Irfan Juneja

Drama Thriller

3  

Irfan Juneja

Drama Thriller

યે રાસ્તે હૈ પ્યાર કે - ૫

યે રાસ્તે હૈ પ્યાર કે - ૫

7 mins
14.5K


ઈરફાન આજે એ છોકરીના જીવનના એક ભાગ વિષે જાણીને ઘરે પાછો ફર્યો. મનમાં એક અલગ જ એહસાસ હતો. એ છોકરી વિષે જાણે થોડી લાગણી બંધાઈ હોય એવું એને અનુભવાઈ રહ્યું હતું. ખુબ જ નિખાલસતાથી એ છોકરી મનની વાત કહી ગઈ. પોતાનું દુઃખ શેર કરીને ચાલી ગઈ અને ઈરફાનને ખબર પણ ન હતી કે એને જે શબ્દો કહ્યા એ ક્યાંથી આવ્યા. પણ જે થયું એ સારું થયું. કોઈનું મન હળવું થયું એ જાણીને ઈરફાન મનોમન ખુશ થયો.

------

ઈરફાન સવારે પોતાની ઓફીસે જઈ રહ્યો હતો. અચાનક એના બાઈકને પંચર થયું. આસપાસ જોયું પણ ક્યાંય પંચરવાળાની દુકાન ન દેખાઈ. એસ.જી. હાઇવે પર પકવાન ચાર રસ્તાથી થોડા આગળ એને બાઇકને સાઈડમાં પાર્ક કર્યું. થોડીવાર આમતેમ ફાંફાં માર્યા પણ કંઈ મળ્યું નહીં. અચાનક એક એક્ટિવા ઇરફાનની પાસે આવીને ઉભી રહી.

"હેય.. ઈરફાન તું અહીં?" એક્ટિવા પર રહેલી છોકરી બોલી.

ઈરફાન અવાજ સાંભળી એ છોકરી તરફ જોવા લાગ્યો. છોકરીએ મોઢે દુપટ્ટો બાંધ્યો હતો. આંખો પર ગોગલ્સ હતા. ઈરફાનને સમજાણું નઈ કે આ કોણ છે. અવાજ પણ જાણીતો નહોતો.

"હા, આપ કોણ?"

"આપ મને નથી ઓળખતા?"

"માફ કરશો પણ તમારો અવાજ જાણીતો નથી અને દુપટ્ટામાં ચહેરો પણ દેખાતો નથી.."

"હું ચહેરો બતાવીશ તો ઓળખી જશો એમ?"

"ખાતરી તો ન આપી શકું પણ કદાચ ચહેરો જોઈને યાદ આવી જાય?"

"ઓકે સારું.."

છોકરીએ દુપટ્ટો છોડ્યો અને ગોગલ્સ ઉતાર્યા. ઈરફાન ચહેરાને જોઈને ઓળખી ન શક્યો. હજી એક છોકરીનું રહસ્ય ખુલ્યું નહોતું ત્યાં આ બીજી કોણ આવી એવું જ કંઇક ઈરફાન મનોમન વિચારવા લાગ્યો.

"બોલો હવે ઓળખી મને?"

"ના ચહેરો પણ જાણીતો નથી લાગતો.."

"ઈરફાન તમારી મેમોરી ઓછી છે કે પછી વર્ષે વર્ષે મગજને ફોર્મેટ કરો છો?"

"એવું તો કંઈ નથી પણ તમને ક્યાંય જોયા હોય કે અવાજ સાંભળ્યો હોય એવું મને તો કંઈ જ યાદ નથી.."

"સારું છોડો હું જ પરિચય આપી દઉં, મારુ નામ અશ્વિની છે. આપણે ટવેલ્થમાં ટ્યુશનમાં સાથે હતા.. "

"ઓહ.. નોબલ ઇન્સ્ટિટયૂટમાં રાઈટ?"

"હા.. અશ્વિની સોની નામ તો યાદ જ હશે.."

"હા આપનું નામ તો યાદ જ છે. કારણ કે આપણી બેચમાં આપણે ૧૫ સ્ટુડન્ટસ જ હતા. પણ તમે બાયોલોજી ગ્રુપમાં હતાને?"

"હા, પણ આપણા ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના લેક્ચર સાથે જ હતા.."

"હા, તમે અહીં ક્યાંથી?"

"મારુ અહીં ક્લિનિક છે. સિંધુભવન રોડ પર.."

"ઓહો સરસ.. આપે ટવેલ્થ પછી શું કરેલું?"

"બી.એચ.એમ.એસ.."

"ઓહો સરસ.. તો પછી હોમિયોપેથી કે એલોપેથી આજકાલ અમદાવાદમાં બી.એચ.એમ.એસ. એલોપેથી કરે જ છે.."

"ના ના આપણે હોમિયોપેથી પર જ કામ કરીયે.."

"સરસ.. "

"તમે અહીં ક્યાંથી? "

"હું અહીથીં ઓફીસ જતો હતો અને અચાનક પંચર થયું.."

"ઓહ.. તો ચાલો કોઈ નજીકના પંચરવાળા પાસે જઈ આવીએ. બાઇક અહીં રાખો એતો લઇ જશે અહીંથી.."

"ઓકે થેન્ક્સ અશ્વિની.. "

"અરે યાર ઈરફાન એમાં થેન્ક્સ ના હોય.."

ઈરફાન અને અશ્વિની નજીકમાં એક ગેરેજ હતી ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને પૂછ્યું ગેરેજ્વાળાએ હા પાડી એટલે ઈરફાનએ ચાવી આપી અને ગાડીનો નંબર અને લોકેશન કહ્યું. ગેરેજવાળા ભાઈએ કહ્યું કે બે એક કલાક પછી આવો. થોડું કામ છે એ પછી લઇ જજો. ઈરફાનને ઓફીસનું મોડું થતું હતું. પણ હવે કોઈ કેબમાં જવું પડે એમ હતું. અશ્વિની પણ સાથે હતી.

"અશ્વિની તું ક્લિનિક પર જઈશ કે ઘરે?"

"હું ક્લિનિક પર જ જઈશ. મારુ ઘર ઘણું દૂર છે એટલે ટિફિન લઈને જ આવું છું.."

"ઓહ.. તો ચાલ હું કેબ કરીને જ જતો રહું.."

"ઈરફાન આમ પણ બે કલાક લાગશે. જો તને વાંધો ન હોય તો આજે આપણે ઘણા વર્ષ પછી મળ્યા છીયે. તું હાફ-ડે ની રજા લઇ લેને.."

"પણ અશ્વિની હું તારા ક્લિનિક પર શું કરીશ?"

"આજે હું પણ સાંજે જ ક્લિનિક ખોલીશ.."

"ના યાર મારા કારણે બંધ રાખવાની જરૂર નથી.."

"તું ફોર્માલિટી ન કર હવે.. ચાલ મારા ક્લિનિક પર જઈને પછી બહાર જઇયે.."

ઈરફાન અને અશ્વિની ત્યાંથી નીકળ્યા. ઈરફાને ઓફીસ કોલ કર્યો કે આજે સેકન્ડ હાફમાં આવીશ અને બંને અશ્વિનીના ક્લિનિક પર ગયા. ત્યાં અશ્વિનીએ સ્ટાફને જાણ કરી કે આજે કોઈને અપોઇન્મેન્ટ કે કેસ ન લેવા સાંજે જો સમય હશે તો જાણ કરશે. અશ્વિનીની કેબિનમાં બંને થોડીવાર બેઠા. અશ્વિનીએ કોફી મંગાવી. બંને કોફીની ચૂસકી ભરાતા વાતો કરવા લાગ્યા.

"બાકી બોલ ઈરફાન કેવી ચાલે લાઈફ, શું કરે છે આજકાલ.."

"બસ જો, હાલ તો સોફ્ટવેર એન્જિનિઅર છું. આઈ.ટી. ફિલ્ડમાં સારું છે. મેરેજ થઇ ગયા અને એક દીકરી પણ છે.."

"ઓહ વાઉ.. શું નામ છે વાઇફ અને દીકરીનું?"

"વાઇફ મિસ્બાહ અને દીકરી આયત..."

"વાઉ.. મને મુસ્લિમ લોકોના નામ બહુ ગમે.."

"હા આઈ નો.. બાકી તું કે તારે શું ચાલે છે?"

"મારે તો તારા જેવા કોઈ ન્યુઝ નથી. બસ જો હાલ આ ક્લિનિક કરું છું. હાલ મેરેજનો તો કોઈ વિચાર નથી. એક બે વર્ષ પછી વિચારીશ કોઈ સારો છોકરો મળે તો.."

"હવે તો ઉંમર થઇ ગઈ યાર પછી ક્યાં સુધી?"

"હા એ છે આપણે લોકો ૩૦ ક્રોસ કરી ચુક્યા છીયે પણ લાઈફમાં કોઈ એવું આવ્યું જ નહીં.."

"તને ઓફર્સ તો ઘણી આવી હશે. લુક અને નેચરમાં તો તું પરફેક્ટ છે. સાથે હવે તો ડૉક્ટરનું ટાઇટલ પણ છે. પોતાનું ક્લિનિક અને વેલ સેટ લાઈફ તો છે. કોને ના ગમે?"

"એવું નથી ઈરફાન, જે મારી લાયકાત અને પ્રોપર્ટી જોઈને આવે એવા છોકરા નથી જોઈતા, મને તો એવા જોઇયે જે મને સમજી શકે, સાથે સમય વિતાવી શકે.."

"હા એ તો દરેક છોકરીની વિશ હોય છે. મારા વાઇફના પણ આજ શબ્દો હતા જયારે હું એને જોવા ગયો.."

"હા એ જ ને. પૈસો તો આજે નહી તો કાલે આવશે જ.. પણ માણસાઈ હોય તો વધુ મજા છે આ જીવનની.."

"હા વાત તો સાચી છે. મળી જશે ચિંતા ન કર.."

"હા, બસ પ્રાર્થના કરજે. બાકી કે તારા ફેમિલી વિષે.."

"બસ જો નાનું અને ખુશહાલ પરિવાર મળ્યું છે મને. મિસ્બાહ પણ ખુબ જ સમજદાર છે. આયતમાં પણ મિસ્બાહની છબી દેખાઈ આવે છે એટલે મને ખુશી છે કે એ પણ મિસ્બાહ જેવી જ બનશે.. મમ્મી , પપ્પા પણ ખુશ છે."

"સરસ.. જાણીને ખુશી થઇ ઇરફાન.."

"હા અશ્વિની, અને તારું ફેમિલી.."

"મારા ફેમિલીમાં તો હું પણ તારી જેમ એકની એક જ સંતાન હતી તને કદાચ યાદ છે કે નહી આઈ ડોન્ટ નો.. બટ અમારું પણ હાલ ત્રણ જ જણનું પરિવાર છે.. મમ્મી અને પપ્પા ખુશ છે. પપ્પા હાલ ગોલ્ડનો શો રૂમ ચલાવે અને હું આ ક્લિનિક.. "

"વાહ નાઇસ.. અરે હા અશ્વિની મને યાદ આવ્યું આપણે ટ્યુશનમાં સાથે હતા ત્યારે તું કંઈ લખતી નહીં. કોઈપણ ફેકલ્ટીને એમ જ કહેતી કે ડૉક્ટરે લખવાની ના પાડી છે.."

"હા ઈરફાન એ સમયે હાથમાં થોડી પ્રોબ્લેમ હતી. લાઈક નસ ખેંચાઈ ગઈ કે અકડાઈ ગઈ હોય એવું જ કંઇક હતું. હવે તો બધું નોર્મલ છે..."

"ગ્રેટ, તમારા ડોક્ટર્સની લાઈફ સારી યાર.."

"ના ના એવું કઈ નથી. બધાને બીજાના જ કામ સારા લાગે. બાય ધ વે તારા મેરેજ થઇ ગયા અને દીકરી પણ તો આજે હું મારુ ટિફિન નહીં જમુ આજે તો તારી પાર્ટી લઈશ.. બોલ ક્યાં આપીશ પાર્ટી?"

"હે.. હે.. શ્યોર યાર. તું કે ત્યાં..."

"ચાલ અહીં કુકિંગ કલ્ચરમાં જઇયે.. સારું ફૂડ મળે છે ત્યાં.."

"હા ઓકે ચાલ.."

ઈરફાન અને અશ્વિની ક્લિનિક પરથી કુકિંગ કલ્ચર પર જમવા ગયા. અશ્વિનીને પણ પંજાબી જમવાની ઈચ્છા હતી એટલે બંનેએ પંજાબી વાનગીઓ મંગાવી અને પોતાના સ્કુલ, કોલેજની લાઈફ વિષે વાતો કરતા કરતા જમ્યા. જમ્યા પછી ત્યાંથી બંને અશ્વિનીના ક્લિનિક પર આવ્યા. થોડીવાર વાતો કરી. ત્રણ વાગ્યા પછી ઈરફાન એ રજા માંગી કે હવે ઈરફાનને ઓફીસ જવું પડશે.

"હા ઈરફાન વાંધો નહિ તું નિકળ પણ હવે ફેમિલી સાથે ઘરે આવજે..."

"હા શ્યોર તું પણ.."

બંને એકબીજાને બાય કહ્યું અને અશ્વિનીએ એના પ્યુનને ઈરફાનને ડ્રોપ કરવા મોકલ્યો. ઈરફાનને પ્યુન ગેરેજ પાસે ડ્રોપ કરી ગયો. ઈરફાનનું બાઇક રેડી થઇ ગયું હતું. ઈરફાન ત્યાંથી ઓફીસ નીકળ્યો. ઓફીસનું કામ પતાવીને સાંજે ઘરે આવ્યો.

રોજની જેમ સાંજે બધા ટીવી જોતા હતા અને ઈરફાન પોતાના લેપટોપમાં સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો. ફેસબુક પર અશ્વિનીની ફ્રેન્ડ રિકવેસટ હતી. ઈરફાનએ રિકવેસટ એક્સેપ્ટ કરી. રિકવેસટ એક્સેપ્ટ કર્યા બાદ ઈરફાનની નજર સજેસ્ટડ ફ્રેન્ડ લિસ્ટ પર પડી. પેલી જોગર્સ પાર્કવાળી છોકરીનો પ્રોફાઇલ પર ફોટો હતો. ઈરફાન એ આઈ.ડી. ખોલી તો છોકરીની સ્કુલને બધું એજ હતું પણ નામ એને કંઇક અજીબ રાખ્યું હતું. (એંજલ...) ઈરફાનને લાગ્યું કે આ નામ તો નહિ હોય પણ ફોટો તો એનો જ છે. પ્રોફાઇલ સ્ક્રોલ કરતા કરતા જોયું તો અશ્વિની આ છોકરીની મ્યુચલ ફ્રેન્ડ હતી. ફક્ત એક જ મ્યુચલ ફ્રેન્ડ અને એ પણ અશ્વિની. ઈરફાનનો ચહેરો આ જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયો. એને થયું કે આજે મેં અશ્વિની સાથે ઘણો સમય સપેન્ટ કર્યો પણ આ વાત ન પૂછી. ઈરફાનને ક્યાં ખબર હતી કે એ છોકરી અશ્વિનીની મિત્ર હોઈ શકે. પણ ઈરફાનને એક અજીબ ખુશી વર્તાઈ કે હવે અશ્વિની દ્વારા એ છોકરી વિષે કંઇક તો માહિતી મળી શકશે.

ઈરફાન એ મોબાઇલ લીધો. અશ્વિની પાસેથી આજે જ એનો ફોન નંબર લીધો હતો એ નંબર વોટ્સઅપ પર સર્ચ કર્યો. અશ્વિનીના ફોટોવાળું પ્રોફાઇલ મળ્યું. ઈરફાન એ અશ્વિનીને મેસેજ કર્યો. અશ્વિની કદાચ બીઝી હશે એટલે મેસેજ નથી જોયો એમ કરીને ઈરફાન એ રાહ જોવાનું વિચાર્યું. મનોમન એક ઉત્સુક્તા જન્મી. આતુરતા વધવા લાગી પણ કદાચ અશ્વિની કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે મોડી રાત સુધી વેઇટ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો.

[ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Drama