ચોમાસુંં આવ્યાની વાત
ચોમાસુંં આવ્યાની વાત
ચોમાસુ આવ્યું'ને પાંપણની પછવાડે અજવાળાં આખી'યે રાત છે ,
લજ્જાની લાલીથી ગાલોનાં ખંજનમાં ઝબકેલી આવી સોગાત છે ,
ચોમાસું આવ્યાની વાત છે !
ઉગમણે બાર જઈ આકાશી વાદળને કુંવારી ધરતીએ દીધો કંઈ નાદ,
મ્હેંકે છે ફૂલોને તો'યે આજ માટીની ગંધથી ભીતરમાં ભીંજાણો સાદ,
કોરા આ કાગળમાં પચરંગી શબ્દોથી ઝરમરતી ભીંજાતી જાત છે
ચોમાસું આવ્યાની વાત છે !
સળ પડે સુક્કામાં જાજેરી પીડાઓ ભીંજાતી જાગતી,
વરસાદી ટીપાંને પીવાને ભીતરમાં રાતડી એવું શું માંગતી ?
આવે જો અલબેલો થઈને એ રસઘેલો વરસાદી છાંટા શું વાત છે ?.....
ચોમાસુ આવ્યાની વાત છે !
