કશ્મકશ
કશ્મકશ


ડિયર આશિ,
આજકાલ મારા મરકટ મનમાં એક અજીબ પ્રકારની કશ્મકશ ચાલી રહી છે. આજકાલ આલમ એવો થયો છે કે તને રૂબરૂ જોવાની ઈચ્છાએ તીવ્ર વેગ પકડ્યો છે. પહેલાં તો થયું કે છેલ્લાં ૩ મહિનાથી તને મળ્યો નથી એટલે કદાચ આવું થતું હશે પણ મારો આ અંદાજો બિલકુલ ખોટો હતો. એમાંય આ છેલ્લાં એક અઠવાડિયાથી તો હું તને એક નજર જોવા માટે રઘવાયો થતો જાઉં છું. શું મારી આ તડપ કે આ તીવ્રતા મુલાકાત માટે કાફી નથી...? હું તને પૂછવા માંગુ છું કે આપણી એક અરસા બાદની મુલાકાતનું ચોઘડિયું ક્યારે આવશે...? તને ખબર છે ગમે એવું મોડું થયું હોય, ઓફિસ બસ પકડવાની અફડાતફડી મચી હોય તોય કાન્હા પાસે બે હાથ જોડીને બેસું છું ત્યારે સૌથી પહેલું તારું જ નામ લઉં છું. તારી સાથે મુલાકાત ક્યારે થશે એ સવાલ હું કાન્હાને અત્યાર સુધી અસંખ્ય વાર પૂછી ચુક્યો છું. તને તો ખબર જ છે કે કાન્હો આમ પણ આસાનીથી કઈં આપતો નથી. એટલે એને કાયમ ટટોળવો પડતો હોય છે અને એ પણ એની આદત મુજબ કાયમની જેમ જ મને આજે નહિં કાલે એમ કરીને કોઈને કોઈ વાતમાં ઉલઝાવી દેતો હોય છે. અને આજે શું થયું ખબર...? કાયમની જેમ કાન્હા સામે હાથ જોડીને બેઠો હતો ત્યારે એ તારા વિશે કહેવા લાગ્યો કે હું જેટલો તને મળવા માટે બેચેન છું એટલું જ આશિ પણ તને મળવા માટે એટલી બેચેન છે. તો મેં એને પૂછ્યું કે તો પછી તું અમારી આટલી આકરી પરીક્ષા કેમ કરે છે...? તો કાન્હા એ કીધું કે બચ્ચું... ઘડિયાળમાં જો બસ ઉપડવામાં ખાલી ૨ મિનિટ બાકી છે ને તું ઓલરેડી લેટ છે. જો તે આજે બસ પકડી તો તમારી મુલાકાત ચોક્કસ થશે. પછી તો પૂછવું જ શું...? રૂમ લોક કરીને ભાગ્યો ઓફિસ બસ પકડવા. ગ્રાઉન્ડમાંથી બસ નીકળી ચૂકી હતી એટલે ફૂલ સ્પીડમાં ભાગવું જરૂરી હતી અને મેં તને મળવાની ચાહતમાં એડી ચોટીનું જોર લગાવી દીધું. બસમાં ચઢીને કાન્હાને જોઈને કહ્યું કે હવે તો મુલાકાત થશે ને...? તો એ એની અદામાં હસ્યો અને બોલ્યો કે આયુડા બેન્ડમાં તારી હાર્ટબીટ ચેક કરી ઓલરેડી ૧૪૯ અપ છે. પહેલાં તું થોડો શાંત થઈ જા પછી આપણે બધી વાત કરીશું. હું જેવો શાંત થયો તો કાન્હા એ કહ્યું કે આશિને મેસેજ કરીને મુલાકાતનું ચોઘડિયું ફિક્સ કરી દે.
તને મેસેજમાં શું લખું એ ચક્કરમાં 9 વાર ટાઈપ કરેલો મેસેજ મે ફરીથી ડિલીટ કરી નાંખ્યો. તારી જોડે વાત કરવાની ઈચ્છાએ મને ફરીથી વિવશ કરી નાંખ્યો ને હું ફરીથી મેસેજ ટાઈપ કરવા લાગ્યો. પણ કહેવાય છે ને કે જ્યારે મનમાં આવેગોની અફડાતફડી મચી હોય ત્યારે શું લખવું કે શું ના લખવું એનું ભાન નથી હોતું એવું જ કઈંક મારી સાથે થયું. મેસેજ લખતાં લખતાં વિચાર આવ્યો કે મેસેજ તો તને ફટ દઈને મળી જશે અને તું પણ ફટ દઈને જવાબ આપી દેશે પરંતું મારે આપણી અરસા બાદની મુલાકાતનો રોમાંચ જાળવી રાખવો હતો એટલે તને પત્ર લખવાનું સાહસ કર્યું. હા ! પત્ર.... આ વાંચીને તને પાક્કું હસું આવ્યું હશે સાથે સાથે મનમાં તો પાક્કું વઢતી હોઈશ કે આને હવે ડિજીટલ અને ૪ જી ના યુગમાં પત્ર લખવાની ધૂનકી ક્યાંથી લાગી...? તો તને કહી દઉં કે પત્ર જેવો રોમાંચ તને મેસેજમાં ક્યારેય નઈ જોવા મળે. પત્રના શબ્દે શબ્દે તને અલગ અલગ લાગણીઓનો આભાસ અચૂક થશે.
અને મેં પત્ર લખવાની શરૂઆત કરી એજ આપણી યાદગાર અથડામણ કમ યાદગાર ક્ષણને યાદ કરીને. આપણી યાદગાર ક્ષણોને મે અધૂરી ડાયરીમાં ધીમે ધીમે સંભાળીને બહુ કાળજીપૂર્વક લખી રહ્યો છું. સાચું કહું તો જ્યારે પણ આપણી દિલધડક વાતોને યાદ કરું છું ત્યારે ચહેરા પર સ્માઈલ તો અચૂક આવી જ જાય છે અને હસતા ચહેરે એ હરેક વાતોને અધૂરી ડાયરીમાં સમાવતો જાઉં છું. અને આજે રહેવાયું નઈ તો અધૂરી ડાયરીમાં લખાયેલાં આપણી યાદગાર ક્ષણોમાંની એક યાદગાર ક્ષણને પત્રનું સ્વરૂપ આપી રહ્યો છું. એ યાદગાર ક્ષણ માટે જેટલું લખું એટલું ઓછું જ પડશે. પણ હા એટલું ચોક્કસ કહીશ કે એ ક્ષણોની અનુભૂતિ કરીને મે જીવતે જીવ મોક્ષની અનુભૂતિ કરી છે જેના માટે હું તારો આજીવન ઋણી રહીશ. આપણી યાદગાર ક્ષણોની રિયાસતને હું અધૂરી ડાયરીમાં અવિરત લખી રહ્યો છું ને આગળ પણ લખતો રહીશ. એ ક્ષણ જ એવી અદભુત હતી કે એને વારંવાર માણવાની ઈચ્છા થાય. મારી અધૂરી ઈચ્છાઓમાંની એક ઈચ્છા એ પણ છે કે એ ક્ષણ હું ફરીથી જીવું. ખોટું ન માનતી મારા મનમાં જે હતું એ બધું જ આજે આ પત્રમાં ઠાલવી દીધું છે. અને જો આ ઘટના પછી પણ મારી અંદર જે હતું એ બધું બહાર કાઢવા છતાંય હું છલોછલ ભરાયેલો છું. તને મિસ યુ કહેવા કરતાં હું તને યાદ કરું છું એમ કહીશ તો આપણાં પ્રેમનું અને એ યાદગાર ક્ષણો બંનેનું મૂલ્ય આપોઆપ સચવાઈ જશે. છેલ્લે એટલું જ કહીશ કે મુલાકાતનું ચોઘડિયું તય થઈ ચૂક્યું છે બસ પ્રતિક્ષા છે તો યોગ્ય સમયની.
લિ. આયામ