શિવોહમ
શિવોહમ
આનંદમયી રાખે ચેતના, મોહ, માયા, મદ, મત્સર,
તોય સંસાર મોહનું બવન્ડર, કેમ અલખ જગાવે,
ભય, ઈર્ષ્યા, રાગ-દ્વેષથી વ્યથિત થતી રહું, છતાં,
શ્વાસે શ્વાસે જપતી હું, બસ, શિવોહમ, શિવોહમ.
સુખ-દુઃખ ચાલે બંને બાજુ, તોળાય કુદરતના ત્રાજવે,
જીવનચક્રની આ ચાલતી, તડકી છાંયડીના સથવારે,
છે કર્મોનો દસ્તાવેજ, ઇચ્છાઓથી ઉપર ઉઠી જાઉં,
હસ્તાક્ષર માત્ર તારા જ, બસ, શિવોહમ, શિવોહમ.
તિમિર માંહે શોધતી હું, કોઈ પ્રજ્વલિત જ્યોત,
તૂટતો વિશ્વાસ ને, ઘટતી જિંદગી, હતી વ્યાકુળ,
મહેરામણની ભીડમાં એકલી હું, રમતી જોગણ,
સધિયારો શોધુ હું તારો, બસ, શિવોહમ, શિવોહમ.
સ્વયંમાં રમમાણ મૃત્યુથી પરે, જિંદગી કેમ જીવાય,
પારકી કાયાઝ પારકા લોક, અંતે ભળ્યો દેહ માટીમાં,
અંતકાળ પછી તો છોડી દેતાં સૌ સચરાચર આ લોક,
જપે સતત આ જીવ આમ, બસ, શિવોહમ, શિવોહમ.
આત્મા બની, તું વસી જા દેહમધ્યે, થઈ તેજોવલય,
કોરી ધાકોર જિંદગીમાં રડે પાષાણ, ને, હૈયે ભીનાશ,
લાગણીના ઝરમરીયા વરસાવ, તું મમ શ્વાસ ભીતરે,
થઇ તરબોળ જપતી રહું, બસ, શિવોહમ, શિવોહમ.
સમય હજી છે બાકી, કરવા નિજ કાયાનું કલ્યાણ,
સુણ તું અરજ મારી, વસી જા આવી તુર્ત હ્રદયમધ્યે,
જીવ જ શિવ ને, શિવ છે આ જીવ, ઓજસ રૂપે,
પ્રકૃતિના ખોરડે જીવું હું, બસ, શિવોહમ, શિવોહમ.
