ડાયેટિંગનું ડેડ-એન્ડ
ડાયેટિંગનું ડેડ-એન્ડ
ડાયેટિંગનું ડેડ-એન્ડ: પાણીપુરી પુરાણ
જોઈએ પાણીપુરીનો ઠાઠ તો આંખો અંજાઈ જાય,
જીભ પર મુકતાં જ જાણે દિવાળી ઉજવાઈ જાય!
કાચી ડુંગળી ને ચણાનો મેળ જ્યારે જામે,
દુનિયાના સઘળા ટેન્શન લારી આગળ થામે!
ગમે તેવો રાજા હોય કે ગરીબ રંક કંગાલ,
એક પૂરી મોંમાં મૂકે ને થઈ જાય માલામાલ!
ડાયેટિંગના વ્રત તૂટે, નિયમો બધા ભુલાય,
જેવી તું હાથમાં આવે કે સંયમ ડગી જાય!
કાગળની વાટકી હાથમાં, આંખોમાં એક જ આશ,
ક્યારે આવે મારો વારો, ક્યારે બુઝે આ પ્યાસ!
તીખું તમતમતું પાણી ને બટેટાનો મસાલો,
લારીવાળો ભાઈ જાણે સ્વર્ગનો રખવાળો!
અંગૂઠો અંદર દબાવીને જેવો કાઢે છે ખાડો,
લાગે કે જીવ આપણો એણે અંદર જ કાઢ્યો!
મોં પહોળું એટલું થાય કે અજગર પણ શરમાય,
એક જ ઝાટકે આખી પૂરી સીધી અંદર જાય!
કાનમાં ધુમાડા નીકળે, આંખે વહે અશ્રુધાર,
તોય મોઢેથી બોલાય: "હજી તીખી બનાવ, યાર!"
જીભ બળે, પેટ બળે, ભડકા થાય ભારી,
છતાંય પૂરી ગળવાની મજા છે સૌથી ન્યારી!
લવ-લેટર ફેલ જાય તારા એક જ સ્વાદ આગળ,
રોમાન્સ પણ ભુલાવે તારી લાલ-લીલી ચટણીની આગળ!
પીઝા-બર્ગર તો બિચારા ખૂણામાં ઊભા રોવે,
જ્યારે પબ્લિક તારા તપેલામાં ડૂબકી મારતી જોવે!
રૂપિયા ખિસ્સામાં ન હોય તોય ઉધાર માંગી લવાય,
પણ પાણીપુરી ખાધા વગર સાંજ કદી ન જવાય!
છેલ્લે જ્યારે લારીવાળો હિસાબ કરવા બેસે,
દરેક ગ્રાહક કરગરીને એની સામે પેસે:
"ભાઈ, એક સૂકી પૂરી મસાલાવાળી આપો ને પ્લીઝ!"
એ મફતની પૂરીમાં જ તો સંતાયેલી છે ખરી ચીઝ!
ગમે તેવા ગંભીર માણસનું પણ ઉતારી દે પાણી,
જિંદગી આખી સમર્પિત છે તને, ઓ ફૂટપાથની રાણી!
