દ્વાર તમારાં ખોલોને
દ્વાર તમારાં ખોલોને
પાપપુણ્ય સાથે લઈને આવ્યો દ્વાર તમારાં ખોલોને,
યાતનાઓ સહી સહીને આવ્યો દ્વાર તમારાં ખોલોને,
જગજંજાળે ખૂબ અથડાયો, ભટકાયો નિરાશ થયો,
આશા તમારી હું ધરીને આવ્યો દ્વાર તમારાં ખોલોને,
કરું છું એકરાર મારા ગુનાઓનો પશ્ચાતાપી થયો છું
પસ્તાવો કેટલો હું કરીને આવ્યો દ્વાર તમારાં ખોલોને,
ખૂબ થયો છું નાસીપાસ માયાતણા પાશે બંધાઈને,
મનમાં ઉચાટને ભરીને આવ્યો દ્વાર તમારાં ખોલોને,
ઉરે રહી અભિલાષ દર્શનની દયાનિધિ દ્રવજો દાતાર,
જીવનમાં ખરાખરીને આવ્યો દ્વાર તમારાં ખોલોને,
આજ અંશને અપેક્ષા અંશીને મળવાની મબલખને,
જોજો તક ન જાય સરીને આવ્યો દ્વાર તમારાં ખોલોને.
