વસંતની વિદાય
વસંતની વિદાય
ઘરના ઉપરના માળે, ઝરૂખામાં ઊભા ઊભા નિખિલ વિદાય થઈ રહેલી નેહાને જોઈને બોલ્યો "સમય રહેતા દિલની વાત કહી દીધી હોત તો આજે.."
નિખિલનો ખાસ મિત્ર પરમ એની હાલત સમજી શકતો હતો. આજથી બરાબર એકાદ વર્ષ પહેલાં સામેના ઘરમાં નેહા રહેવા આવી હતી. લાંબા કાળા વાળ, ગોરો વાન, થોડી માંજરી આંખો, રૂપ એવું કે કોઈ પણ એક નજર જોવાનું ના ચૂકે ! બસ આજ ઝરૂખામાં ઊભા ઊભા નિખિલે એને પહેલી વાર જોઈ હતી. ત્યારથી એને મનમાં ઘંટડીઓ વાગતી હતી.
પરમ રોજ એને કહેતો કે "જા અને મનની વાત એને કહી દે", પણ નિખિલ કાલ કાલ કરતો રહેતો. એક દિવસ હિંમત કરી અને એને કહેવાના આશયથી ગયો. જઈને વાત શરૂ કરવા જતો હતો ત્યાં જ નેહાની મમ્મી આવી અને કહેવા લાગી "નિખિલ આપણી નેહાનું નક્કી થઈ ગયું છે. બસ આવતા મહિનાની દસ તારીખે લગ્ન છે. ઘણા કામ છે બેટા, તું મદદ કરીશ ને ?" આ સાંભળીને નિખિલ સ્તબ્ધ થઈ ગયો, શું જવાબ આપવો એને ખબર ન પડી. એ ઘરે રહ્યો અને પછીના ત્રીસ દિવસ કેવા ગયા એ ફક્ત એજ જાણતો હતો અને એનો આ મિત્ર પરમ !
આજે એના જીવનની વસંત પર એવો પવન ફૂંકાયો કે જીવન પાનખર બની ગયું. રોજ આજ ઝરૂખામાં બેઠા બેઠા એ વસંત આવવાની વાટ જોતો રહે છે.
