યા હોમ કરીને....
યા હોમ કરીને....
યા હોમ... કરીને પહેલાં પડો તો ખરા !
પહેલાં પોતે જ પોતાને જડો તો ખરા !
એક દિશા બંધ
પછી આપણી આંખો અંધ, એમ નહીં !
સ્હેજ પાછા વળી
હામ ભરી, ડગ માંડવું ફરી, કેમ નહીં ?
મારગ આપમેળે જ મળશે
પહેલાં સ્વપ્નના શિખરે ચડો તો ખરા !
યા હોમ... કરીને પહેલાં પડો તો ખરા !
એવું નથી હોતું કે
કોઈ દિલનો દરવાજો ખૂલે જ નહીં.!
તમારીયે સ્મૃતિઓ
કોઈ હૈયાના હિંડોળે ઝૂલે જ નહીં.!
કાટ ભરેલું લોખંડ મટીને
મીણની કૂંચી બની તાળે અડો તો ખરા
યા હોમ... કરીને પહેલાં પડો તો ખરા.
વટ-વચન-વહેવાર
ત્રણ વાનાં સચવાય કોઈક વીરલાથી !
ને, પેલું નભ પણ
ભલે ને શોભતું સૂર્ય, ચંદ્ર ને તારલાથી !
નામ તો આપણુંયે ગવાય;
કોઈ લાચારના હક માટે લડો તો ખરા !
યા હોમ... કરીને પહેલાં પડો તો ખરા !
હૈયામાં ભાર લઈ
આમ આથડતા જ રહ્યા તો ફૂટી જશો.
જગત રહ્યું જડ
ભૂલથીયે ભટકાઈ પડ્યા તો તૂટી જશો,
ઉપાય બતાવું હળવા થવાનો;
પ્રભુ-ચરણે ખરા હૃદયથી રડો તો ખરા !
યા હોમ... કરીને પહેલાં પડો તો ખરા !
કદમ કદમ પર
કષ્ટ અને કસોટીઓ તો મળવાની જ !
જીવન ડગરમાં
મૃગજળ સમી આશાઓ છળવાની જ !
હમણાં જ મળે મનખાની મોજ,
પ્રકૃતિ-ખોળે "નિસર્ગ" રખડો તો ખરા !
યા હોમ... કરીને પહેલાં પડો તો ખરા !
