STORYMIRROR

Anand Gajjar

Inspirational Abstract

5.0  

Anand Gajjar

Inspirational Abstract

વૃદ્ધાશ્રમની મુલાકાત

વૃદ્ધાશ્રમની મુલાકાત

6 mins
35.2K


(છેલ્લા ૨ દિવસથી મન વ્યાકુળ હતું. મનમાં એક પ્રકારની બેચેની હતી, એક ચિંતા હતી. આખરે શુ વાંક હતો એ વૃદ્ધ મા-બાપ નો ? કે જેના કારણે એમને વૃદ્ધાશ્રમમાં મુકવામાં આવ્યા હતા ? બસ ખાલી આ જ પ્રકારની બેચેની હતી. જેને મારી ઊંઘ ઉડાડી દીધી હતી અને અંતે મેં મારી મનની વ્યાકુળતા, ચિંતા તમારી સાથે વહેંચવાનો નિર્ણય કર્યો અને આ નાનકડો લેખ લખી રહ્યો છું.)

થોડા દિવસ પહેલા અમારા ગ્રુપે નક્કી કર્યું હતું કે આ રવિવારની રજામાં વૃદ્ધાશ્રમ જવામાં આવે અને આખો દિવસ એ લોકો સાથે વિતાવવામાં આવે. એ લોકો એમની જિંદગી કઈ રીતે પસાર કરી રહ્યા છે એ જાણવામાં આવે. અમે લોકો થોડા કપડાં અને મીઠાઓ લઈ લીધી જેથી કરી ને ત્યાં આપી શકાય. અમે ચાર-પાંચ મિત્રો ત્યાં જવા માટે નીકળી પડ્યા. અમે લોકો ત્યાં પહોંચ્યા અને જોયું કે ત્યાં ચાર-પાંચની સંખ્યામાં વૃદ્ધ કપલ્સ હતા. જે પોતાની કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા. કોઈક બગીચામાં પાણી છાંટતું હતું તો કોઈક ચીજ વસ્તુ સાફ કરી રહ્યું હતું. અમને લોકોને આવેલા જોઈને થોડા સમય માટે એ લોકો પોતપોતાના કામમાંથી થોડો સમય નિવૃત થયા અને અમારી પાસે આવ્યા. એ બધા લોકો અમારા જેવા ટીનેજર્સને જોઈ ને ખુશ થયા કારણ કે અમને જોઈને એ લોકોને લાગતું હતું કે જાણે પોતાના દીકરા એમને મળવા આવ્યા હોય. અમે લોકો એ એમના માટે લાવેલી ગિફ્ટ એમને આપી જે એમના મોઢા પર કોઈક અનેરું સ્મિત લાવી ગઈ. પછી અમે લોકો એક એક કરીને કપલ્સ સાથે વૃદ્ધાશ્રમમાં ફરવા માટે નીકળ્યા જેથી કરીને એમની સાથે વાતો કરી શકાય અને એ લોકો પણ થોડો સમય અમારા જેવા ટીનેજર્સ સાથે વિતાવી શકે. મારી સાથે પણ એક વૃદ્ધ કપલ હતું જેમની ઉંમર લગભગ ચોપ્પન-પંચાવન વર્ષની હશે એવું એમના શરીર અને મોઢા પરથી લાગી રહ્યું હતું. મેં મારા વિશે થોડો પરિચય આપ્યો અને અહીંયા આવવાનું કારણ જણાવ્યું. તેઓ પણ ખૂબ ખુશ થયા અને આ ખુશીની કારણે તેમની આંખો છલકાઈ ગઈ જેના કારણે મારી પણ આંખો ભરાઈ ગઈ. મારાથી રહેવાયું નહિ એટલે આંસુનું કારણ અને અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવાનું કારણ પુછાઈ ગયું. જેના જવાબમાં એક મજબૂર અને લાચાર મા-બાપનું નિસાસા સાથેનું રુદન હતું. 

બેટા, અમારે તારા જેવો એક દીકરો છે. જે એક ખૂબ સારી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરે છે અને ખૂબ સારી એવી આવક પણ છે. અમે તો ગરીબ હતા અને અભણ પણ. એટલે અમે લોકો જિંદગીમાં કાઈ કરી ન શક્યા. પણ અમે અમારા દીકરાને મોટો કરવામાં કોઈ જાતની કંજુસાઈ નહોતી કરી. રાત દિવસ એક કરીને અને કાળી મજૂરી કરીને અમે એને ભણાવ્યો અને મોટો કર્યો. ભણીગણીને એને સારી કંપનીમાં નોકરી મળી ગઈ. તેને ત્યાં જ કામ કરતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને અમે પણ એની ખુશીમાંજ અમારી ખુશી સમજીને એને લગ્ન કરવાની પરવાનગી આપી દીધી. એ બંને લોકો સવારમાં ઉઠીને નોકરી પર ચાલ્યા જતા અને સાંજે મોડા પાછા આવતા. એમના વગર તો અમને આખું ઘર ભેંકાર લાગતું હતું. અમે લોકો રાહ જોતા કે ક્યારે તે લોકો આવે અને સાથે જમવા બેસીએ. પણ એ લોકો ક્યારેક બહાર જમીને આવતા અને અમે ભૂખ્યા પેટે એમની રાહ જોઈને બેસી રહેતા.

શરૂઆતના સમય માં તો બધું ખૂબ સરસ ચાલતું હતું. પણ જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ એ બંનેનો સ્વભાવ બદલાતો ગયો. એ લોકો પોતાની લાઈફમાં બીજી રહેતા. ક્યારેક બહાર ફરવા જવું, ફ્રેન્ડ્સના ઘરે જવું, પાર્ટીમાં જવું વગેરે જગ્યા એ જવા માટે એમની પાસે સમય હતો પણ વૃદ્ધ માં-બાપ સાથે બેસવા કે વાતો કરવાનો સમય નહોતો. એ લોકોને અમને ક્યારેક હોટેલમાં જમવા માટે લઈ જવામાં પણ શરમ આવતી હતી. અમે લોકો આખો દિવસ ઘરમાં એક મરેલા દેહની જેમ રહેતા હતા. ના તો અમે ક્યાંય ફરવા જઇ શકતા કે ના તો બહાર. જો ક્યાંય બહાર જવાની વાત કરવામાં આવે તો હવે તમારે આ ઉંમરમાં ક્યાં ફરવા જવું છે એવું બોલીને અમારી વાત ટાળી દેવામાં આવતી. ઘરમાં સાથે રહેતા હોવા છતાં પણ બધાના એકબીજા સાથે અબોલા હોય એ રીતે વર્તણુક થતી. સમય જેમ પસાર થતો ગયો એમ લોકો નો અમારા માટેનો પ્રેમ અને કાળજી ઓછી થતી ગઇ. હવે આ ઉંમરમાં અમારાથી કાઈ બોલી શકાય એવું નહોતું. અને ધીમે ધીમે નાના ઝગડાઓએ ઘરમાં જગ્યા લીધી. અને આખરે એક દિવસ સમય એવી રીતે પલટાયો કે સમય અમને અમારા જ દીકરા દ્વારા અહીંયા વૃદ્ધાશ્રમના દરવાજા પાસે મૂકી ગયો. જેને અમે નિસ્વાર્થ પ્રેમથી પેટ પર પાટા બાંધીને મોટો કર્યો હતો અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે કાળીમજૂરી કરી હતી. આજે તો એને પણ એક દીકરો છે જે કદાચ ૭ વર્ષનો થઈ ગયો હશે. અમને એના માટે કોઈ જ ગુસ્સો કે ક્ષોભ નથી. અને અમારા માટે તો આજે પણ એ અમારો દીકરો જ છે. ભગવાન એને હમેશા ખુશ રાખે અને ક્યારેય એને દુઃખ ના આવે તેટલી જ પ્રાર્થના છે અમારી. હવે અમારી એક જ છેલ્લી ઈચ્છા છે કે ફક્ત એકવાર અમારો દીકરો અમને મળવા આવે અને પ્રેમથી માતા - પિતા કહે અને અમને ગળે લગાવે.

આટલું સાંભળતા મારા આંખ માંથી અશ્રુધારા વહી ગઈ...

( સાહેબ, મારા લેખથી કોઈ દીકરા-દીકરીની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો મને માફ કરી દેજો. મારો ઈરાદો કોઈ પર ટીકા કે કટાક્ષ કરવાનો નથી. મારા શબ્દો તમને જરૂર કડવા લાગશે પણ આ જ સત્ય હકીકત છે આજ ના છોકરા-છોકરીની જે લોકો પોતાના સ્વાર્થ માટે માં- બાપના કરેલા ઉપકારો ભૂલી જાય છે. કોઈક પોતાના પ્રેમને પામવા માટે મા-બાપને છોડી દે છે, કોઈક પોતાની નોકરી માટે માં-બાપને છોડીને વિદેશ જતાં રહે છે. તો કોઈકને સમય જતાં માં-બાપ પોતાના પર બોજરૂપ લાગવા માંડે છે જેના કારણે માતા-પિતાને વૃદ્ધાશ્રમનો દરવાજો ખખડાવવાનો વારો આવે છે. આપણે આપણા લોભના કારણે એ ભૂલી જઈએ છીએ કે માં-બાપે પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા છે. એમણે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે એમના સુખ અને શોખ છોડ્યા છે. એ ઈચ્છે છે કે એ લોકોએ જિંદગીમાં જે કાળી મજુરી કરી એવી મજૂરી આપણે ના કરીયે. એવું પણ હશે કે ઘણા માં-બાપે પોતે ભૂખ્યા રહીને છોકરાઓને જમાડ્યા હશે. અને હવે જ્યારે એમની ઉંમર થઈ જાય છે અને એમનું શરીર બોજ ઉપાડતા થાકી જાય છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે એમનો બોજ ઉપાડી લઇએ. એમને આપણા પર જે ઉપકાર કર્યા એનો બદલો આપણે કદાચ ૭ જન્મમાં પણ ના ચૂકવી શકીએ. પણ જો આ એક જન્મ એમને સાચવી લઈએ તો આપણાં સાત જન્મ કદાચ સુધરી જાય. અરે સાહેબ, ખુદ ભગવાનને પણ જન્મ લેવા માટે માં-બાપની જરૂર પડી હતી. તો આપણે તો ખાલી એક સાધારણ મનુષ્ય છીએ. માં-બાપનો પ્રેમ શુ હોય છે ને એ ખાલી એક અનાથને જઇને પૂછજો સાહેબ જવાબ મળી જશે. ખાલી એક વિનંતી કરું છું, કે ક્યારેય પોતાના સ્વાર્થ માટે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે પણ પોતાના મા-બાપને છોડશો નહિ. જો માં-બાપ ના આશીર્વાદ હશે તો બધી મુશ્કેલી સમય જતાં દૂર થઈ જશે. અને જો એમની બદદુઆ લાગશેને તો ખુદ ભગવાન પણ તમારી સામું નહિ જોવે. ક્યારેક સમય મળે તો વૃદ્ધાશ્રમમા જઇ આવજો અને એમની સાથે સમય વિતાવજો. જો જરૂર પડે તો એ માં-બાપને અપનાવી પણ લેજો. અને એક સારો વિચાર રજૂ કરવા માગું છું કે જો યોગ્ય લાગેને તો અનાથઆશ્રમ અને વૃદ્ધાશ્રમને ભેગા કરી નાખજો. એક અનાથને મા-બાપનો પ્રેમ અને એક વૃદ્ધ મા-બાપને જીવન જીવવાનો સહારો મળી જશે. જો માં-બાપ પર લખવા બેસું તો કદાચ મારી પાસે શબ્દો પણ ખૂટી પડે. એટલે બસ આટલું જ કહેવા માગું છું. અને ફરીવાર જો મારા લેખથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરી દેજો. અને જો લેખ વાંચ્યા પછી જો એ સારો લાગે અને મનમાં કોઈ વિચાર આવે અને રજૂ કરવાની ઈચ્છા થાય તો જરૂર એનો રીવ્યુ આપજો.)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational