Sheetal Maru

Others

3  

Sheetal Maru

Others

જીત

જીત

3 mins
231


આજે યુદ્ધનો પાંચમો દિવસ હતો. સીમા પર દેશના જવાનો અને દુશ્મન સૈન્ય વચ્ચે લડાઈ જારી હતી. સામસામે અંધાધૂંધ ફાયરિંગ ચાલુ હતું. એક ગોળી સનનન......... કરતી લેફ્ટનન્ટ રાજવીર શર્માનો ખભો ચીરીને નીકળી ગઈ. સામે રાજવીર શર્માએ પણ રાઈફલમાં કારતુસ ભરી બે નાના ખડકોની આડશ લઈ ફાયરિંગ શરૂ કર્યું. સામે છેડેથી બે ચીસો સંભળાઈ, રાજવીરે શત્રુના બે સૈનિકોનો ખાતમો કરી નાખ્યો હતો. રાજવીરની બાજુમાં ઉભેલા કર્નલ સૂર્યદેવ સિંઘે એની તરફ અંગુઠો દાખવી ઈશારો કર્યો. ખડકની આડશ લઈ બંને જણ આગળ વધવા લાગ્યા. હવે સામે બોર્ડર પર શત્રુઓ જોઈ શકાતા હતા. રાજવીરે પાછું નિશાન તાકયું વધુ એક સૈનિક રાજવરની ગોળીનો શિકાર બની ગયો. કર્નલે રાજવીરને શાબાશી આપી,"વેલ ડન માય બોય, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તારા જેવા વીર જવાનો જ્યાર સુધી આપણા દેશમાં છે ત્યાં સુધી કોઈની પણ તાકાત નથી આપણી સામે આંખ પણ ઊંચી કરી શકે. જીઓ મેરે શેર." કહી કર્નલ અને રાજવીર જ્યાં આગળ વધવા ગયા ત્યાં જોયું તો રાજવીરનો ડાબો પગ ખડકની તિરાડમાં ફસાઈ ગયો હતો. ઘણી કોશિશ કરી પણ કર્નલ અને રાજવીર બંને નાકામ રહ્યા.

"સર, ડોન્ટ વરી અબાઉટ મી. તમે આગળ વધો અને ખાતમો બોલાવી દો શત્રુઓનો. આપણી બીજી ટુકડી પાછળ જ છે. હું અહીથી મારી બનતી કોશિશ કરીને દુશ્મનોનો સામનો કરીશ. હું પાછો નહીં ફરું. મારો ફર્ઝ, મારી માતૃભૂમિ, સર કટ કે ઝમીન પર ગિર જાયેગા લેકિન કભી ઝૂકેગા નહીં."

રાજવીરને ત્યાં જ રહેવા દઈ કર્નલ સૂર્યદેવ સિંઘ સૈનિકોની બીજી ટુકડી સાથે આગળ વધ્યા. બંને દેશના સૈન્યો વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલુ હતું. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો, લડાઈ હજુ પણ ચાલુ હતી. અંતે ભારતીય સૈન્યનો વિજય થયો. શત્રુઓની કારમી હાર થઈ. વિજયપતાકા લહેરાવી પરત ફરી રહેલી ભારતીય સૈન્ય ટુકડી સાથે આવતા કર્નલ સૂર્યદેવ સિંઘને રાજવીર યાદ આવ્યો. રાજવીર જે જગ્યાએ હતો ત્યાં જઈને જોયું તો રાજવીર બેહોશ પડ્યો હતો અને પગમાંથી લોહી વહીને થોડું થોડું સુકાવા લાગ્યું હતું. બીજા સૈનિકોની મદદથી કર્નલે રાજવીરનો પગ જેમતેમ કરી ખડકની તિરાડમાંથી બહાર કાઢ્યો અને તુરંત જ આર્મી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જઈ રાજવીરના પગનું ઓપરેશન ચાલુ કર્યું પણ કમનસીબે રાજવીરનો ડાબો પગ કાપી નાખવો પડ્યો.

મિલિટરી જીપમાં ગયેલો રાજવીર વ્હીલચેર પર પાછો ફર્યો. એના કપાયેલા પગને જોઈ એની માતા ઈન્દરજીત કૌર અને પિતા રણજિત શર્મા નાસીપાસ અને હતાશ થઈ ગયા હતા. ૨૮ વર્ષની યુવાન વયે ઘોડી ચડવાને બદલે રાજવીરને કાખઘોડીનો સહારો લેવો પડશે એ તો કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. એની સગાઈ પણ બાજુના ગામની દિલજીત કૌર સાથે નક્કી થઈ ગઈ હતી. હવે એ પણ રાજવીરને પરણશે કે નહીં એ પણ પ્રશ્ન હતો.

"મા-પિતાજી, તમે ચિંતા નહીં કરો. ભગવાને મારો પગ છીનવી લીધો તો શું થયું મારા બંને હાથ તો સલામત છે ને. મારા આ હાથ જ મારો સહારો બનશે. હું આપણા ગામના તરુણોને રાઈફલ શૂટિંગ શીખવાડીશ.મેં સરપંચ સાથે પણ વાત કરી લીધી છે અને આજથી જ આપણા ખેતરમાં પ્રેક્ટિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. એક રાજવીરના બદલે કેટલાંય રાજવીર તૈયાર થશે. હું અપંગ કે લાચાર બની જીવવા નથી માંગતો," કહી રાજવીર બહાર નીકળવા જતો હતો ત્યાં જ ઘરના ટેલિફોનની રિંગ વાગી.

"હેલો" ઈંદરજીતે ફોન ઉપાડ્યો. દસેક મિનિટ સુધી વાત કર્યા પછી જ્યારે ઈંદરજિતે ફોન મૂક્યો ત્યારે એની ખુશીની કોઈ સીમા નહોતી.

"શું થયું ઈંદર, કોનો ફોન હતો ? આટલી ખુશ કેમ છે ?" રણજિતે પૂછ્યું.

"દિલજીતના માતાજીનો, દિલજીત રાજવીર સાથે જ લગ્ન કરવા માગે છે. એમનું માનવું છે કે રાજવીરથી યોગ્ય છોકરો દિલજીત માટે કોઈ છે જ નહીં. દિલજીતતો એને મનથી વરી ચૂકી છે. આપણે નસીબદાર છીએ કે દિલજીત જેવી પુત્રવધૂ આપણા ઘરમાં ખુશીઓ લઈ આવશે."

ઉંબરો ઓળંગવા જઈ રહેલો રાજવીર આ સાંભળી ઊભો રહ્યો. એના દિલને દિલજીતની વાતથી એક દિલાસો મળ્યો કે હવે એની માતાને મદદ કરનારી આવી જશે અને એની માતાને ઘરકામમાં આરામ મળશે. મનમાં ઉમંગભેર નવા જીવનની સ્વપ્નીલ આશા સાથે રાજવીર ગામના તરુણોને રાઈફલ શૂટિંગ શીખવાડવા પોતાના ખેતર તરફ કદમ ભરવા સજ્જ બન્યો.


Rate this content
Log in