આવ્યો શ્રાવણ
આવ્યો શ્રાવણ
વદ આઠમે બારે મેઘ ખાંગા
કરતો આવ્યો શ્રાવણ,
કૃષ્ણ જન્મની ઘણા હરખે વધાઈ
લાવતો આવ્યો શ્રાવણ,
જેલમાં થયા પ્રગટ પિતા વસુદેવને
શીશ બિરાજી આવ્યા,
ઘેલી યમુનાને અંગૂઠે પાવન
કરાવતો આવ્યો શ્રાવણ,
મધ્ય રાત્રી એ નંદ યશોદાને ઘેર પધાર્યા
બાળ રૂપે મુરારી,
ગોકુળની ગલી એ આનંદની છોળ
ઊડાવતો આવ્યો શ્રાવણ,
શેરી વરાવે નવનિધિ મોતી કેરા
સાથિયા પૂરે રિદ્ધિ સિધ્ધિ,
નંદજીને ઉંબરે લક્ષ્મીજીને હાથ તોરણ
બંધાવતો આવ્યો શ્રાવણ,
પુત્ર રત્નની વધાઈ દેવા હરખભેર ઉમટી
આવ્યાં ગોપ ગોપી,
નંદ આંગણે તેઝુરીના દ્વાર ખુલ્લા
મૂકાવતો આવ્યો શ્રાવણ,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારદ, શારદ
આભેથી નીરખે બાળ સ્વરૂપ,
વરસાવે અંતરથી આશિષ ફૂલોની વૃષ્ટિ
વરસાવતો આવ્યો શ્રાવણ,
અધર્મ વધ્યો ધરા પર
ત્રાહિમામ પોકારી
ઉઠયા માનવી,
ત્યાં કૃષ્ણ જન્મોત્સવની
વધાયુમાં,
મહાલતો આવ્યો શ્રાવણ.
