વિશ્વાસઘાત
વિશ્વાસઘાત
"વિશ્વાસઘાત". એક એવો શબ્દ ... આપણે બોલીએ તો પણ આપણાં રોમરોમમાં અગ્નિ પ્રગટે. વિચારો, જેણે તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હોય તેની મનોદશા કેવી થતી હશે ?
માન ,સન્માન,પ્રેમ, અપેક્ષા. બધું એક સાથે કડડભૂસ.
સુખપુર નામનાં નાનકડા એવા ગામમાં રળિયાતબા કરીને એક ડોસીમાં રહે. સંતાનમાં શ્રીકાંત નામે એકનો એક દીકરો. તેમના પતિ કનુભા તો દીકરો નાનો હતો ત્યારનાં તેમને છોડી સ્વર્ગે સિધાવી ગયેલા. પણ તેમનું સ્વપ્ન, "દીકરાને મોટો ઓફિસર બનાવવો". એ રળિયાત બાની આંખમાં આંજેલું. અને બાએ પણ પેટે પાટા બાંધી તેમનું સ્વપ્ન પૂરું કરેલું. એજ વિચારે કે "દીકરાથી વિશેષ શું ?"
સમયને જતા ક્યાં વાર લાગે છે ? શ્રીકાંત એ-વન ઓફિસર બની બોમ્બે જેવા શહેરમાં સ્થાયી થઈ ગયો અને ત્યાં લગ્ન પણ કરી લીધાં.
ના ક્રોધ, નાં ગ્લાનિ, નાં દુઃખ. પણ બાની એક ઈચ્છા તો ખરી જ, દીકરા શ્રીકાંતનું ઘર જોવાની અને તેના નાનકાને રમાડવાની.
બોમ્બેમાં શ્રીકાંતનો આલીશાન બંગલો, મોટર ,ગાડી, નોકર ચાકર બધું જોઈ સુખપુરનાં લોકો સ્તબ્ધ થઈ જતાં. અને બાને કહેતા, "બા તમે પણ જઈ આવો. ગમે તો રહેજો.ન ગમે તો આપણું અહીં ઘર ક્યાં નથી ?" જોકે, દીકરાને ભણાવવા પાછળ બા પાસે તેનો પરગજુ સ્વભાવ અને નાનકડા ખોરડાં સિવાય ક્યાં કંઈ બચ્યું જ હતું ?
અને, બાએ નક્કી કરી લીધું કે હવે તો દીકરાને ત્યાંજ રહેવું. અને ત્યાં જ જીવતર પૂરું કરવું. તહેવારો પૂરા થતાંજ તે જવા નીકળ્યા. આખું ગામ વળાવવા આવ્યું. જમાનાનાં ખાધેલ મુખીબાપાએ તો કહ્યું પણ ખરુ કે..."બા ન ગમે તો પાછા આવતા રહેજો, અમે પણ તમારા જ છીએ." પણ અતિ ઉત્સાહમાં આવેલા રળિયાતબાનું તેમાં ધ્યાન પણ નહોતું.
બીજે દિવસે વહેલી સવારે બા મુંબઈ સ્ટેશને ઉતર્યા. દીકરાને જોઈ ઘેલાઘેલા થઈ ગયા. બિચારા રળિયાતબા!! તેમને ક્યાંથી ખબર કે આ આનંદ ક્ષણિક છે. સવારથી બપોર સુધી ટેક્સીમાં આમતેમ આંટા માર્યા બાદ શ્રીકાંત તેમને હોટલમાં જમવા લઈ ગયો, ત્યારે તેમનાથી ના રહેવાયું અને બોલી ઉઠ્યા..."દીકરા તેની શું જરૂર છે ?ઘરે તો જવાનું જ છે ને..."
"કાલની કોને ખબર છે ? બા." ભરી આંખે તે એટલું જ બોલી શક્યો. જમીને બંને બાજુનાં પાર્કમાં બેઠા. ત્યાંજ શ્રીકાંતનો મોબાઈલ રણક્યો, અને એટલું જ બોલ્યો કે..."હા, હા, હમણાં જ આવું છું." કહી તેણે તેના હાથમાં ચિઠ્ઠી પકડાવી, અને બોલ્યો કે... "બા હમણાં જ આવું છું, ઓફિસેથી ફોન હતો. અને કદાચ મોડું થાય તો કોઈપણને આ ચિઠ્ઠી બતાવજો ઘર સુધી મૂકી જશે."
એક કલાક, બે કલાક. એમ કરતાં કરતાં રાતનાં આઠ વાગી ગયા. અને માંનો જીવ તાળવે ચોંટી ગયો. અનેક શંકા-કુશંકાથી મગજ તરબતર થઈ ગયું. આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. બીજી બાજુ પાર્ક બંધ કરવાનો ટાઈમ થતાં ચોકીદારની નજરે આ દ્રશ્ય પડ્યું. તેણે પૂછ્યું, "બા ઘરે નથી જવું ?"...
"ના મારો દીકરો મને લેવા આવવાનો છે, ક્યાંક કામમાં અટવાયો હશે, આવ્યો જ સમજ."બા આટલું જ બોલી શક્યા.
ચોકીદાર બધી જ વાત પામી ગયો. તેને ખબર હતી કે, કેટલાય દીકરાઓ અહીં મૂકી ગયા પછી તેમના માબાપને લેવા આવતા જ નથી. વૃધ્ધાશ્રમ જ તેમનું ઘર અને તે જ તેમનો આશરો. સહસા જ બાને ચિઠ્ઠી યાદ આવી, ને તે બોલી ઉઠ્યા... "દીકરા આ સરનામે પહોંચાડી દે..ભગવાન તારું ભલું કરશે." ચોકીદારે ચિઠ્ઠી વાંચતા જ નિ:સાસો નાખ્યો, તેમાં લખેલું કે, "ભાઈ, માજી ને યોગ્ય સ્થાને પહોંચાડી દેશો. હું તેમને લાયક નથી." દુનિયા જોઈ ચૂકેલા બા ચોકીદારનું ઉતરેલું મોઢું જોઈ સમજી ગયા અને બોલ્યા...
"રે, કળયુગી શ્રવણ,
તે તો મારી કુખ અભડાવી."
ન આંસુ ન કોઈ અપશબ્દ, બસ અકળ મૌન. રળિયાતબા નિ:શબ્દ બની ગયા. આઘાતથી મૂઢ.
બીજે દિવસે સવારની બસમાં ચોકીદારે આંખમાં આંસુ સાથે તેને સુખપુર ગામની બસમાં બેસાડી દીધા. અતિ ઉત્સાહ સાથે ગયેલા બાને બીજે દિવસે પાછા આવેલા જોઈ ગામલોકો આશ્ચર્ય અને આઘાતથી દિગ્મૂઢ બની ગયા! પણ કોઈએ તેનો અણસાર સુધ્ધા ન આવવા દીધો.
પણ કહેવાય છે ને..જેની સાથે વિશ્વાસઘાત થયો હોય, તે માણસ કાં તો ગાંડો થઈ જાય ..અને કાં તો શ્રીજીનાં ચરણે !
રળિયાતબા પણ આ આઘાત જીરવી ના શક્યા, અને પંદર જ દિવસમાં જીવનલીલા સંકેલી લીધી. તેની આખરી ઈચ્છા પ્રમાણે ગામલોકોએ જ તેની બધી ક્રિયા કરી. અને તેની મરણમૂડી સમાન એક ખોરડું, બે બંગડી અને મંગળસૂત્રમાંથી સુખપુર ગામમાં જ તરછોડાયેલા વૃધ્ધો માટે એક નાનકડો આશ્રમ સ્થાપ્યો. અને નામ આપ્યું 'દીકરાનું ઘર'.યોગ્ય સંચાલન અને ગામલોકોનાં સહકારને કારણે આ આશ્રય સ્થાન પ્રતિષ્ઠિત થવા લાગ્યું.
સમયને જતા ક્યાં વાર લાગે છે ? અનીતિનું ધન અને કેટલાયનાં નિ:સાસાને કારણે દારૂની લત અને જુગારની કુછંદે ચડેલા નાનકાએ બધું જ ઉડાવી દીધું. અને એક દિવસ પોતાના સગા બાપ ઉપર જ હાથ ઉગામ્યો. આવું હડહડતું અપમાન શ્રીકાંત સહન નાં કરી શક્યો, અને તે પોતાના જ ઘરની બહાર નીકળી ગયો. તે જ પાર્કમાં જઈ બેઠો, જ્યાં તે બાને છોડી જતો રહેલો. એ યાદ આવતા જ તે પોકેપોકે રડ્યો. અને તેણે નિર્ણય કર્યો, "બાની યાદમાં સુખપુર ગામમાં જ બાકીની જિંદગી વિતાવવી અને લોક કલ્યાણનાં કાર્ય કરવા."
બીજે જ દિવસે તે સુખપુર પહોંચી ગયો. પણ ગામલોકોનો તિરસ્કાર અને અપમાન સહન નાં થતા તે ગામ બહાર નીકળી ગયો. અને ત્યાં તેમની નજર 'દીકરાનું ઘર' આશ્રમ પર પડી. ત્યાં આશ્રય લેવાનું નક્કી કરી તે અંદર ગયો, ત્યાં રળિયાતબાનો આદમકદ ફોટો અને તકતી જોઈ ક્ષોભ અને ગ્લાનીથી તે ત્યાંજ ફસડાઈ પડ્યો. પ્રાર્થનાખંડમાં ભજન વાગી રહ્યું હતું...
"વરસે ઘડીક વ્યોમ્ વાદળી રે લોલ...
મારી માડીનો નેહ બારેમાસ રે..
જનનીની જોડ સખી નહી જડે રે લોલ."
