છેલ્લા શ્વાસે...
છેલ્લા શ્વાસે...


અંતે રસ્તાઓ વિસરાશે,
મંજિલ જાણે દૂર થશે,
કોઈકની આંખ ભીંજાશે,
શમણાઓ ચૂર થશે.
યાદ આવશે લોકો,
ભૂલો યાદ કરવા ક્યાં સમય હશે ?
કેટલી બારીઓ બંધ કરીશું,
જ્યારે બારણે જ પ્રલય હશે ?
હાથ ભલે પકડ્યો હોય,
અંતને કોણ ટાળી શકશે,
રિસાઈને સમય બગાડ્યો,
હવે વચન કોણ પાળી શકશે ?
જેને કંઇક કહેવાનું હતું,
હવે તો કોણ કહી શકશે ?
જેની સાથે રહેવાનું હતું,
હવે એનો વિયોગ કોણ સહી શકશે ?
છેલ્લા શ્વાસ સુધી રાહ જોઈને,
તમને કે મને ફાયદો શું ?
આજની વાત કાલે કહીશ,
એવો વળી કાયદો શું ?
આ વાર્તાના છેલ્લા પાને પહોંચી એક દિવસ,
સમયનાં વહેતા વહેણમાં જ વહી જશું,
આજની અનમોલ પળ જો ખોઈ બેઠાં,
તો છેલ્લા શ્વાસે યાદો પરજ રડતાં રહી જશું !