કુદરતની કરામત
કુદરતની કરામત
કુદરતની બનાવેલી દરેક વસ્તુ એક અનોખી કરામત છે. કાળા માથાનો માનવી આજના આ વૈજ્ઞાનિક યુગમાં અનેક શોધખોળ કરી અને કુદરતને માત આપવા માંગે છે પણ એ શક્ય નથી. આમ કરવામાં માનવી કુદરતને કંઈ કેટલુંય નુકશાન પહોંચાડે છે એની એને ખબર નથી, છેવટે નુકસાન પણ એને જ છે.
સેગવા ગામમાં એક મધ્યમ વર્ગના ઘરમાં બે દીકરા જન્મ્યા ને ઘરમાં જાણે ખુશીનો માહોલ છવાઈ ગયો. આખા ગામમાં પેંડા વહેંચ્યા. સમય સાથે બંને મોટા થતાં ગયા. છ મહિનાના થાય છતાં બંનેમાંથી કોઈના મોંઢામાંથી કોઈ જાતનો અવાજ ના સંભળાયો, બાકી હલનચલન, આંખો ફેરવવી બધું બરાબર. માતાને થોડી ચિંતા થઈ પણ પિતએ સાંત્વના આપતા કહ્યું "હજુ સમય આવવા દે, એટલું બોલશે બંને કે તું સાંભળીને થાકી જઈશ." એમ કરતાં કરતાં વર્ષ પૂરું થયું પણ કોઈ જ ફેરફાર નહીં. હવે પિતાને પણ ચિંતા થઈ. બંને જણા બાળકોને લઈને શહેરમાં ગયા અને ડોક્ટરી તપાસ કરાવતા ખબર પડી કે એક બહેરો અને એક મૂંગો છે. માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વર્ષો પછી ભગવાને બાળક આપ્યા અને એ પણ આવા ! નિરાશા સાથે બંને ગામ પાછા ગયા.
કહેવાય છે ને કે જોડીયા બાળકોને એકબીજા માટે કઈ ખાસ લાગણી અને ખાસ લગાવ હોય છે, આ બંનેને પણ એવું જ હતું. બંને મોટા થયા અને માબાપે એમને ખાસ પ્રકારની શાળામાં મૂક્યા. એક અવાજ સાંભળે અને બીજો સમજી જાય. એક ભાષા બોલે તો બીજો ભાષા બતાવે. કુદરત એક શક્તિ લે તો બીજી અનેક આપે છે. આ બંને ભાઈઓએ કુદરતે આપેલી ખોટને નહિ પણ એમને આપેલી શક્તિઓને ખીલવી.
બંને જણા ભણીગણીને આજે બહેરા મૂંગાની પોતાની શાળા ચલાવે છે. બંને જણાએ એકબીજાની ક્ષતિને એવી ઢાંકી કે બધા મોમાં આંગળા નાખી ગયા "કુદરતની આ તે કેવી કરામત" ભલભલા સાજાને પણ શરમાવે !
