વીરા
વીરા
૧૯૪૬નો સમય હતો. ભારતમાં સ્વતંત્રતાની લડાઈ આખરી મુકામ પર હતી. ભારતવાસીઓએ અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરી દીધા હતા. ભારતને આઝાદ કરવા સ્વતંત્રતાની લડાઈ ખૂબ જોર-શોરથી ચાલતી હતી. સ્વતંત્રતાનો દિવસ નક્કી થઈ ચૂક્યો હતો, ૧૫મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્ર થઈ અંગ્રેજ શાસનનો ગુલામીનો ઝંડો ઉતારી, આઝાદીનો ત્રિરંગો લહેરાવા માંગતો હતો.
સ્વતંત્રતાની લડાઈમાં મોટા-મોટા નેતાઓ સાથે ઘણા નાના લોકો જોડાયેલા હતા. આજ લોકોમાં એક હતો વીરાનો પરિવાર. વીરાનાં પિતા ભીમસેન, અને માતા ગીતાબાઈ પણ આઝાદીની ચળવળમાં જોડાયા હતા. વીરા એક આઠ વર્ષની દીકરી, પોતાનાં માતા-પિતાને જન્મથી દેશ માટે લડતા જોઈ રહી હતી, એટલે એનામાં પણ દેશ પ્રેમની ભાવના ખૂબ હતી.
સન ૧૯૪૬નો ઓગસ્ટનો મહિનો હતો. સુરતનાં ડુમ્મસનાં દરિયા કાંઠે વસેલી વસાહતમાં વીરા તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. આઝાદી ભલે હજુ નહતી મળી પણ ૧૫મી ઓગસ્ટે પોતાની વસાહતમાં ત્રિરંગો ફરકાવવાનો નિર્યણ ડુમ્મસનાં દરિયા કાંઠે વસેલા વસાહતીઓએ કર્યો હતો.
અંગ્રેજ શાસનમાં ત્રિરંગો ઘરમાં લાવવો અને અને લહેરાવવો બહુ મુશ્કેલ હતું, છતાં વીરાનાં પિતા ભીમસેન ૧૩મી ઓગસ્ટે રાતે ત્રિરંગો ઘરમાં લઈ આવે છે. પણ, હજુ ત્રિરંગાને ઘરમાં બે રાત અને એક દિવસ સાચવવાનો હતો. વીરાનાં પિતા ત્રિરંગો ઘરમાં લાવી એક પેટીમાં સંતાડી, પેટીને તાળું મારી ઘરનાં એક માળિયે સંતાડી દે છે. પણ ક્યાંયથી આ વાતની જાણ અંગ્રેજ અધિકારીને થઈ જાય છે.
૧૪મી ઓગસ્ટની રાતે ભીમસેન અને ગીતાબાઈ એમનાં વસાહતીઓ સાથે ગુપ્ત રીતે મળીને બીજા દિવસે સવારે ત્રિરંગો કેવી રીતે લહેરાવવો એની ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. વીરા એ સમયે ઘરમાં એકલી હતી. આ વાતનો ફાયદો ઉપાડી ત્રિરંગાને વીરાનાં ઘરેથી ચોરીને ત્રિરંગાને નુકશાન પહોંચાડવાનાં હેતુથી એક અંગ્રેજ વીરાનાં ઘરમાં બારીમાંથી અંદર ગયો.
વીરા એક આઠ વર્ષની છોકરી, પણ હિંમત અને સાહસથી ભરપૂર, ચપળ, નીડર અને દોડવામાં પારંગત હતી. અંગ્રેજ ત્રિરંગો ચોરવા બારીમાંથી ઘરની અંદર દાખલ થયો. વીરા ગાઢ નિદ્રામાં સૂતી હતી. અંગ્રેજ ઘરમાં આવી ભીમસેને ત્રિરંગો જે પેટીમાં સંતાડ્યો હતો એ પેટી શોધવા લાગ્યો. ભીમસેને પેટી ઘરનાં માળિયે સંતાડી હતી. અંગ્રેજને એ પેટી મળી ગઈ, પણ અંગ્રેજ જેવો માળિયેથી પેટી ઉતારવા ગયો ત્યાં થોડાં ખખડાટથી વીરા ભરઊંઘમાંથી જાગી ગઈ. અંગ્રેજને ઘરમાં જોઈને વીરા સમજી ગઈ કે એ ત્રિરંગો ચોરવા આવ્યો છે.
વીરા અંગ્રજને જોઈને ડરી નહિ પણ પોતાનાં રાષ્ટ્ર ધ્વજને અંગ્રેજનાં હાથમાંથી બચાવવાં લડવા તૈયાર થઈ ગઈ. વીરાએ એક લાકડીથી અંગ્રેજનાં પગમાં જોરથી વાર કર્યો. પેટી ઉતારવા માળિયે ચઢેલો અંગ્રેજ જોરથી નીચે પડકાયો અને સાથે ત્રિરંગો રાખેલી પેટી પણ નીચે પડી. અંગ્રેજ સાથે લડવા તૈયાર થયેલી વીરાની સામે અંગ્રેજે પેટી પર બંદૂકની ગોળી મારી તાળું તોડી નાખ્યું અને પેટી ખોલવા વાંકો વળ્યો. પેટીમાંથી ત્રિરંગો હાથમાં લેવા વાંકા વળેલા અંગ્રેજનાં માંથા ઉપર વીરાએ ફરી પાછો લાકડીથી હુમલો કર્યો અને ઝડપથી ત્રિરંગો એનાં હાથમાં લઈ લીધો.
"એ છોકરી આ ઝંડો મને આપી દે, નહીતો આ બંદૂકની ગોળી તારી છાતીની આરપાર કરી નાખીશ." રાષ્ટ્ર ધ્વજ લેવાં અંગ્રેજે વીરાને ધમકી આપી.
"હું કોઈપણ સંજોગોમાં આ ત્રિરંગો તમારાં હાથમાં નહિ આપુ. આ ત્રિરંગો મારા ભારતનું સન્માન છે, એને હું કોઈ અંગ્રેજ હકુમતના હાથમાં નહિ આવવા દઉં. વંદે માતરમ્."
અંગ્રેજને નીડરતા પૂર્વક જવાબ આપતાં, વંદે માતરમ્ નાં નારા સાથે વીરાએ ત્રિરંગાને છાતી સરસો દાબીને ઘરની બહાર દોટ મૂકી. ઘરની બહાર જ દરિયો, વીરા સમુદ્ર કિનારા પર દોડવા લાગી.
વીરા આગળ અને અંગ્રેજ એની પાછળ. દોડવામાં નિપુણ વીરા અને પાછળ પગે અને માથેથી ઘાયલ થયેલો અંગ્રેજ, અંગ્રેજ ગમે તેટલું દોડ્યો પણ તેં વીરાને નહતો પકડી શકતો. અંગ્રેજે વીરાને રોકવા વીરાના પગમાં ગોળી મારી. પહેલી ગોળી, બીજી ગોળી, ત્રીજી ગોળી મારી પણ ત્રણે નિશાના નકામા ગયા. અંગ્રેજ એક ગોળી તો પેટીનું તાળું તોડવામાં વાપરી ચૂક્યો હતો, હવે એને બંદૂકમાં માત્ર બે ગોળી હતી. આ વખતે અંગ્રેજે ગોળી વ્યર્થ ના જાય એ રીતે બરોબર નિશાન લગાડી વીરાનાં પગમાં ગોળી મારી. વીરાને પગમાં ગોળી વાગતાં તે પડી ગઈ, પણ દેશ પ્રેમનો જસબો વીરામાં એટલો હતો કે ઘાયલ થયાં બાદ પણ વીરા ફરી પાછી ઊભી થઈ, ત્રિરંગાને છાતી સરસો દાબીને એ ત્રિરંગાને બચાવવા દોડતી રહી. પગે ઘાયલ થયાં બાદ પણ વીરા લગભગ બે કિલમીટર સુધી દોડતી રહી, પણ અંગ્રેજનાં હાથમાં ના આવી.
એક નાનકડી છોકરી જેને પગમાં ગોળી વાગી છે છતાં આટલી ઝડપે દોડી રહી છે અને અંગ્રેજનાં હાથમાં નથી આવતી. આ જોઈ અંગ્રેજને વીરા પર ખૂબ ગુસ્સો આવ્યો. હવે એની બંદુકમાં માત્ર એક ગોળી હતી. અંગ્રેજે બરોબર નિશાનો લગાડ્યો અને ગોળી વીરાની પીઠ પર મારી. ગોળી વીરાની પીઠથી છાતી સુધી આરપાર થઈ ગઈ. ગોળી વાગતાં વીરા જમીન પર પડી ગઈ, અને એનાં હાથમાંથી ત્રિરંગો છુટી ગયો. ગોળી વાગતાં વીરા લોહીના ટીપાં એને છાતી સરસા દાબી રાખેલાં ત્રિરંગાના કેસરીયા રંગ ઉપર પડ્યા. અંગ્રેજ વીરા સુધી પહોંચી ત્રિરંગો હાથમાં લે એ પહેલાં સમુદ્રની એક મોટી લહેરે અંગ્રેજને એની તરફ ખેંચી લીધો. વીરાએ આ દ્રશ્ય જોયું, અને આ સાથે ભારત માતાકી જય. વંદે માતરમ્ બોલતાં વીરાએ એનાં પ્રાણ પંખેરું ઊડી ગયા. આ દ્રશ્ય સમુદ્ર વસાહતમાં રહેતાં રામુએ નિહાળ્યું. રામુ વીરાને જોઈને ઓળખી ગયો કે આ ભીમસેનની દીકરી છે.
બીજી તરફ ૧૫મી ઓગસ્ટે ધ્વજ વંદન કેવી રીતે કરવું એની ચર્ચા વિચારણા કરીને ઘરે પાછા ફરેલા ભીમસેન અને ગીતાબાઈને ઘરનો દરવાજો ખુલ્લો જોતા ફાળ પડી. ઘરનો દરવાજો ખુલ્લો અને ઘરમાં ત્રિરંગો રાખેલી પેટી ખુલ્લી પડેલી અને વીરા પણ ઘરમાં ક્યાંય નહતી. ભીમસેન અને ગીતાબાઈ ત્રિરંગો અને વીરાને શોધવા વસાહતીઓ સાથે સમુદ્ર કિનારે ગયા. ત્યાંજ રામુ આવ્યો અને એને બધી વાત કરી. અને ત્રિરંગાના કેસરીયા રંગ પર પડેલા વીરાના લોહીના ધબ્બા બતાવ્યા.
વીરાનાં ઘરથી લગભગ પાંચ કિલમીટર દૂર પડેલું વીરાનું શબ લઈને ભીમસેન અને બાકી વસાહતીઓ ઘરે આવ્યા. પોતાની દીકરીનાં મૃત્યુનો ભીમસેન અને ગીતાબાઈને દુઃખ જરૂર હતું. પણ ભીમસેન અને ગીતાબાઈ વીરા પર ગર્વ અનુભવતા હતા. કારણ એમની દીકરી મૃત્યુ નહતી પામી પણ દેશ માટે શહીદ થઈ હતી.
રાતે ને રાતે વીરાની અંતિમ ક્રિયા પતાવી ભીમસેને બીજા દિવસે સવારે ધ્વજ વંદન કરવાનું નક્કી કર્યું. ત્યારે એક વ્યક્તિએ પૂછ્યું,
"પણ ભીમસેનજી આ રાષ્ટ્ર ધ્વજ પરતો લોહીના ધબ્બા પડી ગયા છે, આ રાષ્ટ્ર ધ્વજ ફરકાવાય ?"
ભીમસેન કે ગીતાબાઈ કંઈ બોલે એ પહેલાં વસાહતમાં રહેતાં બુજૂર્ગ અને સ્વતંત્રતાની અગ્રેસર એવાં વીરસિંહ બોલ્યાં,
"આજે વીરાએ જે વીરતા દાખવી એનાં કારણે આપણો ત્રિરંગો આપણી પાસે સહીસલામત છે. આપણા ત્રિરંગામાં રહેલો કેસરી રંગ એ શૌર્ય અને વીરતાનું પ્રતીક છે. અને જુઓ વીરાનાં લોહીના ધબ્બા પણ કેસરી રંગ ઉપર જ પડ્યા છે. આ લોહીના ધબ્બા નહિ પણ આપણી વીરાની વીરતાનું પ્રમાણ છે."
બીજા દિવસે સવારે ૧૫મી ઓગસ્ટે ભીમસેન અને ગીતાબાઈ વસાહતી સાથે ધ્વજ વંદન કરે છે. ધ્વજ વંદન વખતે ધ્વજનો કેસરી રંગ સૌથી મહત્વનો દેખાય છે. અને ભીમસેન ધ્વજ વંદન વખતે પ્રણ લે છે કે, આ વર્ષે ભલે ત્રિરંગો અંગ્રેજોની હુકુમિયતની વચ્ચે લહેરાવ્યો હોય પણ આવતા વર્ષે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ આઝાદી મેળવીને ત્રિરંગો લહેરાવીશ.
