ઉદાસી
ઉદાસી
મનમાં એક આશ ભરી
હા ! આજ તો આવશે જ..
સજી ધજી નીકળી સરિતાને ઘાટ,
હાથમાં બેડલું ને થનગનતી ચાલ,
નજર બિછાવી રાહ પર,
એ આવ્યો બની અસ્વાર
ને મનના ઘોડલા ઘડે અવનવા ઘાટ,
દૂર ઊડતી ધૂળની ડમરી,
હૈયે મચાવે ઉત્પાત,
ઘડીક હરખાતી
ઘડીક શરમાતી,
એ આવ્યો કે આવશે,
પરણ્યો આજ,
આવ્યા અનેક અસ્વાર..
પણ,
એ ,..હજી,
ના! આવ્યો,
ઓહ,આજ પણ,.
ને અજંપાભરી ઉદાસી છવાઈ,
મન વ્યાકુળ,
સૌ સારાવાનાં હશે ને ?
કે,
આંખના નીરે બેડલું ભરાયું,
પણ,એ લુંછનાર ક્યાં,
ઉદાસી જાણે કાયમી પહેરણ
ફાટે પણ ફીટે નહીં,
આંખ્યો ઉજાગરે રાતી,
આ સાજ શણગાર,
પણ વેરી લાગતાં..
ને આ દુનિયાદારી,
રોજ નવું મહોરું ચડાવી,
રોજ ,હા ! ..રોજ,
આવી રાહ જોતી,
કે આજ તો આવશે જ, ને ?
