યથા રાજા તથા પ્રજા
યથા રાજા તથા પ્રજા
વરસો પહેલાની આ વાત છે. એક નગર હતું. તે નગરમાં અનેક લોકો રહેતા હતાં. બધા જ લોકો કોઈને કોઈ વેપાર ધંધો કરતાં હતાં. એટલે નગરના લોકો સુખી પણ હતાં. એ નગરના રાજા પણ ખુબ દયાળુ અને પ્રજાપ્રેમી હતાં. તેઓ દરેક પરિસ્થિતિમાં પ્રજાનું રક્ષણ અને પાલન પોષણ કરતાં હતાં. એટલે નગરના લોકોને પણ પોતાના રાજા પર ખુબ જ પ્રેમ હતો.
હવે એક વખત એવું બન્યું કે તે વરસે ચોમાસામાં ખુબ જ વરસાદ પડ્યો. વધારે વરસાદને કારણે પૂર આવી ગયું. અને પૂરનું પાણી નગરમાં આવી ગયું. અને નગરવાસીઓના ઘરમાં ઘુસી ગયું. લોકોની બધી જ ચીજવસ્તુઓ આ પાણીમાં તણાઈ ગઈ. લોકોના ઘર પણ પડી ગયાં. આ બધું જોઈને દયાળુ રાજાને પોતાની પ્રજાની દયા અવી. તેમણે પોતાના સૈનિકોને કહ્યું કે જ્યાં સુધી પૂરનું પાણી ઓસરી ના જાય ત્યાં સુધી ગામના લોકોને રાજદરબારમાં વસવાટ માટે બોલાવી લો. કેમકે રાજ દરબાર ઊંચાઈ પર આવેલો હતો. ત્યાં પૂરના પાણી પહોચે તેવું નહતું. એટલે બધા જ લોકો રાજદરબારમાં આવીને રહેવા લાગ્યા.
રાજાએ બધા જ લોકોને જમવા રહેવા અને પહેરવા ઓઢવના કપડાની વ્યવસ્થા રાજમાંથી કરાવી દીધી. આમ ગામલોકો ઘણા સમય સુધી રાજદરબારમાં રહ્યા. જયારે પૂર્ણ પાણી ઓસરી ગયાં પછી ગામલોકો ગામમાં પાછા ફર્યા. પણ બધાના ઘરબાર તણાઈ ગયાં હતાં. એટલે રાજાએ દરેકને પોતાના ઘર બનવવા માટે પૈસા અને જોઈતી ચીજવસ્તુ પણ આપી. વળી વધારે વરસાદને કારણે ખેતીના પાક ધોવાઈ ગયા હતાં. એટલે રાજા એ વરસના કરવેરા પણ માફ કર્યા. આ સેવા કરવામાં રાજાનો ખજાનો પણ ખાલી થઈ ગયો.
ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. વરસ બદલાયું. બીજું વરસ સારું આવ્યું. ખેતીવાડીમાં સારો પાક થયો. દર વરસ કરતાં બમણું અનાજ પાક્યું. વેપારીઓને પણ વેપારમાં બમણો નફો થયો. એટલે ગામલોકો ખુશ ખુશ હતાં. તેમણે બધાએ મળીને નક્કી કર્યું કે રાજાજીએ આપણને મુસીબતના સમયમાં સાથ આપ્યો હતો. આપણા કરવેરા પણ માફ કર્યા હતાં. હવે આ વરસે સારી ખેતી અને વેપાર થયા છે. તો આપણે રાજાજીને બમણો કર આપવો જોઈએ. આમ નક્કી કરી બધા જ લોકોએ રાજાજીને બમણો કર આપ્યો. પરિણામે રાજાનો ખાલી થયેલો ખજાનો ફરીથી ભરાઈ ગયો.
એટલે જ તો કહ્યું છે, કે યથા રાજા, તથા પ્રજા.
