વળામણાં
વળામણાં
પહેલાં તો તમે ગયાં વળીમાં બંધાઈને અને ચૂંદડી ઓઢીને ! પછી ગઈ ભીના તુલસીક્યારા પાસે પડેલી તમારાં જમણા પગની કરડો પહેરેલી આંગળીની છાપ ! પછી તમારો કબાટ ખાલી થયો. તમારો ખાટલો ઊભો થઈ ગયો. દિકરાઓ અને દીકરીઓ, પૂત્રવધૂઓ અને જમાઈઓ, લઈ ગયા તમારી એમને ગમતી યાદગીરી. ઘરેણાં, સાડી અને એન્ટિક વસ્તુઓ. કશું જ એવું ના રહ્યું જેના પર હાથ ફેરવીને તમને સ્પર્શી શકાય !
ડૂસકું ભર્યા વગર રડતાં આવડી ગયું. અને આવડી ગયુંં કોઈ ન જાણે એમ આંસુ લૂંછતાં ! તમારાં જૂનાં સ્લીપર, જેના પર તમારા અંગૂઠાના દાબનો ખાડો હતો. અને એક બાજુથી તળિયું ઘસાઈ ગયું હતું. જેના પર કોઈ ન જાણે એમ હાથ ફેરવી લેતો હતો. એ પણ આજે કોર્પોરેશનની સૂકો-ભીનો કચરો લઈ જતી ગાડીમાં ફગાવી દેવાયાં ત્યારે રડી પડાયું. આટલા દિવસનું સામટું. ધ્રૂસકે ધ્રૂસકે અને ખેંચાતી નસો સાથે. બંને હાથે વારાફરતી આંખ લૂંછતાં લૂંછતાં તમને સ્પર્શવાની ઝંખનાને અને તમને વળાવ્યાં આજે ફરીથી. કાયમ માટે...!