હવે તો આવો !
હવે તો આવો !
આંગણને શણગારીને થાક્યો હવે તો આવો શ્રીહરિ,
શબ્દો કેટલા મઠારીને થાક્યો હવે તો આવો શ્રી હરિ.
કરી પ્રતિક્ષા ચાતકીને નયન પણ બન્યાં છે અધીરને,
લોચનને હું વરસાવીને થાક્યો હવે તો આવો શ્રીહરિ.
શ્રવણ મારા છે આતુર તવ પ્રેમવચનો સાંભળવાને,
દરબારી સુણી સુણીને થાક્યો હવે તો આવો શ્રીહરિ.
રટણ તમારું કરતી જિહ્વા નિશિવાસર એ અભ્યાસ,
રાગ કેદાર ગાઈ ગાઈને થાક્યો હવે તો આવો શ્રીહરિ.
ખૂટ્યાં અશ્રુબિંદુઓ તવ વિયોગે હે કૃપાનાથ પ્રભુ,
જનેજને તને નિહાળીને થાક્યો હવે તો આવો શ્રીહરિ.
