ગામની હત્યા...!!
ગામની હત્યા...!!


જે.સી.બીના ઘોંઘાટથી
થથરતાં નળીયા,
ડમ્પરનાં ઘૂઘવાટથી
કણસતો ખેતરનો બાજરો,
હથોડા-ટાંકણાની ધમકીઓમાં
આપઘાત કરતી બળદની જોડ
સાવ અંધારપટ થયો,
ઊભા રહ્યાં બહુમાળી બિલ્ડિંગના રાક્ષસો....
સહેજ તડકાની ભીખ માગતા
ગિલ્લી-દંડો રમતા બાળકો....
પેલા તળાવના ચોખ્ખા પાણીમાં
કાળુ લોહી રેડાયું
ગટરના નામે
અને
ફક્ત કલ્પનાઓમાં રહી પનિહરીઓ....
ઊંઘવા નથી દેતી
ખેડૂતને
ચિંતા કે કાલે ખેતરમાંથી
નીકળશે રસ્તાઓની સાથે સાથે નામ
ખેડૂતપોથીમાંથી
આ એક ષડયંત્ર માણસોના
મન મોટા કરવાનું......?
કે પછી
નવી પેઢીમાંથી રીતિ, રીવાજ અને સંસ્કૃતિ
ચૂસી આ નવી જનરેશનના દાનવને પોષવાનું.....?
બે-ચાર દલાલ શેઠ આવ્યા શહેરમાંથી
રાતો રાત લાઇ ગયા ગામને,
સળગાવી દીધુ છાને માને..
કશું જ ન વધ્યું....
હા!
મેં જોઈ છે
ગામની થયેલ હત્યા.