Dina Chhelavda

Romance Fantasy

4.7  

Dina Chhelavda

Romance Fantasy

વરસાદને પત્ર

વરસાદને પત્ર

3 mins
443


પ્રિય વરસાદ, 

મને ભીંજવે તું ઝરમર વરસી અને તને ભીંજવુ હું મારી કલમથી વરસી ! 

આમ એકમેકને ભીંજવતા આપણે કેવા વરસી જઈએ ને જીવનના આ રંગોને ભરપૂર માણીએ. મારો પ્રથમ પ્રેમ એટલે તું વરસાદ ! ચોમાસાની ઋતુમાં તારું આગમન થાય અને મારી મનગમતી ઋતુ એટલે જ તું. તને હું ઋતુઓની રાણી કહું કે ઝરમરતી વાણી કહું ! હા, કવિઓ અને પ્રકૃતિ પ્રેમીઓ તો તને મહારાણી જ કહે છે. આ સૃષ્ટિનું સૌભાગ્ય છે કે તારા આગમનથી એ સંપૂર્ણપણે ખીલી ઊઠે છે. અરે, તું તો માનવજીવનની ગંગોત્રી છે. જીવમાત્રનો આધાર જ તું છે. આમ તો અમારી અન્નપૂર્ણા પણ તું જ કહેવાય. કારણકે તું આવે ને ખેતરો હરિયાળા બને અને પાક લહેરાતો આનંદે મ્હોરી ઊઠે. મારી જેમ આ ધરતી પણ તારા પ્રેમમાં પાગલ હોય. તને ઝીલવાની અને માણવાની મજા જ અનેરી છે. 

ઉંમરે ઉંમરે અલગ હોય છે શોખ તને માણવાનો. હું નાની હતી ને ત્યારે તું આવે કે તરત અગાશીએ દોડી જતી. તું મન મૂકીને વરસતો હોય ને હું પણ મન ભરીને એમાં ભીંજાતી તને ખુબ માણું. અને કાગળની હોડી લઈને એને તારા વહેતા પાણીમાં વહેતી મૂકી ખૂબ ખુશ થાઉં. જેમ મોટી થતી ગઈ ને તારા પ્રત્યેનો મારો પ્રેમ પણ વધતો જ ગયો. તારા આવવાની રાહ હું ચાતકની જેમ જોઉં હો. તું તો મારો શ્ર્વાસ છે. વરસોની તરસી હું તારા આગમને એવી ઝૂમી ઊઠું આનંદથી ને તું પણ મને મળવા આતુર હોય એમ તારી એક એક બુંદ વરસાવી મારી ઝુલ્ફોમાં મોતી બની ચમકી ઊઠે છે. એ બુંદોમાં ભીંજાઈને મને પણ તારા પર વરસવાનું મન થઈ જાય ને મારા શબ્દોથી હું પણ તને ભીંજવી જ દઉં આજે તો. તને તો ખબર જ છે ભીંજાવું ને ભીંજવવું એ મજા અલગ છે. 

તારા આગમનની છડી પોકારતો આવે તું હો ! ગાજવીજ સાથે તું આવે ને હું મસ્ત મસ્ત કવિતા લખું તારા આવવાની ખુશીમાં. આમ તો હું કોઈ લેખિકા નથી કે નથી કોઈ કવિયત્રી. છતાં પણ એ ખુશીથી ભીંજાતી હું ખીલી ઊઠું ને મારું મન પણ મયૂરની જેમ નાચી ઊઠે. અને મનની લાગણીઓ લખીને હું અભિવ્યક્ત કરતી રહું છું. 

આજ વાદળો ગાજે છે આભમાં ! 

વાદળના ઝૂમખામાં સરતુ આકાશ હવે અવનીને ભીંજવશે વ્હાલમાં

અંબરની આંખ્યુમાં જામ્યું ચોમાસું હવે ધોધમાર ખાબકશે હાલમાં 

ક્યાંક મેહુલો ગાજે છે રાહમાં ! 

 આમ તરસી ધરતીને તું તારા વ્હાલથી ભીંજવીને કેવી લીલીછમ્મ કરી દે છે. જાણે ધરતીએ લીલી ઓઢણી ઓઢી લીધી હરિયાળી. પ્રકૃતિમાં પ્રાણ પુરાઈ જાય છે. નવી તાજગી પ્રસરી જાય છે. વૃક્ષો તો નવપલ્લવિત થઈને તારી સાથે કેવા ડોલી ઊઠે છે. 

આકાશમાં જેવા ઘનઘોર વાદળો છવાઈ જાય ને પેલા સૂરજને પણ છુપાવી દે. ને ક્યારેક સૂરજ પણ જીદ કરીને છુપાય જ નહીં ને તું પણ વરસવાનું શરુ કરી દે એ સમયે જે સપ્તરંગી મેઘધનુષ ખીલે તેનાથી નીલગગન કેવું શોભી ઊઠે છે. અહાહા...! મજા પડી જાય હો બાકી. ઝરમરતી વર્ષા અને મેઘધનુષ. સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે. એ દ્રશ્ય નજર સામે તરવરે ને ફરી એક કવિતા રચાઈ ગઈ મારાથી... 

 કુદરતની આજ કમાલ થઈ ગઈ,

 વાદળ ગરજતા ધમાલ થઈ ગઈ !

 અંબરે મેઘધનુષી રંગત જામીને,

 સૃષ્ટિ સઘળી જમાલ થઈ ગઈ ! 

 તારા આગમનથી કવિઓ બધાં ખીલી ઊઠે હો. મસ્ત મસ્ત વરસાદી રચના રચવાની મજા પડી જાય સહુને. મને પણ ખુબ જ ગમે તારા પર શબ્દોથી વરસવું. હૈયું ઝાલ્યું ના રહે હો. ભીની ભીની માટીની સુગંધમાં એવું ખોવાઈ જવાય ને કે એને શ્ર્વાસમાં ભરીને અંતરથી મ્હેંકી ઉઠાય જાણે. તને પ્રેમપત્ર લખુંને એમાં શ્રૃંગાર રસ ના હોય એવું તો બને જ નહીં ને... 

વરસાદ, માટી, સુગંધ, સાંજ ને મારું દિલ 

રંગભીની મોસમે વરસી, હું ચ્હેકી રહી છું !

ઝરમરે હું ભીંજાઉ ને તું મારામાં અનરાધાર

ભર ચોમાસે તરબતર, હા હું બ્હેકી રહી છું! 

આમ પ્રેમીઓની પણ મોસમ રંગીન બની જાય તારા આગમનથી. બહાર મૂશળધાર તું વરસતો હોય અને અંદર તારા આગમનની ખુશીમાં ઝૂમી ઉઠતાં બે હૈયાં હિલોળે ચઢે, એક થાય ને તરસ્યા હોઠોની તરસ છીપાવતા બંને એકબીજામાં ખોવાઈને એકબીજા પર અનરાધાર વરસી પડતા હોય છે. 

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

ભીગી ભીગી ઋત મેં તુમ હમ હમ તુમ.... 

આજે તો ખુબ શબ્દોનો વરસાદ વરસાવી દીધો તારા પર હવે અહીં વિરમું છું. 

 લિ,

 તારી વ્હાલી શબ્દપ્રિયા


Rate this content
Log in

Similar gujarati story from Romance