STORYMIRROR

Gijubhai Badheka

Classics Comedy

2  

Gijubhai Badheka

Classics Comedy

આ તે શી માથાફોડ ! - ૨૦

આ તે શી માથાફોડ ! - ૨૦

2 mins
14.9K


રહેવા દેને દૂધડી, રહેવા દેને !

મારા ઘર પાસે એક કોળણ રહેતી. એને એક દીકરી હતી; એનું નામ દૂધી. બપોર થાય ને થાકીપાકી કોળણ ટૂટલીમૂટલી ખાટલીમાં આડે પડખે થાય. માને બિચારીને જરાક આંખનું ઝેર ઉતારીને પાછું ખડ લેવા જવું હોય કે છાણ લેવા જવું હોય. દૂધડીને ઊંઘ આવે નહિ. દૂધડીને એવું શું કામ હોય ? એને તો આખો દિવસ રમવાનું હોય. મા ઝોકું ખાય ત્યાં રમતાં રમતાં વાસણ પછાડે. મા કહેશે: "રહેવા દેને દૂધડી, રહેવા દેને !"

દૂધડી ઈ કામ છોડીને છાણાં થાપે. ત્યાં મા કહેશે: "રહેવા દેને દૂધડી, રહેવા દેને !"

દૂધડી ઈ કામ છોડીને એકાદ ખીલો હાથ આવ્યો હોય તો ફળિયામાં બેઠી બેઠી ખોદે. મા કહેશે: "રહેવા દેને દૂધડી, રહેવા દેને !"

દૂધડી ત્યાંથી ઊઠીને બારણાનાં બાયાં ઉપર ચડીને બારણું હલાવી હીંચકા ખાય. મા કહેશે: "રહેવા દેને દૂધડી, રહેવા દેને !"

દૂધડી ત્યાંથી આઘે જઈને કાંકરા ઉડાડે. કાંકરા ખોરડા ઉપર પડે ને ખડખડાટ થાય. મા કહેશે: "રહેવા દેને દૂધડી, રહેવા દેને !"

મા બિચારી આંખો ચોળતી ચોળતી ઊઠે ને કહેશે: "આ દૂધડી કંઈ છે ! લેજાવારે સૂવા ન દીધી !"

મેં કહ્યું: "પૂરીબાઈ ! આ દૂધડી એમ કાંઈ સૂવા દે ? તમારે ઊંઘવું જોઈએ એ સાચું, ને એને રમવું જોઈએ એયે સાચું. કાં તો બપોરે એને મારા ફળિયામાં મૂકી જજો; કાં તો એને બેચાર એવાં કામ આપો કે તમારે વારે વારે 'રહેવા દેને, રહેવા દેને !' કહેવું ન પડે. તમે બધુંય કરવાની ના પાડો ત્યારે દૂધડી એ ક્યાં જવું ? પછી દૂધડી જે તે કર્યા કરે ને તમને ઊંઘ ન આવો તો એમાં શી નવાઈ ? દૂધડીને કહેવું કે "બાપુ, જો હું સૂઈ જાઉં છું. હવે જો આ ઘઉંમાંથી કાંકરા વીણ, જે પણે આઘે બેઠી બેઠી મને ન સંભળાય એમ તારે રમવું હોય તો રમ." દૂધડીને શું રમવું ને શું કરવું એ ચોક્કસ થતાં તેને નવરા રહેવું નહિ પડે. વારે વારે 'રહેવા દેને, રહેવા દેને !' નહિ થતું હોવાથી એને રમતનો આનંદ લીધા વિના કેટલી યે રમતો અને કામ પડતાં મૂકવાં નહિ પડે. તમે લેજાવાર સુખેથી પડ્યા રહી શકશો, અને દૂધડીને રમવાનું મળશે એટલે તે ગડબડ નહિ કરે. તમને આરામ મળશે. અને દૂધડીને શેર લોહી ચડશે."

બીજે દિવસથી પૂરી કોળણના મોંમાંથી "રહેવા દેને, રહેવા દેને !" શબ્દો ન નીકળ્યા. દૂધડી બારણું ચૂકડચૂકડ નહોતી કરતી, મા ખાટલામાં પડી પડી મીઠી ઊંઘ લેતી હતી ને છોકરી આઘા ખૂણામાં કંઈક શાંત રમત રમતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics