શ્યામ બનો પ્રિયતમ
શ્યામ બનો પ્રિયતમ
શ્યામ બનો, પ્રિયતમ તમે ને, રમો મુજ સંગ રાસ રે,
નજર્યુ ખોળે, બની બાવરી,ક્યાં છુપાયો આજ રે.
અખિલ બ્રહ્માંડમાં તું વસે, ભક્ત હૃદયે તારો વાસ રે,
હું તો તારી બની પ્રેયસી, શું હું, તુજ દિલની પાસ રે.
સ્થૂળ પહેરાઓ ઘણાં જીવનમાં, પણ, ચહેરો તારો ખાસ રે,
ગોપીઓની જેમ થૈ થૈ નચાવું, એ જ, મુજ હદયે આશ રે.
મંદિરની મૂરતમાં ઝળકે, તુજ સૌદર્ય અપાર રે,
મૌન બનીને કેવો મલકે, નીરખું તુજને દિનરાત રે.
વૃંદાવનની ઘાટે ગૈયા કેવી, તુજ સંગ ચારે ઘાસ રે,
સરસ! ભાગ્ય આ ગોવાળિયાનું, પીએ તુજ સંગ છાશ રે.
હું તો તારી કેવી પ્રેયસી ! છલકી રહું દિન રાત રે,
ક્ષણોક્ષણ નીચોવી દઉં મુજ ને, જીવનની એ જ તો આશ રે.
અસ્તિત્વ મારું ઝાકળ જેવું, પળમાં થાશે નાશ રે,
પ્રેમ તુજ સંગ પાંગરે મીઠો, એ જ હૈયે ભીની આશ રે.
લાગણીના તાંતણે હું બંધાઈને, એકાકાર કરૂં મુજ શ્વાસ રે,
મગ્ન બની, મન હિલોળે તુજ સંગે, એ જ તો, ભીતરે પ્યાસ રે.
