Dina Chhelavda

Romance Fantasy

4.3  

Dina Chhelavda

Romance Fantasy

યાદોની મોસમ

યાદોની મોસમ

4 mins
155


આખા દિવસનો તપતો સૂરજ સાંજ પડે પોતાની ગરમીને દરિયામાં સમાવીને ઓગાળવા તલપાપડ થઈને જાણે કોઈ પ્રેમી પંખીડાની જેમ દરિયાને ચૂમી રહ્યો હતો. સવારથી નીકળેલા પંખીડાઓ સાંજ પડતા જ માળામાં કલરવ કરતા પાછા ફરી રહ્યા હતા. કિનારાની રેતી સોનેરી રંગમાં રંગાઈને દરિયાના મોજાં સાથે સંગેમરમરની જેમ સરકતી હતી. ક્યાંક દૂર વાગતા આ ગીતના શબ્દો હવા સંગ વહેતા વહેતા મોસમના કાનમાં અથડાતા હતા.. 

કહીં દૂર જબ દિન ઢલ જાયે 

સાંજ કી દુલ્હન બદન ચુરાયે

ચુપકે સે આયે... 

કિનારાથી થોડે દૂર બેઠી એ ભીની રેતી પર એની આંગળીઓ ફેરવી રહી હતી. સંધ્યાના સોનેરી રંગોમાં માનસપટ પર છવાયેલી વિવિધ લાગણીઓની માળા સર્જતુ એનું મન યાદોમાં વિહરી રહ્યું હતું. એ કેસરિયો રંગ તેના હૃદયમાં વસેલી એ ક્ષણોને વાગોળી ફરીવાર એ સમયને જાણે માણતી હોય એમ મંદ મધુર મુસ્કાન એના હોઠો પર છવાયેલી હતી. એને જોઈને જાણે આસમાનમાં ચાંદ પણ મલકી રહ્યો હતો. ચંદ્રની ચાંદનીમાં એનું સૌંદર્ય આકાશમાં ઝબુકતા તારાઓને પણ ઝાંખા પાડી રહ્યું હતું. એની નજર પ્રકૃતિની અદભુત રચનાનું નિરીક્ષણ કરતી હતી. 

શરદપૂનમની રાતનો ચંદ્ર એકદમ પૂર્ણ ! એને જોઈને મોસમને આ શ્લોક યાદ આવી ગયો.. 

ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે !

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ! 

એ વિચારતી હતી કે પૂર્ણ એટલે પુરેપુરું, અધૂરું કે ઓછું નહીં તેવું. પૂર્ણતા આમ પણ એકલી ન રહે. પૂર્ણતાનો પ્રભાવ સામે છેડે પણ અનુભવાય જ. આવો પૂર્ણ ખીલેલો ચંદ્ર એટલે આ રાતનું આકર્ષણ.. રોમાન્સની પરાકાષ્ઠા. બહારનું ઝાકમઝોળ અજવાળું અત્યારે જાણે મોસમના ભીતરમાં પણ પ્રકાશ પાથરી રહ્યું હતું. એ ચંદ્રને જોઈને યાદો ચાંદનીની જેમ એની આસપાસ પ્રકાશ પાથરતી હતી. હા, ગયા વરસે એ આ જ દિવસે એની ખાસ સહેલી રાજવી સાથે અહીં બેસીને ચાંદની રાતમાં એમના બાળપણની યાદોને માણી રહી હતી. 

એને હમણાંથી વાર્તાલેખનમાં રસ જાગ્યો છે એ વાત એણે રાજવીને કહી હતી. એ યાદ આવતા જ એના મુખ પર આછું સ્મિત છલકાઈ ઉઠ્યું. એનું મન ફરી આ પ્રકૃતિનું વર્ણન કાગળ પર કંડારવા અધીરું બન્યું હતું. ચાંદની રાતે આકાશમાં સોળે કળાએ ખીલેલો ચંદ્ર ધરતી પર ચાંદનીની શીતળતા રેલાવતો એ બંનેને એની ઠંડકથી તરબતર કરતો હતો. એને જોતાં જ મોસમના હૃદયમાં સંગીતના સૂર વહેવા લાગતા. એને ગમતું રાતના સૌંદર્યને માણવું.. એને ચાહવું.. એના અનુપમ સૌંદર્યને નિહાળીને એ મહેસુસ કરી શકતી એનો નિર્મળ પ્રેમ.

એ રાતે પ્રકૃતિને ખોળે બેસી એના આ પૂર્ણ સ્વરૂપની મજા માણતી મોસમ સપનામાં ખોવાયેલી હોય છે. આમ તો એ નાનપણથી જ ચંદ્રની દિવાની. ખાલી પૂર્ણ ચંદ્ર જ કેમ ! એને તો રોજ રાત્રે આકાશમાં ખીલતા ચંદ્રને માણવાનો બચપણથી જ લગાવ હતો. ટીમટીમ કરતા તારલાઓ વચ્ચે શોભતા ચંદ્રનું આકર્ષણ કોને ન થાય ! એ રાતનો ચાંદ એના રોમેરોમમાં સ્પંદન જગાડતો. 

એને યાદ આવ્યું કે એ નાની હતી ત્યારે તો આકાશમાં ચંદ્રનું આગમન થતા જ એને નિહાળવા અગાશીએ દોડી જતી. ઉંમરની સાથે એ સૌંદર્યને પીવાનો એનો પ્રેમ વધતો જ ગયો. સાંજ પડતા જ એના મનને ચકોરની જેમ પ્રતિક્ષા રહેતી.. ચંદ્ર ખીલી ઉઠતો અને મોસમ ઝૂમી ઉઠતી આનંદથી, એની સાથે કંઈ કેટલીય વાતો કરતી રહેતી. ચંદ્ર એની ચાંદનીમાં એને ભીંજવતો રહેતો રાતમાં અને મોસમ એના શબ્દોથી એને ભીંજવતી રહેતી વાતમાં. 

એને થતું કે જિંદગીભર એ બસ એને ચાહતી જ રહે. એવી એ ચંદ્ર પાછળ પાગલ થતી કે એ રાતે રાજવીને કહેતી હતી, ચાલને સખી આપણે આ ચંદ્ર પર લટાર મારી આવીએ અને પછી પોતે જ ખડખડાટ હસી પડી હતી. એને એમ થતું કે આ કલ્પનાની પાંખો પહેરીને એ અત્યારે જ ચાંદ પર પહોંચી જાય. અને નહીં તો પાછા આપણે એ બાળપણમાં જતા રહીએ. કેટલી મજા હતી એ દિવસોમાં.. એ નિર્દોષ હાસ્યમાં.. એ ઘર ગોખલામાં. એ અગાશીમાં રમાતી રમતોમાં. 

ચાંદની રાતે ચંદ્ર આકાશમાંથી અમૃતબુંદો વરસાવતો અભિષેક કરતો હોય. અહાહા ! એ રાતના સૌંદર્યને માણતા તો આનંદ અને ઉલ્લાસનો નશો કોને ન ચડે. બસ આ સૌંદર્ય માણતા આવડવું જોઈએ.. સૌંદર્યને પામતા આવડવું જોઈએ. એ માટેનો સમય જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે માણસ પાસે આવા કુદરતી સૌંદર્યને માણવાનો સમય જ નથી હોતો..! એ મનોમન વિચારતી હતી. 

એ રાજવીને હંમેશા કહેતી કે તું પણ આકાશ સામે મીટ માંડીને ક્યારેક એ રાતના સૌંદર્યને માણી તો જોજે, મારી જેમ એની ચાહક થઈ જઈશ તું પણ હોં.. એમાં પણ શરદપૂનમની રાત એવી રાત છે કે.. ઈશ્વરની પ્રેમમય સૃષ્ટિમાં તલ્લીન થઈ પૂર્ણ ચંદ્રમાની ધવલ ચાંદનીમાં દુધપૌંઆ ખાઈ સૌંદર્યનું પાન કરતા પ્રકૃતિની લીલાને માણતા તેના ઝીણા સ્પંદનોમાં ઝુમી જ ઉઠાય. 

એને થતું કે ચાંદનીની શીતળતા મનને મહેકાવે.. એ ક્ષણોને માણવી એટલે જ સુખ. ખરેખર, સુખ શોધતા માણસે એ સમજવાનું છે કે સુખ શોધવાનું નથી હોતું પણ માણવાનું હોય છે. સુખની સુરાવલી વહેતી હોય, ત્યારે ધ્યાન દઈને સાંભળીએ તો કદાચ કૃષ્ણની વાંસળી અને રાધાના ઝાંઝરનો મીઠો રણકાર ક્યારેક સંભળાશે ખરા..કારણકે પૂનમની રાત એટલે મહારાસની રાત..એ રાત એટલે વૃંદાવનમાં વાગતી મધુર વાંસળી અને રણઝણતા ઝાંઝરનો સંગમ. એ મહારાસના દ્રશ્યની મધુર કલ્પનાના સ્પર્શે મોસમનું મન તો રંગીન પતંગિયુ બની વિહરવા લાગે વૃંદાવનની કુંજ ગલીઓમાં.. ચાંદની રાતમાં. એ માનતી હતી કે આ ક્ષણોને માણવી એટલે સુખ જ સુખ. બસ આજે તો એ રાજવી સાથે થયેલી એ વાતોમાં જ ખોવાયેલી હતી. 

અચાનક એક મોટુ મોજુ એની યાદોમાં ખલેલ પહોંચાડતું એના ચરણને સ્પર્શી ચમકતી રેતી સંગ ખળખળ વહી ગયું હતું. આવી નયનરમ્ય રાતે કિનારે છવાયેલા ચાંદનીના આછા ઉજાસમાં એ બધી યાદોને પાછળ છોડી વિચારોને થોડો આરામ આપી અપલક નજરે ચંદ્રને નિહાળતા એનું પ્રિય ગીત ધીરેધીરે ગણગણતી હતી... 

યે રાત ભીગી ભીગી યે મસ્ત ફિજાએ 

ઉઠા ધીરે ધીરે વો ચાંદ પ્યારા પ્યારા.


Rate this content
Log in

Similar gujarati story from Romance