વોટ્સઅપ સ્ટેટસ
વોટ્સઅપ સ્ટેટસ


"ભૈયુ મારો ફોન ઊંચકવામાં આટલી વાર કેમ કરી ? નક્કી પેલી નખરાળી જોડે ડબલા ફોન પર ગુફતગુ કરતાં હતા ને ? આજે મને ફોન કેમ ના કર્યો ? ભૈયુ મારી ફરિયાદ છે કે તમે આ આશિના લીધે મારી સાથે વાત કરવાનું ઓછું કરી દીધું છે. બાય ધ વે તમે જમ્યા કે બાકી ?"
"ઓ બકબક એક્સપ્રેસ કેટલું બોલે છે તુ. એક સાથે આટલાં બધાં સવાલોની ઝડી વરસાવી દેવાની ? તારી જીભને થોડીવાર માટે બ્રેકમાર અને આરામથી શ્વાસ લઈ લે. સાંભળ રિયુ હું હમણાંજ જમીને આવ્યો છું. પાર્કિંગમાં બાઈક પાર્ક કરતો હતો ત્યારેજ તારો કોલ આવ્યો એટલે રિસીવ કરવામાં વાર થઇ."
"ભૈયું ! આજે જમવામાં શું હતું ? તારું ફેવરિટ રીંગણનું ભડથું અને બાજરાનો રોટલો."
"અરે વાહ... બટ મમ્માનાં હાથ જેવું તો નહિ જ હોય. એ તો નાં જ હોય ને !"
"બાય ધ વે ભૈયું તમે રૂમ પર પહોંચી ગયા ?"
"હા આ રૂમનું લોક ખોલું છું. સારું... બોલ રિયુ તારો આજનો દિવસ કેવો ગયો ?"
"એકદમ ઢીંચાક... ફૂલ ધમાલ મસ્તી કરી."
"તો પછી ગુસ્સે શુ કામ છે તુ ? આ તમારી આશિએ મારો શ્વાસ અધ્ધર કરી નાંખ્યો છે. હવે પાછું તને કઈ વાતમાં વાંકુ પડ્યું ?"
"ભૈયુ તમે આશિનું વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અપડેટ જોયું ?"
"ના નથી જોયું. બોલ ને રિયુ શું છે એમાં."
"ભૈયુ એ અપડેટ જોઈને મારે મારુ લોહી નથી બાળવું. તમે જાતેજ જોઈ લો."
"હોલ્ડ ઓન હું હમણાં જ ચેક કરું છું. શુભાન અલ્લાહ ! લુકિંગ સો ગોર્જિઅસ. ડેમ ક્યુટ... આશિ કેટલી મસ્ત લાગે છે નઈ ?"
"ઓ હેલ્લો બળતામાં ઘી હોમવાનું કામ નઈ કરો. મારી સામે એની તારીફ નો વે. જો તમે એની સાઈડ લેશો ને તો તમને હું રીતસર બધાની સામે ઢીબી નાખીશ. હું એ ફેશન કવિનને બરાબર ઓળખું છું મને હેરાન કરવાંજ એ નખરાળી એ આવું કર્યું હશે."
"રિયુ શાંત થઈ જા. તને પણ મે એનાં જેવોજ ડ્રેસ લઈ આપ્યો છે ને તો તુ પણ એનાથી હટકે પિક પાડીને શેર કરને."
"ભૈયુ તમે છોને ઉદ્દીપક જેવા છો. ભૈયુ તમને યાદ છે લાસ્ટ વિક આપણે અક્ષરધામ ફરવાં ગયેલાં ત્યારે હેવમોરમાં આપણે ઘણીબધી સેલ્ફી લીધેલી."
"હા ગુડિયા મને બધું યાદ છે."
"તો એમાંની એક સેલ્ફી મે બે દિવસ પહેલાં વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં મુકી અને કેપશનમાં લખ્યું કે વિથ માય ભૈયુ. તો આશિ એ વાતનો બદલો લેવા આવી અપડેટ મૂકે છે. જુઓ ! તમારી નકચડી આશિએ હેસટેગમાં શું લખ્યું છે ?"
"લે વાત કરતાં કરતાં પાછું ક્યાં જોવા જાઉં. તુ જ બોલી દે એણે શું લખ્યું છે.
"મિસિસ આયામ પટેલ."
"ઓહ ! આવું લખ્યું એણે?"
"ઓહ વાળા... અંદરથી તો તમને પણ ગલગલિયા થવા લાગ્યા હશે. હુંહ ! એક તો તમે એને આટલી બધી છૂટ આપી રાખી છે એનું જ આ પરિણામ છે. બૌ બગડી ગઈ છે તમારી આશિ."
"હોલ્ડ ઓન રિયુ આટલો ગુસ્સો સેહત માટે સારો ના કહેવાય."
"તમે છો ને... બિલકુલ ઉદ્દીપક જેવા જ છો. જાઓ હું કટ્ટી છું તમારાથી. મારે તમારી જોડે વાત જ નથી કરવી. તમને યાદ છે એની બર્થ ડે પર એક ગિફ્ટ લેવાં માટે તમે મને આખો દિવસ કેટલા બધાં મોલના ચક્કર મરાવ્યાં હતાં. ને છેલ્લે મને શું મળ્યું બેવ તરફથી ખાલી થેંક યુ."
"અચ્છા એટલે ગુડિયાને એ બાબતનો ગુસ્સો છે એમને? હા ! એજ વાતનો ગુસ્સો છે. નકચડી જોબ કરે છે તો પણ રિટર્ન ગિફ્ટ ના આપ્યું ? રિયુ ક્યાંક એવું તો નથી ને કે આશિનો પિક જોઇને તને સ્ત્રી સહજ ઈર્ષા થઈ ગઈ હોય ?"
"ભૈયું ! તમને બધુ ખબર છે તોય તમે મને હેરાન કરો છો. જાઓ મારે તમારી જોડે વાત જ નથી કરવી. આ વખતે તમે ઘરે આવો પછી તમારી વાત છે મમ્મા ને કહીને તમારાં ખિસ્સા ખાલી ના કરવું તો મને કહેજો."
"ચોક્કસ... તારી ફરિયાદ પૂરી થઇ હોય તો હું પાણી પી લઉં ?"
"ના હજી ફરિયાદ પૂરી નથી થઇ. સાંભળો એફબીમાં નેક્સ્ટ સ્ટોરી શેર કરો ત્યારે એમાં એ નખરાળીને ટેગ નઈ કરતાં એને તો તમે બધી સ્ટોરીમાં પહેલાં ટેગ કરો છો. યુનો લાસ્ટ સ્ટોરીમાં તો તમે મને ટેગ સુદ્ધાં નોહતી કરી. હુંહ ! નવાઈનું તમારું ઓક્સિજન મારાં માટે કાર્બન ડાયોક્સાઈડ બનતું જાય છે એનું શું ? એન્ડ બીજું હમણાં ને હમણાં તમારી આશિને કહીને આ સ્ટેટ્સ ડિલીટ કરાવો. તમે શું કરશો એ હું નથી જાણતી બસ આ સ્ટેટ્સ ડિલીટ કરાવો."
"સારું હું એને કોલ કરીને કહી દઉં છું. જુઓ તો એની જોડે વાત કરવાનું આવ્યું તો કેવા હરખપદુડા થઈ ગયા ને મારી જોડે વાત કરવામાં જોર આવે છે. મને કોઈ વાંધો નથી પછી પેલું સ્ટેટ્સ ડિલિટ નઈ થાય તો ?"
"ખરી મુસીબત છે યાર હું ફોન મુકુ છું તમે એને કોલ કરીને બધી જગ્યાએથી સ્ટેટ્સ ડિલિટ કરાવજો. ભૈયું હજી પણ કહું છું એ નખરાળીનું સ્ટેટ્સ ડિલીટ કરાવજો બાકી હું તમારી જોડે વાત નઈ કરું."
"સારું રિયુ હું ડિલિટ કરાવી દઈશ."
"પાક્કુ ને ભૈયુ. હા... તો હુ ફોન મુકુ છું."
"જોયુ ને કાન્હા ! શરૂઆત એમણે કરવાની ને અંત મારે કરવાનો. ખરી છે આ સ્ત્રીસહજ ઈર્ષા.