ઝરૂખામાં
ઝરૂખામાં
ક્યાંય સુધી શાંત બેસી રહી હું આજ ઝરૂખામાં,
કોઈકની વાટ જોતી રહી હું આજ ઝરૂખામાં,
સાંજ ઢળી ને ઢળતા સૂરજને હું તાકી રહીં,
કોઈકની આહટ વર્તાઈ ને હું ઝબકી ગઈ,
કોણ હશે જાણે એ ડોકિયું કર્યું મે ઝરૂખેથી,
કોઈક જાણીતું ભાસ્યું, મને જોતાં એ ઝરૂખેથી,
શીતળ વાયરાની લાલચમાં હાલી શકી નહીં,
નજીક આવતું જણાયું કોઈ પામી શકી નહીં,
એના આવતા જ, જાણે ! નવચેતન ઊભરાયું,
હૃદય મારું તો, અનેક લાગણીથી ઊભરાયું,
એકમેકને ટગર - ટગર જોઈ રહ્યા નેણ,
વિચારોના વમળમાં ઘૂમરી લઈ રહ્યા નેણ,
સાંજમાંથી એ રાત ક્યારે ઢળી ગઇ ઝરૂખામાં ?
હાથમાં ઝાલી હાથ બેસી રહી હું એ ઝરૂખામાં.

