હાથ ઝાલજે તું
હાથ ઝાલજે તું
આફત વરસતી હોય અનરાધાર, હરિ હાથ ઝાલજે તું,
જીવન લાગતું મુજને નિસ્સાર, હરિ હાથ ઝાલજે તું.
ઘેરી વળે દુઃખો એક પછી એક ના જવાનું નામ લેતાં,
અનુભવાય હૈયામાં પણ ભાર, હરિ હાથ ઝાલજે તું.
તું પકડજે હાથ મારો હરિ હું તો છું આખરે માનવીને,
પ્રાર્થના કરું છું જોડી દિલતાર, હરિ હાથ ઝાલજે તું.
ભૂલભૂલામણી માયાની કેવી ભલભલાને એ ફસાવતી,
હાલતાંચાલતાં તારો ઉચ્ચાર, હરિ હાથ ઝાલજે તું.
અવગુણ મારા અબ્ધિપતિ વિસારજે દિલ દરિયાવને,
નથી તારા સિવાય કોઈ આધાર, હરિ હાથ ઝાલજે તું.
સમો વીતશે તો શ્રીપતિ લાજ તારી જશે હે સરકાર!
સાંભળીને મુજ અંતરનો પોકાર, હરિ હાથ ઝાલજે તું.
વિલંબ તને ના શોભે કહાનજી મારે એકેક પળ યુગ જેવી,
હરિ હરોને આપદા થૈ ગરુડસવાર, હરિ હાથ ઝાલજે તું.
