તું છે તો હું છું
તું છે તો હું છું
હા ! વચન આપેલ નિભાવીશ, તું છે તો હું છું,
ને અટલ વિશ્વાસ પણ રાખીશ, તું છે તો હું છું,
છે અદીઠી દોર જે બાંધે અહીંયા સ્નેહથી,
આશ સાથે શ્વાસ ત્યાં બાંધીશ, તું છે તો હું છું,
તાપ તડકો કે પછી ચડતી ને પડતી આવતી,
હૂંફ મળતાં થઈ સફળ આવીશ, તું છે તો હું છું,
પ્રેમ વાવ્યો ને ઉછેર્યો છે અહીં ફળ જે મળે,
પ્રેમ મ્હેકે એટલું વાવીશ, તું છે તો હું છું,
હાથ ધ્રૂજે, દૃશ્ય ઝાખાં થાય, સંગાથી બની,
સાથ તારો કાયમી ચાહીશ, તું છે તો હું છું,
ચાલ ધીમી ડગમગે, પગ લાકડી થાશું પ્રિયે,
સાદ - હોંકારો સદા આપીશ, તું છે તો હું છું,
સાથની ત્યાં ટેવ પાડી એકલી ના છોડતો,
સાથ છૂટે કેમ હું જીવીશ ? તું છે તો હું છું.
