી બાજુ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. તારલાઓએ પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી છે. ઢળતી સંધ્યાની લાલિમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા છે. એવું લાગે છે કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપેરી તારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંક્યા છે. 

રતુ ભા ઊર્ફે રતન રાજપૂત અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા છે. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડા વળે તંબુ બાંધી ને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા છે. ઊંટને ચારો-પાણી આપી રતન અને રાજીવ સાથે લાવેલા રેડી ટુ ઈટના પેકેટ સાથે લાવેલા પોર્ટેબલ સોલાર પેનલથી ચાલતા નાનકડા ગેસ સ્ટવ પર લાવેલી તપેલીમાં પાણી ગરમ કરી એમાં પેકેટનો પદાર્થ મિક્સ કરી સૂપ અને મિક્સડ વેજીટેબલ રાઈસ ખાઈ પાણી પી ને વાતે વળગ્યા છે. દૂર દૂર સુધી ચમકતી રેતી અને નિરવ શાંતિ સિવાય કાંઈ નજરે નથી ચડતું. 

"રતન, છેલ્લા ત્રણ દિવસથી આપણે રણમાં ભટકીએ છીએ. મંઝીલે પહોંચવાની તો દૂરની વાત છે, હજી રસ્તાની પણ ખબર નથી." રાજીવે શરીર લંબાવતા કહ્યું, " ઘર-પરિવારથી દૂર આપણે અહીં આવ્યા તો છીએ પણ આપણા મકસદમાં કામયાબ થશું કે નહીં એની પણ ખબર નથી અને અહીંતો મોબાઈલનું નેટવર્ક પણ નથી, નથી લોકેશનની ખબર, ઘરે બધા ચિંતિત હશે."

"રાજીવ, દોસ્ત, ફિકર નોટ, આપણે મંઝીલે જરૂર પહોંચશું, જબ હોસલા હૈ બુલંદ તો મંઝીલ ભી દૂર નહીં" રતને પણ લંબાવતા કહ્યું. "હવે સુઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે."

રતન અને રાજીવ રણની સફરે આગળ વધે ત્યાં સુધી આપણે જઈએ એમના ભૂતકાળની સફરે....

***

રતન અને રાજીવ બંને કોલેજના સાથી, રતન એ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલા રાજપરાના જાગીરદાર જોરાવરસિંહ રાજપૂત અને કનકબાનો સૌથી નાનો પુત્ર. મોટો પુત્ર શક્તિસિંહ આર્મીમાં ફરજ બજાવતો તો વચલો દીકરો પ્રતાપસિંહ શહેરમાં સરકારી નોકરી કરતો હતો અને સૌથી નાનો રતન ગામમાં જ બાપીકા ધંધા એટલે કે જાગીરદારીમાં પિતાને મદદ કરતો હતો. પચીસ વર્ષનો રતન ગોરો વાન, છ ફૂટની હાઈટ, મજબૂત બાંધો, વાંકડિયા વાળ, બ્રાઉન આંખોમાં તેજ અને રાજપૂતની ખુમારી ધરાવતો જુવાન હતો, એ કોઈ ફિલ્મી હીરોથી કમ નહોતો, બસ વાતવાતમાં ગુસ્સે થવાની એની ટેવ હતી. રતનના લગ્ન બાજુના ગામ કેશવપુરના જાગીરદાર, નટવરસિંહ જાડેજાની દીકરી માયા સાથે થયા હતા. માયા પણ દેખાવે સુંદર અને સુશીલ કન્યા હતી.

જ્યારે રાજીવ પારેખ વડોદરા શહેરના જર ઝવેરાતના નામાંકિત વેપારી અનંતરાય પારેખ અને સુજાતા પારેખનો દીકરો. એમની એક દીકરી પણ હતી, રોશની, જે પરણીને પૂના એના સાસરે રહેતી હતી. રોશનીના સસરા શરદ શાહ પૂનાના ખ્યાતનામ બિઝનેસમેન હતા અને સાસુ ગોપી શાહ હાઉસવાઈફ અને રોશનીનો પતિ મનીષ પિતા સાથે બિઝનેસમાં જોડાયેલો હતો. અનંતરાય પારેખનો ખાનદાની બિઝનેસ હતો. વર્ષોથી બાપ-દાદા ઝવેરાતના પારખી હતા. રાજીવ પણ ચોવીસ વર્ષનો, પોણા છ ફૂટ હાઈટ અને મધ્યમ બાંધો ધરાવતો આકર્ષક પુરુષ હતો. ઘઉંવર્ણી કાયા અને ચમકદાર આંખો દરેકને એની તરફ ખેંચતી હતી. રાજીવ માટે કન્યા શોધવાનું કાર્ય ચાલુ હતું.

રાજીવ અને રતન કોલેજમાં સાથે ભણતાં હતાં ત્યારથી બંનેની દોસ્તી ગાઢ બની હતી. બંનેનો સ્વભાવ વિરોધાભાસી હતો, રતન જોશીલો અને હાઈ ટેમ્પર્ડ યુવાન હતો તો રાજીવ ઠરેલ, શાંત અને હસમુખો પણ બંનેના એકસરખા એડવેન્ચર સ્પોર્ટસના શોખના કારણે બંનેની જોડી જામી હતી. કોલેજમાં યોજાયેલ એક બાઇક રેસમાં બંનેની ઓળખાણ થઈ હતી ત્યારથી બંને જીગરજાન દોસ્ત બની ગયા હતા. રતન કોલેજના સેકન્ડ યરમાં હતો જ્યારે રાજીવ ફર્સ્ટ યરમાં. બંને કોલેજ સિવાયના સમયમાં લગભગ સાથે જ રહેતા. રતન ગામડેથી અહીં ભણવા માટે આવ્યો હતો અને રાજીવ તો આ શહેરનો જ હતો. 

કોલેજ પછી રતન પિતા જોડે જાગીરદારીના વહીવટમાં જોડાઈ ગયો અને રાજીવ આગળ અભ્યાસ કરવા યુ.કે. જતો રહ્યો. ત્યાંથી જવેલરી ડિઝાઇન સાથે એમબીએની ડિગ્રી મેળવી ભારત પાછો આવી, અનંતરાય સાથે કારભારમાં જોડાઈ ગયો પણ રાજીવ અને રતનની દોસ્તીમાં ક્યારેય અંતરનું અંતર નહોતું આવ્યું ઉલટું સંબંધ વધુ પ્રગાઢ બન્યો હતો. સમયના પરિવર્તનરૂપ બંને સોશિઅલ મિડિયાના ઉપયોગથી જોડાયેલા રહેતા. 

***

લગભગ છ મહિના પહેલાં.....

"પપ્પા, શું થયું છે, કેમ આટલા ટેન્સ્ડ લાગો છો ?" રાજીવે એક સવારે બંગલાની લૉનમાં ઢાળેલી ખુરશીમાં બેસું છાપું વાંચી રહેલા અનંતરાયને પૂછ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું કે તમે ચિંતિત દેખાઓ છો, એની પ્રોબ્લેમ ?"

"ના દીકરા, કાંઈ નથી. આ તો જરા કામના બોજને લીધે તને એવું લાગે છે, ઓલ ઇઝ વેલ" અનંતરાયે પ્રત્યુત્તર આપતા કહ્યું. 

"પપ્પા જરૂર મારાથી કાંઈક છુપાવે છે," રાજીવ મનોમન બોલ્યો. "મમ્મીને પૂછી જોઈશ," વિચારતા રાજીવ એમના બે માળના બંગલામાંથી બહાર નીકળ્યો, ગાડી કાઢી ઓફિસ તરફ હંકારી ગયો. 

***

અનંતરાયની ઓફિસ શહેરના એમ. જી. રોડ પર આવેલા ક્લાસિક શોપિંગ મોલમાં પાંચમા માળે આવેલી હતી. ઓફિસમાં રીસેપ્શનિસ્ટ તરીકે મદ્રાસી યુવતી, મિસ જેની ઐયર કાર્યરત હતી તો મેનેજર તરીકે મિ. દિપક જાની, એકાઉન્ટન્ટ મિ. પ્રતીક દલાલ, પ્યુન રામલાલ અને કલેરિકલ વર્ક માટે મિ. અભિજીત દેસાઈ તથા મિ. અઝીઝ એહમદ કામ કરતા હતા. શહેરની મોટી મોટી હસ્તીઓ અનંતરાય પાસેથી જ હીરા, માણેક, રત્નો કે પુરાતન સ્ટાઇલના દાગીના લેવાનો આગ્રહ રાખતી. અનંતરાયનું ઝવેરાતનું કલેક્શન ખૂબ જ અનોખું રહેતું, પ્રાચીન રાજા-રજવાડાના દાગીનાની અવનવી ડિઝાઇન એમના સિવાય બીજે ક્યાંય ન મળતી. અનંતરાય પોતે પણ એક પ્રામાણિક ઇન્સાન હતા. એમની ઓફિસ સાથે જ એક રૂમ જોડાયેલો હતો, જેમાં એક મોટા તિજોરીમાં એમના ઓર્ડરના ઘરેણાં મુકવામાં આવતા અને બીજા ઘરેણાં એમના બંગલામાં આવેલા એમના સ્ટડીરૂમમાં આવેલી તિજોરીમાં રહેતા. 

***

રાજપરમાં રતન રતુભાના નામે જાણીતો હતો. રતન ગામના નાના મોટા દરેકને જોઈતી મદદ કરતો. એ હંમેશા એની પ્રિય ઘોડી રાણી સાથે જ જોવા મળતો. રતનને ઘોડેસવારી અને બાઇકિંગનો ગાંડો શોખ હતો. ગામની બહાર જવા એ પોતાની બુલેટ મોટરસાઇકલ વાપરતો. જોરાવરસિંહના જમણા હાથસમો હતો રતન. રાજપર અને આજુબાજુના બીજા ગામોમાં પણ જોરાવરસિંહ અને રતનની ધાક વરતાતી. 

***

આજે બપોરથી જ અનંતરાય બેચેન હતા. પોતાના સ્ટડીરૂમમાં આમતેમ આંટા મારી રહ્યા હતા. એમની બેચેની રાજીવથી છુપી ના રહી, હવે શું કરવું એ વિચારમાં ને વિચારમાં એ ગડથોલું ખાઈ પડતાં પડતાં રહી ગયા. પાછા વળી એમણે એમના ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને એમાંથી એક કવર કાઢી આર્મચેરમાં બેઠા. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં પણ સવારે પોસ્ટમેને આપેલું એમના નામનું કવર ખોલી એમાંનો કાગળ કાઢી જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ એમના કપાળે પરસેવો રેલાતો ગયો. આંખો પહોળી થઇ ગઇ. આટલાં વર્ષો પછી પણ એ જ હસ્તાક્ષર, કવર પર એ જ મહોર. કાગળ પાછો કવરમાં મૂકી, કવર ડ્રોઅરમાં મૂકી, ડ્રોઅરને લોક કરી અનંતરાય સ્ટડીરૂમમાંથી બહાર જવા નીકળ્યા ત્યાં દરવાજામાં એમની ફેમિલી મેમ્બર જેવી નોકરાણી જમનાને જોઈ ચોંકી ગયા."સાહેબ, બેન આપને નીચે બોલાવે છે, રોશનીદીદીના સાસરિયા આવ્યા છે," એટલું કહી જમના ત્યાંથી ગઈ. અનંતરાય સ્ટડીરૂમ લોક કરી સ્વસ્થ થવાની કોશિશ કરતાં મનોમન રોશનીના સાસરિયાનું આમ અચાનક પૂનાથી વડોદરાના આગમનનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યા હતાં.

વધુ આવતા રવિવારે... (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Action