તમે
તમે
આતમદીપ અંતરમાં પ્રગટાવો અબ્ધિવાસી તમે,
મારા મનમંદિરીએ આજ આવો અબ્ધિવાસી તમે,
ભૂલ અમારી થાય ડગલેને પગલે હરિવર હંમેશ,
ભાવ અમારા હૈયાનો સ્વીકારો અબ્ધિવાસી તમે,
કામક્રોધાદિકમાં ફસાયા માયાવશ થઈને પ્રભુજી,
તિમિર અજ્ઞાન તણાં હટાવો અબ્ધિવાસી તમે,
રહી અમારી ઝંખના તમને પામવાથી યુગયુગથી,
દર્શન આપી હૈયાંને પુલકાવો અબ્ધિવાસી તમે,
કરીએ પોકાર અમે અવનીવાસી સાંભળો શ્રીહરિ,
અમારાં પાતક સર્વે પ્રજાળો અબ્ધિવાસી તમે,
આતમદ્વારે સ્વાગત તમારું કરતાં હૈયું હરખાતું,
પગલાં પાડીને હેત વરસાવો અબ્ધિવાસી તમે.
