મોરલીએ લગાડી મને માયા
મોરલીએ લગાડી મને માયા
વ્હાલા તારી વાંસળીના કેવાં સૂર રેલાયા
તારી બંસરીના સૂરે લગાડી મને માયા,
વનરાવનમાં ગાયો ચરાવે, ગોકુળનો ગોવાળીયો,
રાધા બહું રૂપાળી લાગે, તું કામણગારો કાળિયો,
કાન્હા તેતો કામણ કર્યા, ઓ જશોદાના જાયા
માવા તારી મોરલીએ લગાડી મને માયા,
સુદામાનો સખો વ્હાલો, નંદનો કિશોર છે
નટખટ નટવર કાન્હો માખણનો ચોર છે.
ટચલીના ટેરવે ગિરિધર કરી જોને છાયા.
મોહન તારી મોરલીએ લગાડી મને માયા,
વૃંદાવનમાં રાસ રચાવે, શિવ બને વ્રજનારી,
વાંકડિયા વાળ શોભે, શિરે મોરપીંછ ધારી,
ગોપીઓને કામણ કીધા, કામણગારી કાયા,
માધવ તારી મોરલીએ લગાડી મને માયા.

